Buy Tatvamasi Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices
તત્વમસિ - ધ્રુવ ભટ્ટ
લેખક એ છે જે વાચકને આ દુનિયાથી દૂર કોઈ અજ્ઞાત પ્રદેશની સફર કરાવે છે. તે થોડા સમય માટે આપણને આ જગતથી કોઈક ઉપરના પ્રદેશમાં લઈ જાય છે. જેની શબ્દસાધના આપણને આવી પ્રતીતિ કરાવી શકે તે સાચો સર્જક છે. ધ્રુવભાઈ ભટ્ટના તમામ પુસ્તકોમાં આપણે તે ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવી શકીએ છીએ. તેમના અદ્દભુત સર્જનોમાંનું એક સર્જન છે ‘તત્વમસિ’. આ લઘુનવલકથા પૂરી કર્યા પછી આ લોકમાં પાછા આવવાનું મન ન થાય એટલી હદે તે આપણને પકડી રાખે છે.
આપણી સંસ્કૃતિના બે મહાકાવ્યો છે : ‘રામાયણ’ અને ‘મહાભારત’. તે જ રીતે ત્રણ મહાવાક્યો છે : ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્વમસિ’ અને ‘સર્વં ખલું ઈદં બ્રહ્મ’. આ ત્રણ મહાવાક્યોરૂપી તણખલાને ઉપાડીને લેખક ધ્રુવ ભટ્ટે ‘તત્વમસિ’ નામની લઘુનવલનો માળો ગૂંથ્યો છે, જેમાં ધબકે છે ભારતીય સંસ્કૃતિનો મહાઘોષ.
લેખક ધ્રુવ ભટ્ટ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદમાં રહે છે. હાલમાં નિવૃત્ત જીવન વિતાવે છે. એ સાથે બાળકો માટે એક સંસ્થા નામે ‘નચિકેતા’ ચલાવે છે. જે અંતર્ગત તેઓ બાળકોને આકાશદર્શન, દરિયા કિનારે પદયાત્રા વિ. કાર્યક્રમો કરે છે. સાથે ખૂબ સુંદર સર્જન કરે છે. તેઓ ગુજરાતી સાહિત્યના લોકપ્રિય સર્જક છે. જેના દર્શન માત્રથી પાપમુક્તિ મળે છે તે મહાનદી નર્મદાને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે. તેના મુખપૃષ્ઠ પર નર્મદાતટ પર સૂતેલો પદયાત્રી છે, તો પાછલા પૃષ્ઠ પર છાન્દોગ્ય ઉપનિષદનો શ્લોક છે : (‘શ્રદ્ધાત્સવ સોમ્યેતિ સ ચ ણ્ષોડણી મૈતદાત્મ્યમિદં, સર્વં તત્સત્યં સ આત્મા તત્વમસિ…..’) આ નવલકથામાં નર્મદા સ્વયં એક પાત્ર થઈને વહી જાય છે ચૂપચાપ.
તત્વમસિમાં નર્મદાના જંગલોમાં વસતા અને નર્મદાને શ્વસતા વનવાસીઓની સામાન્ય કહેવાતી વાતોમાં પડઘાય છે ભારતીય સંસ્કૃતિનો અમર જય ઘોષ. અહીં વાર્તા નાયકને કોઈ નામ નથી આપવામાં આવ્યું. તે આજના યુવા માનસનું પ્રતિક છે. તેની ડાયરીના થોડા અંશ નવલકથા સ્વરૂપે આલેખાયા છે. કથા નાયક મૂળ ભારતીય છે. વર્ષોથી અમેરિકામાં વસે છે. ત્યાં તેના પ્રોફેસર રૂડોલ્ફ તેને ભારત મોકલે છે અહીંના આદિવાસીઓ પર અભ્યાસ કરવા માટે. કારણ કે પ્રોફેસરને લાગે છે કે પૂરા વિશ્વમાં બે પ્રજા જ એવી છે કે જે સાંસ્કૃતિક રીતે ટકી રહીને, પરંપરાને જાળવી રાખીને વિકાસ કરી શકે છે; તે પ્રજા છે ભારત અને જાપાનની. એ પછી નાયક અમેરિકાથી આવે છે. પ્રો. રૂડોલ્ફની ઓળખીતી સુપ્રિયાને મળે છે. સુપ્રિયા નર્મદા તટના હરિખોહમાં આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી હોય છે. સુપ્રિયા સ્નાતક થયેલી છે. નાયક માણસને પણ સંશાધન માનતો હોય છે જ્યારે સુપ્રિયા મધમાખીને પણ સંશાધન માનવાનો વિરોધ કરે છે. સુપ્રિયાનો જીવનમંત્ર છે, હું બ્રહ્મ છું, તું પણ તે જ છે અને સર્વ જગત બ્રહ્મ છે.
અહીં આવ્યા પછી નાયકને પ્રશ્ન થાય છે કે હીન શાસકો, પરદેશી હુમલાખોરો, અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ તેમજ અસ્મિતાને જેવા ને તેવા ટકાવી રાખનારી આ પ્રજાની પાસે એવો તો કયો જાદુ છે કે જેના થકી કાલાંતરોથી સંપૂર્ણ દેશને અખંડ-અતૂટ રાખે છે ? અને તેને જવાબ મળે છે….. એક કારણ છે પરિવારમાં પરસ્પર પ્રેમ-લાગણી. બીજુ કારણ છે, આ દેશમાં દરેકની પોતાની જીવનદષ્ટિ છે જે તેઓને લોહીમાં મળી છે. રામાયણ-મહાભારત ને વાંચ્યા વગર તેની જાણકારી દરેકે દરેક પાસે છે. પછી ભલે ને તે કોઈ પણ જાતનો કે પ્રાંતનો કેમ ન હોય. આ કથાઓના પાત્રોના સુખ-દુઃખને પોતાની અંદર તે અનુભવે છે. કારણ કે આ ફક્ત કથાઓ નથી, પરંતુ જીવન અને તેની પરંપરા છે. ત્રીજું કારણ એ છે કે આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગ પર ઊભી છે….
સુપ્રિયા બુદ્ધિશાળી સ્ત્રી છે. તેના વિચાર સાંભળવા જેવા છે. તે કહે છે : ‘મને આશ્ચર્ય થાય છે કે કોઈ પ્રાણી કે પંખીની નસલ પર જોખમ ઊભું થાય તો આખી દુનિયા ચિંતા કરવા લાગે છે. કહેવાતા બુદ્ધિશાળીઓ એના પર લેખો લખશે, વિરોધ પ્રદર્શનો કરશે… અને માણસોની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર નાશ પામવા પર આવે અને આખી વ્યવસ્થા તૂટી જાય તો તેને વિકાસ સમજીને તેનું સ્વાગત કરવામાં આવે છે ! આ મને તો યોગ્ય નથી લાગતું. તમને લાગે છે શું ?’ નાયકને પૂછાતો પ્રશ્ન આપણા સૌ તરફ પણ તકાય છે. પૂર્વ અને પશ્ચિમના વિચારભેદને એક નાના સંવાદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જે સંવાદ આ પુસ્તકનો મહાસંવાદ બની ગયો છે. નાયકની મિત્ર લ્યૂસી જે અમેરિકાથી આવી છે તે ભારતનો નકશો જોઈને બોલે છે કે નર્મદા ભારતને બે ભાગમાં વહેંચે છે. ત્યારે પૂજાવિધિ કરાવનાર શાસ્ત્રીજી તેને જવાબ આપે છે કે ના, નર્મદા ભારતને તોડતી નથી પણ જોડે છે. ઉત્તરાખંડ અને દક્ષિણાપથને જોડવાનું કામ કરે છે નર્મદા. પુસ્તકમાં એક જગ્યાએ શાસ્ત્રીજી કથા નાયકને કહે છે : ‘મને ધર્મની એટલી ચિંતા નથી જેટલી સંસ્કૃતિની છે, આપણી જીવનરીત અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા, પરધર્મોને પણ તેમણે આવકાર્યા, પરંતુ હવે જે સાંભળું છું, જોઉં છું એનાથી ડર લાગે છે. હવે આપણી જીવનદષ્ટિ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે… આપણી પરંપરા….. આપણી સંસ્કૃતિ – આ જો જશે તો આ દેશ નહીં ટકે….’
આ લઘુનવલમાં ‘સાઠસાલી’ નામની આદિવાસી જાતીનો ઉલ્લેખ આવે છે. આ સાઠસાલી આદિવાસીઓનું ખગોળજ્ઞાન આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આ આદિવાસીઓને ખબર હતી કે વ્યાધનો તારો જોડિયો તારો છે એટલે કે યુગ્મ-તારો છે. તથા તે બંને દર સાઠ દિવસે પોતપોતાનું સ્થાન બદલે છે. આ ખગોળિય ઘટનાને ખગોળશાસ્ત્રીઓ હજુ હમણાં જાણી શક્યા છે જ્યારે સાઠસાલીઓ આ વાત હજારો વર્ષથી જાણે છે. તેઓની માન્યતા એવી છે કે સાઠસાલીઓનું મૂળ વતન આ વ્યાધનો તારો છે. તેઓ ત્યાંથી આવ્યા છે અને ત્યાં જ પાછા ચાલ્યા જાય છે. વ્યાધના તારાના સાઠ વર્ષના ચકરાવા પરથી જ તેઓ સાઠસાલી કહેવાયા છે. લેખકે પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે તેઓને આ વાત પશ્ચિમ આફ્રિકાની ‘ડૉગોન’ નામની આદિવાસી જાતિની માન્યતા પરથી લીધી છે. આ સાથે લેખકે આદિવાસીઓની રમૂજવૃત્તિને પણ નાની-નાની ઘટનાઓ દ્વારા ઉજાગર કરી છે. કથામાં એક છોકરાનું નામ છે ‘ટેમ્પુડીયો’. આવું નામ કેમ ? એવો પ્રશ્ન જરૂર થાય. પરંતુ તેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે છોકરાનો જન્મ ટેમ્પામાં થયો હતો તેથી તેનું નામ ‘ટેમ્પુડિયો’ રાખવામાં આવ્યું હતું. આવી અનેક નાની મોટી મજેદાર સ્થૂળ ઘટનાઓથી રસાયેલી આ લઘુનવલનો અંત એટલો જ સૂક્ષ્મ છે.
અંતમાં પોતાની પરંપરાથી વિમુખ થઈ ગયેલો નાયક ફરી પાછો પોતાની પરંપરા તરફ વળે છે, એ કહેવાની લેખકની રીત વેદની કોઈ ઋચાથી જરા પણ ઉતરતી નથી. નાયક તેની મિત્ર લ્યૂસીને ભરૂચ સ્ટેશને મૂકવા આવ્યો હોય છે. તેને એકાએક યાદ આવે છે કે નર્મદા અહીં જ તો દરિયાને મળે છે ! તે મનોમન નક્કી કરી લે છે કે અહીંથી હરિખોહ કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ત્યાં જવા માટે નર્મદા તટ પર જ ચાલતો નીકળી પડીશ. એ જ સાચું પ્રાયશ્ચિત રહેશે. તે મિત્ર લ્યૂસીને રવાના કરીને નર્મદાના કાંઠે કાંઠે ચાલવા લાગે છે. બે દિવસ ચાલે છે એ દરમિયાન રસ્તામાં શૂરપાણના જંગલમાં કાબા આદિવાસીઓ તેને લૂંટી લે છે. એવું કહેવાય છે કે આ કાબાઓએ જ અર્જુનને પણ લૂંટ્યો હતો. હવે તે કંતાનની લંગોટીભેર રહી જાય છે. શરીરમાં તાવ ચડે છે. સાવ ભૂખ્યો હોય છે. આવા સંજોગોમાં તે નર્મદાની શીલા પર સૂઈ જાય છે. બેભાન થઈ જાય છે. એને ખબર નથી કે કેટલો સમય ગયો હશે પણ તેને કોઈ ઉઠાડી રહ્યું હોય તેવું લાગે છે. તે આંખ ખોલે છે તો સામે ઘાઘરી-પોલકું પહેરેલી દસ-બાર વર્ષની એક છોકરી ઊભી હોય છે. તેને મકાઈનો ડોડો આપતાં કહે છે : ‘લે ખાઈ લે.’ તે ડોડો લઈ ખાવા લાગે છે અને પેલી છોકરીને પૂછે છે : ‘મા, તું કોણ છે ?’ – તેનો જવાબ સાંભળીને તેને બ્રહ્માંડ ઘૂમતું લાગે છે. કારણ કે તેને જ્યારે જણાવવામાં આવ્યું હતું કે નર્મદાના પદયાત્રીઓને નર્મદા સદેહે દર્શન દે છે ત્યારે તે વાત તેણે સ્વીકારી ન હતી. કેમ કે તે પોતાને બુદ્ધિશાળી માનતો હતો. આવી વાત તે કેમ સ્વીકારે ? તેને બ્રહ્માંડની પેલે પારથી આવતો હોય તેવો અવાજ સંભળાય છે : ‘રે….વા….’
ભારતીય સંસ્કૃતિના ત્રણ મહાવાક્યો : ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્વમસિ’, ‘સર્વં ખલું ઈદં બ્રહ્મ’ – જાણે કે એક રસ થઈને એક શબ્દ ‘રેવા’માં સમાઈ જતા હોય તેવું અનુભવાય છે અને ‘નમામી દેવી નર્મદે’નો જપ કરતાં કરતાં આપણે નર્મદા સ્નાન કરીને કાંઠે આવતા હોઈએ તેવો અનુભવ ‘તત્વમસિ’ના અંતે થયા વિના રહેતો નથી.
(Courtsey : Readgujarati)
|