Tara Panthe (Gujarati Novel) By Manasvi Dobariya
આપણાં સમાજની સમસ્યા થોડી વિકટ છે. અહીંયા લોકો એવું તો ઈચ્છે છે કે તમે આગળ વધો.. પરંતુ એમણે થૂંકીને ચોંટાડેલાં ચોકઠાંની અંદર રહીને.. એમની વાસ મારી ગયેલી વિચારધારાઓનો ટોપલો ઓઢીને.. એમના કાટ ખાઈ ગયેલાં સિદ્ધાંતોની આંગળી પકડીને..
અહીંયા સમાજસુધારા માટે પુષ્કળ ભાષણો તો થાય છે પરંતુ એવું જીવી જાણનારો એ સ્ટેજ પર ચડીને, ડાહ્યું ડાહ્યું ઓકીને તગડી ફી વસૂલ કરવાંવાળો પણ નથી હોતો.. એ પોતે પણ ઘરે જઈને ગળાં સુધી ખાઈને આરામથી સૂઈ જાય છે..
અહીંયા દરરોજ કરોડો લોકો અઢળક સપનાંઓ સાથે આંખ ખોલે છે અને એ જ સપનાંઓનો બોજ આખી જિંદગી વેંઢારીને છેવટે અધૂરાં સપનાંઓને લઈને જ ચિતાઓ પર સળગી જાય છે અથવા તો કબરમાં દફન થઈ જાય છે.
એમની અંદર આગ તો છે.. પણ સમાજનાં થૂંકથી ચોંટાડાયેલાં ચોકઠાંઓ અને કાટ ખાઈ ગયેલાં સિદ્ધાંતો એ આગ પર પાણી બનીને ખાબકે છે.. એમની પાસે ઉડવા માટે આકાશ તો છે પણ સમાજની વાસ મારી ગયેલી વિચારધારાઓ એમની પાંખોને જડમૂળથી બાંધી દે છે..
આ સમાજને જરૂર છે..
પોતાનાં ચોકઠાંઓ, સિદ્ધાંતો અને વાસી ગયેલી વિચારધારાઓને, હજુ વધારે કોઈની પાંખોને બાંધે અને અપંગ બનાવે એ પહેલાં જ ભંગારનાં ભાવે વહેંચી દેવાની..
સ્વતંત્ર વિચારધારા ધરાવતા યુવક-યુવતીઓની ઉડવા માટે થનગની રહેલી પાંખોને બાંધ્યાં કરતાં એમની પીઠ થાબડીને એમનામાં વધું જોમ અને સાહસ ભરી આપવાની..
અને જો ખરેખર આવું થયું ને,
તો ક્રાંતિ લઈ આવશે એમની કળા..
એ માનવું જ રહ્યું..
આ એવી જ એક કળાની વાત છે.. જે આકાશની સફરે ચડી છે અનોખા જોમ અને જુસ્સા સાથે,
અહીંયા એક એવી છોકરીની વાત છે કે જે પોતાની જિંદગીની પ્રોફાઈલને સતત સમાજ માટે કંઈક કરવાની ચાહ સાથે એડિટ કરતી રહે છે.. બદલતી રહે છે.. ક્યારેક કોઈકના હક માટે તો ક્યારેક પોતાનાં કર્તવ્ય માટે.. એને અહીં આ પૃથ્વી પર ફક્ત ગળા સુધી ખાવું, પીવું, જાંજરૂ જવું અને બીજાના નામની ખાણ ખોદીને મરી નથી જવું..
એને બસ સમયના કાંટાની પરવા કર્યાં વગર, દિન-રાતનું ભાન ભૂલીને પોતાનાં સપનાંઓની ધૂન વગાડતા રહેવું છે.. આડે આવતા દુઃખોને રસ્તા પર ગાડીની ટોપ સ્પીડમાં ગળું ફાડી ફાડીને ગીતોની જેમ ગાઈ નાખવા છે.. લોકોની જેમ એને ક્યારેય સરળ જિંદગીની પ્રાર્થના નથી કરવી કારણકે એટલું સરળ એ જીવવા માંગતી પણ નથી.
એ એક એવી છોકરી છે કે જે નીચે પડી જાય અથવા તો કોઈ મુશ્કેલી સાથે અથડાઈ જાય તો ગોઠણ ખંખેરીને ફરીવાર બમણાં આત્મવિશ્વાસ સાથે ઉભી થઈ જાય છે. એ પુષ્કળ સપનાંઓ જોવે છે પરંતુ સપનાં જોતાં પહેલાં એની DEADLINE ફિક્સ કરે છે.. કારણકે એ એક સપનાં પર જ આખરે આ પોતાનું આખું જીવન જીવી નાખવાં નથી માંગતી..
એને કોઈ બ્રહ્મસંદેશની જરૂર નથી.. કારણકે એને ખબર છે કે એને શા માટે આ ધરતી પર મોકલવામાં આવી છે અને એ એમાં જીવ સટોસટની બાજી લગાવી દે છે..
બસ એ ચુપચાપ, પૃથ્વી પર ઓછાં થયેલાં ભારની જેમ મરી જવા નથી માંગતી.. પરંતુ કર્મે કર્મે શહિદ થવા માંગે છે..
જે છોકરી આટલી બધી સમાજ માટે કંઈક કરવાની આગથી પોતાનાં મન ને, પોતાનાં હૃદયને પળે પળે દઝાડતી હોય એ છોકરી સમાજના થૂંકે ચોંટાડેલા ચોકઠાંમાં ક્યાંથી ફિટ થાય..??
હા, આ નવલકથાનું મુખ્ય પાત્ર છે એ.. અને એ બળવાખોર છે.. સમાજની નજરમાં શંકાશીલ ચરિત્ર ધરાવતી અંતરાનાં ચરિત્ર પર જો તમને શંકા થાય તો એ જ ઘડીએ આ પુસ્તક ફાડી નાખજો અને સ્વીકારી લેજો કે તમે પણ કઈંક અંશે એ જ સમાજની કૂચવાઈ ગયેલી વિચારધારાઓનો એક હિસ્સો છો.
ખૂબ જ સુંદર, મનોરંજનથી ભરપૂર અને છતાંય એક ચોક્કસ સામાજિક સંદેશ સાથેની આ નવલકથા ખરેખર તમને વિચારતા કરી મૂકશે, તમારી અંદરના તમામ બંધનોની બહારની દુનિયાનો અહેસાસ કરાવશે, તમારી લાગણીઓને ઘોળીને પી જશે, હચમચાવી મૂકશે અને તમામ ઉંમરના બંધનો તોડીને તમારી છાતીમાં યૌવન ભરી દેશે..
આ નવલકથાના પાત્રોમાં આજના સમયની સમસ્યા અને એની સામે ઝઝૂમતાં સપનાંઓની એક ઝલક દેખાશે.. જે તમારી પોતાની જિંદગી સાથે આપોઆપ જોડાઈ જશે, કદાચ તમારે પણ આમ જીવવું હશે પોતાના સ્વપ્નને ન્યાય આપવો હશે પણ....
આ 'પણ' નો જવાબ એટલે જ "તારા પંથે..!"
ખૂબ નાની ઉંમરે ગજબની શબ્દોની ગોઠવણ કરીને મનસ્વી ડોબરીયાએ એક ઉત્કૃષ્ટ કથા સમાજ સમક્ષ રજૂ કરી છે,
એમની સાથેની વાતચીતના અમુક અંશ અહીંયા રજૂ કરું છું..
"અદ્દભૂત ગોઠવણ છે તમારા શબ્દોની..-"આટલું કહેતાં જ સૌમ્ય જવાબ મળ્યો,
"પ્રયત્ન કર્યો છે માત્ર.. સમાજની ફાટી ગયેલી વિચારધારાને થીંગડા મારવાનો અને આવા પ્રયત્નો કરતાં જ રહેવું છે..."
આહા..!! બસ આ જ ઝનૂન યુવાનીની શોભા છે..!
પારદર્શક અને બળવાખોર સ્વભાવ ધરાવતી આ એકવીસ વર્ષની છોકરીએ નવલકથાના પાત્રોમાં જીવ રેડી દીધો છે અને મારી અંદર રમતાં કર્યા છે..
ખરેખર, અદભુત વર્ણન..!!
ચાલો, આ સાહસને બિરદાવીએ..
આમ પણ,
સમાજના આવા કાર્યોનું ભાગીદાર થવું એ પણ એક મોટી સેવા જ છે..!!
- સુમિત પટેલ
|