Lagnasagar by Father Valles લગ્નસાગર - ફાધર વાલેસ લગ્ન એટલે કેવળ કામસુખ ભોગવવાનો પરવાનો નથી. લગ્ન તો પવિત્રતાનું આજીવન પર્વ છે. લગ્ન એ સંસાર દીક્ષા છે. જેમાં સંસ્કારની પવિત્રતા છે, પ્રાર્થનામાં બે હાથ જોડાય છે લગ્નમાં બે હૈયાં જોડાય છે. લગ્નવિધિનાં રહસ્યોની રોમાંચક અને આદર્શ વાતોનો સાગર એટલે ‘લગ્ન સાગર’ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ પર નજર નાખીશું તો સ્ત્રી અને પુરુષ હોય છે. નર અને માદા હોય છે, પરંતુ પતિ- પત્ની તો કેવળ માનવ સમાજમાં જ જોવા મળે છે. કંકોતરી લખાય ત્યારથી માંડીને વરકન્યાના હાથે થાપા દેવાય ત્યાં સુધીના પ્રત્યેક રીત-રિવાજનું તાજગીસભર આલેખન ‘લગ્નસાગર’માં વાંચવા મળે છે. કંકુના થાપા મારવાના વિધિનો મર્મ સમજાવતાં ફાધર વાલેસ લખે છે, ‘ઘરની દીવાલ પર થાપા, વિદાયનો સંકેત છે. જીવનનું સંભારણું છે. મારું સ્મરણ આપતી જાઉં, મારા હાથની છાપ, મારા પ્રેમ ને મારી વિદાય વેદનાની છાપ પાડતી જાઉં. આ વિયોગનો વિધિ છે અને તેથી કન્યાને ઘરની દીવાલો પર થાપા મારતી જોઈને તેની બાની આંખો ભીની થાય છે.” તમારા જીવનના આ શુભમાં શુભ દિવસે તમે દિલમાં એ પ્રતિજ્ઞા લો અને એકબીજાની પાસે લેવરાવો કે હવે એ સુંદર છાપ, એ પવિત્ર મહોર, એ કંકુના થાપા, તમે બધે પાડતા જશોઃ સમાજ ઉપર પાડતા જશો. તમારા મિત્રો ઉપર અને કુટુંબીઓ પર પાડતા જશો... અને વિશેષ તો એકબીજાના હૃદય ઉપર એ પ્રેમ અને સમર્પણ અને ભક્તિરૂપ કંકુની મંગળ છાપ હંમેશાં પાડતા રહો... એ તમારા લગ્નનો મર્મ છે. હિન્દુ પરંપરામાં લગ્ન કેવળ ભોગવિલાસનું કે સંસારસુખનું માધ્યમ નથી, લગ્ન તો બે આત્માનું પવિત્ર મિલન છે. બે હૈયાંનું દિવ્ય ઐક્ય છે. પરસ્પર માટે ત્યાગ અને સમર્પણની ભાવનાનું પ્રતીક છે એ. આ પવિત્ર બંધન કેવળ એક જન્મનું નથી, એ તો સાત-સાત જન્મનું દ્રઢ બંધન છે. આ પવિત્ર બંધનને આજે રમતનું અને છળકપટનું, દહેજ અને શરીરસુખનું સાધન બનાવી દેવાયું છે. પશ્ચિમના વાયરે હવે આ પવિત્ર બંધન નાની-નજીવી વાતે ગમે ત્યારે તોડી નંખાય છે, ત્યારે તોડનારને એ ગંભીર અને નાજુક વાતનો ખ્યાલ નથી રહેતો કે આ બંધન તૂટવાની સાથે તમારી જોડે સંકળાયેલા કેટલા બધા પરિવારજનોનાં દિલ પણ તૂટે છે. લગ્નના પવિત્ર બંધને જોડાયેલાં નવદંપતી કે જેઓ સાચા અર્થમાં પરમ સુખમય દાંપત્યજીવન ગાળવા ઇચ્છે છે અને જેમના ઉચ્ચ આદર્શો છે અને જેઓ સર્વગુણસંપન્ન આદર્શ સંતતિની ઝંખના સેવે છે તેવાં નવદંપતીએ ફાધર વાલેસનું ‘લગ્ન સાગર’ અને ગાયનેકોલોજિસ્ટ ડો. નીલેશ પટેલનું ‘ગર્ભસંહિતા’ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.