વિચારો અને ધનવાન બનો - નેપોલિયન હિલ
" Think and Grow Rich " નો ગુજરાતી અનુવાદ
અનુવાદ : અલ્કેશ પટેલ
અનેક પ્રેરણાત્મક પુસ્તકોના લેખક નેપોલિયન હિલે સફળતા વિશેના સિદ્ધાંતો પોતાના લખાણોમાં રજૂ કર્યા છે. ‘થિંક એન્ડ ગ્રો રીચ’ એમનું એવું પુસ્તક છે જેમાં અમુક જાણીતા લોકો કેવી રીતે સમૃદ્ધ થયા તેનો અભ્યાસ કરી લેખકે પોતાની રીતે સફળતાની એક ફોમ્ર્યૂલા ઘડી છે. કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે એક મહેરછા જરૂરી છે જેની પાછળ બધું દાવ પર લગાડવાની તૈયારી હોય તો સફળતા મળે છે. લેખકનું સંશોધન બતાવે છે કે આજે જે લોકોને આપણે સફળ માનીએ છીએ તેઓએ પણ ઘણી વાર નિષ્ફળતા જોઇ છે. તફાવત એટલો જ છે કે એમણે આ અવરોધ કે પરાજયનો સ્વીકાર નથી કર્યોઅને પોતાના ઘ્યેય તરફ આગળ વધતા રહ્યા છે. ક્ષણિક પરાજય આપણા માટે ચેતવણી બની આવે છે માટે એનાથી નાસીપાસ થવા કરતાં આપણા ઘ્યેય માટે વધારે મહેનત કરવાની જરૂરત છે. દરેક સફળ વ્યકિતએ આવી સ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. આપણું કાર્ય ચાલુ રહે તે જ સૌથી મહત્ત્વનું છે. નકારાત્મક માન્યતાઓ જ આપણને કમનસીબ બનાવે છે. કોઇ પણ કામમાં જયારે કોઇ અવરોધ ઊભા થાય ત્યારે નિષ્ફળતાના જ વિચારો કર્યા કરીએ તો જરૂર નિષ્ફળતા જ મળે છે. એક વાર દ્દઢ નિશ્ચય કરી લઇએ કે અમુક કામ કરવું છે અને પછી એની પાછળ પડી જઇએ તો એવી કોઇ જ મર્યાદાઓ નથી જે આપણને રોકી શકે. મર્યાદાઓ એટલી જ હોય છે જેમનો આપણે સ્વેરછાએ સ્વીકાર કરી આપણાં પ્રયત્નો બંધ કરી દઇએ છીએ. લેખકનું માનવું છે કે ઘણાં ખરા લોકોને શું મેળવવું છે તેનું ચિત્ર સ્પષ્ટ નથી. ઘ્યેય અસ્પષ્ટ હોય તો સફળતા મળતી નથી. લેખકે સફળ વ્યકિતઓના જીવનનો અભ્યાસ કર્યા બાદ એ તારણ કાઢયું છે કે, દરેક સફળ વ્યકિતએ પોતાનો ઘ્યેય સ્પષ્ટ રાખ્યો હતો, અને તેને પામવાની પૂરી તૈયારી કર્યા બાદ મહેનત શરૂ કરી હતી. રસ્તામાં આવતી નાની મોટી અડચણોથી જરાય વિચલિત થયા વિના પોતાના પ્રયત્નોમાં આસ્થા રાખે તે જ સફળ થઇ શકે છે. એ વકીલ કેસ નથી જીતતો જે વધારે કાયદા જાણે છે પણ એ જ જીતે છે જે પોતાનો કેસ સારી રીતે તૈયાર કરી રજૂઆત કરે છે.
અંગત સિદ્ધિ, આર્થિક સ્વતંત્રતા અને નાણાકીય ગણતરીઓથી પણ આગળ પરમ સુખ મેળવવા માટેના વિવિધ માર્ગ તરફ દિશાસૂચન કરનાર પુસ્તક વિચારો અને ધનવાન બનો એ સર્વકાલીન પ્રભાવશાળી પુસ્તકો પૈકી એક છે.
આ પુસ્તકમાં જે પ્રખ્યાત ફિલોસોફી આપવામાં આવી છે તેનો હજારો લોકોએ ધનવાન બનવા માટે ઉપયોગ કર્યો છે. અહીં જે રહસ્યોની વાત કરવામાં આવી છે તે આ પુસ્તક થીંક એન્ડ ગ્રો રીચની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઇ ત્યારે જેટલાં પ્રસ્તુત હતાં તેટલા જ આજે પણ છે. જે લોકો ધનિક થવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે અને તેના દ્વારા આધ્યાત્મિક સંતોષ મેળવવા માંગે છે એ તમામને આ નવી આવૃત્તિ દ્વારા સમૃદ્ધિની ફિલોસોફી અને ફોર્મ્યુલા આપવામાં આવી છે.