Zer To Pidha Chhe Jani Jani - Manubhai Pancholi Darshak ગુજરાતીમાં મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિઓનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ માનવસંબંધોનું કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ દર્શન પણ તેમાંથી પ્રતીત થાય છે. આ કૃતિના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કથાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહીં પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. દર્શકે આ નવલકથામાં એક કલાકાર તરીકે ગાંધીવિચારની દૃષ્ટિએ બીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળીનું નિરીક્ષણ, વિશ્લેષણ અને નિદાન કર્યું છે. આ માટે તેમણે ભારત અને યુરોપના સામાજિક તત્ત્વજ્ઞાનને પોતાની પકડમાં લીધાં છે. આ કોઈ સાધારણ લોકસેવદની ભક્તિનું પરિણામ નથી, પણ એક ગહન ચિંતકની વ્યાપક માનવઅનુકંપાની પરિણિત છે. મનુષ્યની સહાનુભૂતિની ક્ષિતિજો વિસ્તૃત બને એ કોઈ પણ ઉચ્ચ સાહિત્યકૃતિની ફલશ્રુતિ હોય છે. દર્શકની આ દિશાની સફળતા એમને ગુજરાતી ભાષાના જ નહીં, પણ જગતના શ્રેષ્ઠતમ સર્જકોની હારમાં બેસાડે છે.
-- યશવંત દોશી