મળે ન મળે -આદિલ મન્સુરી મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફરીદ) મન્સુરી મનહર ઉધાસે ગાયેલી ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તે ગઝલથી લોકપ્રિય છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી છે. ‘વળાંક’ (૧૯૬૩), ‘પગરવ’ (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલસંગ્રહો છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી તેમ જ પોતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવો શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પોતાના કથનાર્થે તેમ જ કોઈ રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે. ગઝલના રચનાકસબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય એટલી ગઝલો રચી છે. ‘પગરવ/સંભવ/પાલવ’ તથા ‘મૂંગો/ભડકો/લહિયો’ જેવા કાફિયામાં અને ‘વરસાદમાં’, ‘સૂર્યમાં’, ‘ભીંડીબજારમાં’ તથા ‘અ’, ‘પરંતુ’ જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દોના યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી ‘મળે ન મળે’ રદીફવાળી ગઝલ લોકપ્રિય થઈ છે. ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટૂંકા છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુક્તકો પણ એમણે આપ્યાં છે. ‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) એમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘જે નથી તે’ (૧૯૭૩) એમનો બીજો એકાંકીસંગ્રહ છે. આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા પેઇન્ટર હતા અને કેલીગ્રાફીમાં માહિર હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું. જનાબ આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર તા.૬ નવેમ્બરે ૨૦૦૮ ના દિવસે ન્યૂજર્સીમાં અવસાન થયું. આદિલ મન્સૂરીના કેટલાક શેર આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર સૂરજનો અંધકાર નહીં જીરવી શકો થાકી જશો શરીરની સાથે ફરી ફરી હોવાપણાનો ભાર નહીં જીરવી શકો આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને એકાંત પણ ધરાર નહીં જીરવી શકો મારગમાં એક એવી અવસ્થા ય આવશે જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો મિત્રો કે શત્રુઓથી બચી નીકળો પછી પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો માથું ઘણુંજ નાનું છે પંડિતજીને કહો આ પાઘડીનો ભાર નહીં જીરવી શકો મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું માથે સતત હગાર નહીં જીરવી શકો આદિલ સુખેથી શ્વાસ નહીં લઈ શકો તમે એના સતત વિચાર નહીં જીરવી શકો – આદિલ મન્સૂરી —————————– હાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં ખખડાટ વાસણોનો વધ્યો જ્યારે ખોરડે તે છાપરા તળે ન સમાણા જુદા કર્યા ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી જ્યારે ફસલ લણાઈ તો દાણા જુદા કર્યા ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં મનસુબા રાતોરાત બધા પાર પાડવા પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા યાદીઓ જોતજોતામાં તૈ્યાર થઈ ગઈ જેના લલાટે લેખ લખાણા જુદા કર્યા દુર્ભાગી માણસોના મરણના બજારમાં સૌદાગરોએ વિશ્વમાં નાણાં જુદા કર્યાં માણસના હાથે જીવતા સળગાવ્યા તેનાથી ભૂકંપે જીવતા જે દટાણા જુદા કર્યા બે આંખનીયે કોઈને નડતી નથી શરમ પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં