દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્કૃતની સાહિત્ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા.
	
		એકવાર ગીગા રામજીને ત્યાં પધારેલા સંત મુકતાનંદજીને તેઓ મળ્યા. દુલા કાગ સંત મુકતાનંદને કહેવા લાગ્યા: ‘મારે તો કચ્છ જઇ પિંગલની પાઠશાળા-પોષાલમાં જઇ અભ્યાસ કરવો છે. ’ સંત મુકતાનંદ કહે:‘કયાંક જવાની જરૂર નથી. ’ બધું અહીં જ છે. તેઓએ કિશોર દુલાની આંગળીઓમાં આંગળીઓ પરોવી અને આંખોથી દુલાને ભાવપૂર્વક નીરખ્યો અને આજ્ઞા આપી ‘જા, સવૈયો લખી લાવ. ’ કિશોર દુલાએ સત્તર વર્ષની વયે લખેલા સવૈયા દુલા કાગને સવાયા ચારણ બનાવી દે એમાં કોઇ શંકા નથી.
	
		દુલા કાગનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્ય પામવા પ્રયત્ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.
	
		દુલા ભાયા કાગ ગુજરાતી સાહિત્ય ના તળપદી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે.
	
		કબીરજી ના દોહા જેમ કબીરવાણી તરીકે ઑળખાય છે તેમ દુલાજી ના દોહા કાગવાણી તરીકે ઑળખાય છે.
	
		 
	
		કાગ કાગ માં ફેર છે, બેઉ કરે કાગારૉળ
		કાળૉ કાગ માથું પકવે, દુલા ઉપર ઑળઘૉળ
	
		એક તો આખો દિવસ કાં કાં કરતા કાગડા અને બીજા દુલા ભાય કાગ્ બન્ને આખો દિવસ કાગારોળ કરે છે. પરંતુ એક ની કર્કશ વાણી માથું પકવી દે છે, જ્યારે બીજાની બોધક વાણી આપણા અંતરમાં અજવાળા પાથરી દે છે અને ઍટલે જ તેના ઉપર ઑળઘૉળ થઈ જવાનું મન થાય છે.
	
		ગાગર માં સાગર સમાવી દેતા આ દોહાઑનો સંગ્રહ તેના અર્થ સહિત વાંચવાનો આનંદ અનેરો છે 
	
		1]
		કડવો લીંબડ કોય, મૂળેંથી માથા લગી;
		(એની) છાયા શીતળ હોય, કડવી ન લાગે, કાગડા !
	
		હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.
	
		[2]
		હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ;
		કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા !
	
		હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી.
	
		[3]
		ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે;
		પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા !
	
		હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી.
	
		[4]
		ઘટમાં ભરિયેલ ઘાત, મોઢેથી મીઠપ ઝરે;
		(પણ) વેધુ મનની વાત, કઈ દે આંખું, કાગડા !
	
		હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું.
	
		[5]
		હૈયામાં હરખાય, મેડક મચ્છરને ગળે;
		(એને) જાંજડ ગળતો જાય, (પણ) કળ્યું ન પડે, કાગડા !
	
		નીચેનો બનાવ નજરે જોયેલ છે : મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.