Thank You Mummy
થેંક યૂ મમ્મી
સંપાદકઃ અમીષા શાહ- મૃગાંક શાહ
એ કેટલા છોકરાઓ હતા?
એક રૂઆબદાર મહિલાએ પોતાના દીકરા સામે ‘શોલે’ના કિતને આદમી થે?ના અંદાજમાં ડાયલોગ ફેંક્યો.
- ચાર.
- અને તને ફક્ત ચાર છોકરાઓ મારી ગયા! પાછો જા અને એ ચારેયને ખોખરા કર્યા વગર પાછો ન આવતો.
દીકરામાં હિંમત આવી. એ ગયો અને ચારેયને ધીબેડીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો ઘરે પાછો ફર્યો. દાયકાઓ પછી દીકરો લખે છેઃ ‘મારી માતાએ તે દિવસે મારામાંથી એક વિજેતાને બહાર આણ્યો.’ ભીરૂ દીકરાને ભડવીર બનતા શીખવનાર એ માતાએ પછી છોકરો જુાન થયો ત્યારે બોલડાન્સ, વોલ્ટ્ઝ અને ફોક્સટ્રોટ ડાન્સ કરતાં પણ શીખવ્યું. આ રૂઆબદાર માનુની એટલે તેજી બચ્ચન અને પેલો છોકરો એટલે અમિતાભ બચ્ચન!
મા વિશે કેટલું લખી શકાય? શું લખી શકાય? જન્મદાત્રીનો આભાર માનવાનો હોય? કે પછી, પ્રતિષ્ઠિત નાટ્યલેખક પ્રવીણ સોલંકી કહે છે તેમ, ‘થેન્ક યૂ મમ્મી’ એ વાક્ય જ અવાસ્તવિક છે? નરેન્દ્ર મોદીએ ભલે ‘માનું માર્કેટિંગ ન થાય’ એમ કહીને લેખ લખવાનું ટાળ્યું હોય, બાકી સંતાનો ધારે તો પોતાની જનની વિશે લખી શકે છે, દિલપૂર્વક લખી શકે છે અને સરસ લખી શકે છે. આ વાતની સાબિતી છે આ રૂપકડું પુસ્તક. વીર નર્મદથી લઈને ફિલ્મસ્ટાર પ્રાચી દેસાઈ સુધી અને મહાત્મા ગાંધીથી લઈને લોર્ડ ભીખુ પારેખ સુધીના ૪૭ સંતાનોના પોતાની મા વિશેનાં હૃદયસ્પર્શી લખાણો અહીં સંગ્રહ પામ્યાં છે.
માતૃપ્રેમના મહિમા વિશે કેટલાંય પુસ્તકો છપાયાં છે અને ભવિષ્યમાંય છપાતાં રહેશે. માનું માર્કેટિંગ ભલે ન થાય, પણ સંપાદકબેલડી અમીષા શાહ - મૃગાંક શાહ કહે છે તેમ, મા પ્રત્યેની ઈન્દ્રધનુષી લાગણીઓનું ઈમોશનલ શેરિંગ ચોક્કસ થાય. સુંદર છપાઈવાળું આ પુસ્તક લેખકોની પસંદગી તેમજ લખાણોની નક્કર પારદર્શિતાને લીધે વાંચનક્ષમ બન્યું છે એ તો નક્કી.
Courtsey : Shishir Ramavat
|