ઝુમ્મર (ગુજરાતી નઝમોનું સંપાદન)
'ઝુમ્મર' માંથી કેટલીક નઝમો (૭૨ શાયરોની ૧૪૦ નઝમો)
એસ. એસ. રાહી
હૃદયના રંગની વાતો
નયનમાં આજ નાચે છે હૃદયના રંગની વાતો,
રગેરગમાં વહે છે આ હૃદયના રંગની વાતો,
ઉમંગોની, તરંગોની, કસુંબલ રંગની વાતો,
કહો તો આજ સંભળાવું હૃદયના રંગની વાતો,
હૃદયને આજ કહેવી છે હૃદયના રંગની વાતો.
અકબરઅલી જસદણવાળા
કેવી રીતે ભૂલું ?
તમારાં ગીતનું ગુંજન, કહો, કેવી રીતે ભૂલું ?
તમારી આંખનું અંજન, કહો, કેવી રીતે ભૂલું ?
તમારાં હાસ્યનાં ખંજન, કહો, કેવી રીતે ભૂલું ?
હૃદયસંગે જડ્યું સ્પંદન, કહો, કેવી રીતે ભૂલું ?
પછી મુજ આંખનું ક્રન્દન, કહો, કેવી રીતે ભૂલું ?
અનંતરાય પ. ઠક્કર 'શાહબાઝ'
તો આપો
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો.
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
અમૃત ઘાયલ
તૂટેલું દિલ
પ્રણય-મદિરા મહીં નિશદિન રહે ચકચૂર એ દિલ છું,
જે હો ચૌદે ભુવનના ભેદથી ભરપૂર એ દિલ છું,
બને જે બે જીવન બંસી તણો એક સૂર એ દિલ છું,
ખુદાઈ શું ? ખુદા ખુદ જોવા છે આતૂર એ દિલ છું :
છતાં એક દિલથી ટકરાઈ જરા તૂટી ગયેલું છું.
'આસિમ' રાંદેરી
પહેલું મિલન
તારું પ્રથમ મિલન તો ગુલાબો સમું હતું !
મોસમ વિના વસંતનું વાતાવરણ હતું.
ગીતોની એ રવાની કે બુલબુલ ભુલાઈ જાય,
ઝરણું જો સાંભળે તો શરમથી સુકાઈ જાય.
સંગીત ને ગીતોનું એ એકીકરણ હતું,
તારું પ્રથમ મિલન તો ગુલાબો સમું હતું !
'કાબિલ' ડેડાવણી
મહોબ્બત કરી'તી
કેવાં એ સમણાં ને કેવી એ વાતો,
મિલનના એ દિવસો ને મિલનની એ રાતો,
સમંદર સદાએ તુજ ગીત ગાતો,
ઊતરતી'તી તારાની કેવી બારાતો,
અજબ કુદરતે એક કરામત કરી'તી.
કે તમારાથી મેં તો મહોબ્બત કરી'તી.
દેવદાસ શાહ 'અમીર'
શરાબીની વસિયત
હતા જે મારા સુરાલયના દોસ્તો ક્યાં છે ?
મરણપથારી ઉપર કેમ એ જણાતા નથી;
મેં જામ કેટલા પીધા હિસાબ મોઢે છે,
આ મારી આંખનાં આંસુ હવે ગણાતાં નથી ?
'મરીઝ'
તું એક ગુલાબી સપનું છે
તું એક ગુલાબી સપનું છે.
હું એક મજાની નીંદર છું,
ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.
શેખાદમ આબુવાલા
તમે આવ્યા !
તમે આવ્યા,
તમે આવ્યા અને મારા જીવનનું ચિત્ર બદલી ગ્યું.
નયન મારાં હતાં કે જેમાં તારાની ચમક નહોતી,
હૃદય મારું હતું કે જેમાં બુલબુલની ચહક નહોતી;
જીવન મારું હતું કે જેમાં ફૂલોની મહક નહોતી.
'સાલિક' પોપટીઆ
ગ્રીષ્મ
એક અફવા બધે ચગેલી છે,
ગ્રીષ્મ ન્હાતી હશે સરોવરમાં.
કાંઠે એક ઓઢણી પડેલી છે.
એસ. એસ. રાહી
|