Aakhare Azad (Gujarati Translation of Free At Last The Sudbury Valley School) by Daniel Greenberg
"આખરે... આઝાદ!"
મૂળ લેખક: ડેનિઅલ ગ્રીનબર્ગ
• અનુવાદ: ક્ષમા કટારિયા
• કુલ પાનાં: આશરે ૧૮૪
બાળકેળવણી અને શાળા સાથે સંકળાયેલી દરેકે દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવું પુસ્તક
સમરહિલ”ના પ્રકાશન પછી કેળવણીના ક્ષેત્રનું બીજું ક્રાંતિકારી પુસ્તક “આખરે...આઝાદ!” ગુજરાતી ભાષામાં પ્રાપ્ય .
ઈ.સ.1960ના પાછલા દાયકામાં ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી તેના પોતાનાં બાળકો માટે બોસ્ટન નજીક બાળકોની જરૂરિયાતને અનુકૂળ થાય એવી શાળાની શોધમાં હતા. તેઓ તે શોધી ન શક્યા. તેથી, કેટલાક સરખી માનસિકતા ધરાવતા વાલીઓ ભેગા મળ્યા અને તેમણે મેસેચ્યુસેટ્સના ફ્રામિંગહામ ખાતે સડબરી વૅલી શાળાની સ્થાપના કરી.
સડબરી વેલી સ્કૂલ એવી શાળા છે જ્યાં કોઈ અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી, કોઈ ‘ગ્રેડ’ પદ્ધતિ નથી, કોઈ ગણવેશ નથી, કોઈ ઘંટ નથી વાગતો અને ચીલાચાલુ શાળાની વ્યાખ્યામાં આવતાં કોઈ જ દૈનિક કાર્યો નથી.
આ શાળામાં બાળકોને જવાબદાર નાગરિકો તરીકે જોવામાં આવે છે અને તેમના શિક્ષણની જવાબદારી તેમની પોતાની હોય છે. જ્યાં સુધી બાળકો ન ઇચ્છે ત્યાં સુધી શિક્ષકો તેમનાથી દૂર રહે છે. બાળકો તેમના પોતાના રસના વિષયો શોધી કાઢે છે અને તેમાં ધરખમ રીતે આગળ વધે છે. વિષયો તેમણે જાતે પસંદ કરેલ હોવાથી તેઓ તેને ખૂબ જ સારી રીતે શીખે છે. આથી, બાળકો તેમના પોતાના શિક્ષણના સાચા ઘડવૈયા બને છે.
સડબરી શાળાના પ્રયોગોની વાતો કેટલી રોમાંચક છે! જ્યારે જ્યારે સમાજના આવા પ્રયોગો જાણમાં આવે છે ત્યારે હૃદયમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. બધાં રૂઢિવાદી વિચારો અને પ્રણાલિકાઓને બાજુ પર ફગાવી, કેળવણીના સાચા પ્રયોગો કરનારા આવા જવાંમર્દને જેટલા સલામ કરીએ તેટલા ઓછા છે. આ જ ટોલ્સ્ટૉયે કલ્પેલી સાચી કેળવણી આપતી શાળાનું ઉદાહરણ છે. સમરહિલના રસ્તે ચાલી પડેલી આ શાળા પણ સાબિત કરે છે કે જેને આદર્શોને જ અનુસરવા છે તેને રસ્તા મળી જ રહે છે.
એક આદર્શવાદી આચાર્ય કે શાળાઓના પદાધિકારીઓ અને શિક્ષકોની જગ્યાએ ખુદને મૂકીને જોઉં છું તો મને આ પુસ્તક એટલું મીઠું, એટલું પ્રેરણાજનક, એટલું લોભામણું લાગે છે! જાણે તે આપણને લલકારે છે કે શાળા ચલાવો છો? આદર્શ શાળાનું ઉદાહરણ ઊભું કરવા ઇચ્છો છો? કોઈ સમાધાન વિના બાળકોને સાચી કેળવણી આપવા માગો છો? તો જુઓ, આમ થઈ જ શકે છે! કરીને જુઓ.
હા, હિંમતનું કામ તો છે. સાચી રીતે ચાલતી, બાળકોને વરેલી શાળા બનાવવા ફક્ત બાળકોમાં જ નહીં, બાળકોના વાલીઓમાં પણ ઊંડી શ્રદ્ધા જોઈએ. આપણે પૂરી મક્કમતા અને ધીરજથી પુરુષાર્થ કરીએ તો સાચને સમજનારા અને સાથ આપનારા છેવટે મળવાના જ છે.
આપણા સૌનું એ સ્વપ્ન હોવું જોઈએ કે સડબરી શાળાનો પ્રાણ આપણા પ્રદેશની શાળાઓમાં પણ આપણે ફૂંકી શકીએ. ગીજુભાઈનું પણ આ જ “દિવાસ્વપ્ન” હતું ને?
|