Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Saraswatichandra
Govardhanram Tripathi
Author Govardhanram Tripathi
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351228356
No. Of Pages 1200
Edition 2020
Format Paperback
Language Gujarati
Price रु 750.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635274815343991308.jpg 635274815343991308.jpg 635274815343991308.jpg
 

Description

સરસ્વતીચંદ્

‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી સાહિત્યની લગભગ આદર્શ કહી શકાય તેવી કલામય કૃતિ છે. એને મહાનવલ, ગરવો ગ્રંથમણિ અને શ્રી ઉશનસ્ કહે છે તેમ ‘‘રામાયણ કે મહાભારતના સમો…મહાકાવ્યનો ગદ્યાવતાર’’ કહીને ઓળખાવાય છે તે યોગ્ય જ છે. આ નવલકથાની કલા ઘણી રીતે પ્રકટ થાય છે. જેમાં એના આકાર, કથાવસ્તુ-વિકાસ-નિરૂપણ, પાત્ર નિરૂપણ, પ્રસંગ વર્ણન, પ્રકૃતિ વર્ણન વગેરેનો સમાવેશ થાય છે.
 

કથાનો આકાર ખાસ ધ્યાન ખેંચનારી વસ્તુ બની છે. સમગ્ર કથાના બે મુખ્ય પ્રવાહ છે : ૧. વ્યક્તિ અને કુટુંબની કથા અને ૨. રાજ્યની કથા. નવલકથાની શરૂઆત વ્યક્તિકથાથી શરૂ થઈને કુટુંબની કથા બની રહે છે. પરંતુ કુટુંબની કથામાં વ્યક્તિને જોવાનું, સ્પર્શવાનું લેખક ક્યાંય ચૂક્યા નથી. કુટુંબની કથા કહેતાં કહેતાં વાચકને વ્યક્તિ ભુલાતી નથી. લેખક દ્વારા વ્યક્તિને અન્યાય પણ થયો નથી. કુટુંબમાંના સંઘર્ષમાં વાસ્તવિક રીતે જ ઘસાઈને નાશ પામતી વ્યક્તિઓ હોય જ છે. એમને ઉપસાવીને એમના પ્રત્યે પોતાની તથા વાચકની સહાનુભૂતિ પહોંચાડ્યા વિના રહેતા નથી. વ્યક્તિની કથા એ જ કુટુંબની અને કુટુંબની કથા એ જ વ્યક્તિની કથા છે. એવું સ્પષ્ટ થાય છે. પહેલા ભાગમાં આ બંને કથાનો યોગ છે. જ્યારે બીજો ભાગ એમાંથી જ વિકસીને કુટુંબકથાના વાસ્તવ-આદર્શને પ્રકટ કરે છે. પ્રથમ ભાગમાં અણસાર પામેલી રાજ્યકથાનો બીજો પ્રવાહ ત્રીજા ભાગમાં વિસ્તરે છે. છતાં ક્યાંય કડી તૂટી નથી. માળાના મણકાની જેમ કથાના પ્રસંગો આવીઆવીને સહજપણે પ્રવાહને આગળ ધપાવતા રહે છે. બંને ધસમસતા, ઊંડા અને વિશાળ પ્રવાહો ચોથા ભાગમાં એક સાગરને મળે છે. ગિરિશૃંગ એ ભૌતિક – સ્થૂળ રીતે – અને આધ્યાત્મિક – સૂક્ષ્મ રીતે – આ જગતથી ઊંચેરું છે. એનાં શિખરોને લેખકે બંને દૃષ્ટિકોણથી ઊંચાઈનાં પ્રતીક બનાવ્યાં છે. ચોથા ભાગમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય એ બધાંનો સમન્વય અને એ બધાંની સમસ્યાઓનું સમાધાન છે.
 

કથાનો વિષય છે પ્રેમ. વ્યક્તિ પ્રેમ, કુટુંબ પ્રેમ અને સમગ્ર માનવસમાજ પ્રત્યેનો પ્રેમ તથા છેવટ પરમાત્મા સાથેનો પ્રેમ  કથામાં નિરૂપાયો છે. એમાં પણ ખરી કલાત્મક્તા છે. વ્યક્તિ પ્રેમ-પ્રણયની લગભગ બધી જ બાજુઓ – સ્થૂળ અને સૂક્ષ્મ – આમાં કલાથી સૂચવાઈ છે. વાસના, પ્રેમમાંનો અહં, આકર્ષણ, સ્પર્ધા, છલના, ઉદારતા, નિષ્કપટતા, વિરહ, મિલન અને એમ ઘણા અંશોને લેખકે દર્શાવ્યા છે. કુટુંબપ્રેમ બાબતમાં લેખકનું નિરૂપણ પણ અદભુત છે. કુટુંબોના ઝઘડા, સ્વાર્થપરાયણતા, સંકુચિતતા, હોંસાતુંસી, ત્યાગ, સેવા, કર્મપરાયણતા વગેરે અંશો પણ અતિ સુંદર પ્રસંગોરૂપે દર્શાવ્યા છે. રાજ્યવ્યવસ્થા અંગે – થોડા પ્રસંગો બાદ કરતાં – બહુ જ સુંદર અને હૂબહૂ આલેખન થયું છે. અને અંતમાં બધા જ પ્રકારની પ્રેમ ભાવનાનું ઊર્ધ્વીકરણ થઈ એક પરમ લક્ષ્ય તરફની ગતિ દર્શાવાઈ છે. ને આથી જ કથામાંનો શૃંગાર, વત્સલ, સ્વદેશપ્રેમનો રસ અંતે શાંત રસમાં-મહારસમાં પરિણમતો જણાય છે. ચિત્તને સમાધાન મળી જાય છે.
 

પાત્ર નિરૂપણની કલામાં શ્રી ગોવર્ધનરામ અદભુત સામર્થ્ય બતાવી શક્યા છે. એમના ધૂર્તરાય, શઠરાય, પ્રમાદધન, મૂર્ખદત્ત, શંકાપુરી જેવાં પાત્રોને બહુ જ ઓછી રેખાઓથી ઉપસાવ્યાં છે. રાંક કુમુદનું, આગની ઝાપટ જેવું અલક કિશોરીનું, ઉત્ફુલ્લ પંખિણી જેવી કુસુમનું પાત્ર ઊડીને આંખે વળગે એવું છે. તો ગુણસુંદરી, બુદ્ધિધન, વિદ્યાચતુર, માનચતુર, ચંદ્રકાન્તનાં પાત્રો એની મહાનતા અને ક્યારેક ક્યારેક તો ભવ્યતા છતી કરી આપે છે. સુંદરગિરિ પરના મઠની જમાત તો વળી જુદી જ. એનાં પાત્રોમાં વિષ્ણુપ્રસાદ, ચંદ્રાવલી, વિહારપુરી વગેરે એમનાં જુદાં જ લક્ષ્યોને પહોંચવા મથતાં પાત્રો આધ્યાત્મિક સુગંધ પ્રસરાવતાં ચિત્રિત થયાં છે. પાત્ર નિરૂપણમાં અનૌચિત્ય જવલ્લે જ મળે છે.
 

આ પછી આવે છે ગોવર્ધનરામની વર્ણન શૈલી. પ્રસંગને વર્ણવવાનો હોય કે પ્રકૃતિને, પણ ગોવર્ધનરામ ક્યારેક બાણની યાદ આપે તેવા લાંબાં વાક્યોથી તો ક્યારેક સાવ જ ટૂંકાંટૂંકાં વાક્યોથી વાચક સમક્ષ ચિત્ર ખડું કરી આપે છે. એમનું જંગલનું વર્ણન કે કુમુદને લઈને જતા વેલડાનું અને સરસ્વતીચંદ્રને લઈને જતા ‘‘સરસ્વતીચંદ્ર ના પ્રારબ્ધ જેવા રગશિયા ગાડા’’નું વર્ણન – ગમે તે લો પણ અદભુત કહી શકાય એવી રીતે વર્ણવાયાં છે.
 

નવીનચંદ્ર-અલકનો પ્રસંગ, તેમાંના નવીનચંદ્રના ‘‘હું તો તમારો ભાઈ થાઉં હો !’’ શબ્દો, ‘‘તપેલા વાસણ પરથી પાણીનો છાંટો ઊડી જાય તેમ’’ અલકના વિકારનું નાશ પામવું, ‘‘અલ્યા, પલ્લુ !” કહેતો માનચતુર, કે “અમે આવીયે ત્યાં સુધીમાં આ વિષય ઉપર એક સરસ નિબંધ લખી રાખજો’’માંનો કટાક્ષ, “એ તારી મા ન થાય કે ?’’ શબ્દો દ્વારા માનચતુરનો રોષ વગેરેને ગોવર્ધનરામની ભાષા પરના પ્રભુત્વની જ સાબિતીરૂપે મૂકી શકાય એમ છે.
 

ગોવર્ધનરામનું ગદ્ય અત્યંત સુષ્લિષ્ટ છે. વાતચીતનો લહેકો આપતું ગદ્ય એમણે અપનાવીને સિદ્ધ કર્યું છે. સંવાદ, ગદ્યનો લહેકો, પ્રવાહિતા-લય-આ બધાંમાં એમની ગદ્યશક્તિ જણાય છે. ગદ્યના સ્વામી ગોવર્ધનરામ બની શક્યા છે. અને એટલે જ શ્રી ઉમાશંકર જોષીએ એમને રસસ્વામી – ભવભૂતિના સહોદર તથા ગુજરાતીમાં પ્રેમાનંદ પછીના બીજા, વાગ્દેવીની કૃપાના પાત્ર કહ્યા છે તે બરાબર છે.
 

ગોવર્ધનરામના વિચારોનું પ્રાકટ્ય અર્થ, કામ, ધર્મ, મોક્ષને ધ્યાનમાં રાખીને છે. પહેલા ભાગમાં અર્થ અને કામ, બીજામાં કુટુંબ ભાવના, ત્રીજામાં રાજ્ય વ્યવસ્થાનું ચિત્ર અને ચોથામાં  બધાનું સંમિશ્રણ અને સમાધાન છે.
 

પ્રથમ ભાગમાંના અર્થ સાથે રાજ્ય અને સમાજના પ્રશ્નો સંકળાયા છે. એની અવ્યવસ્થાની મૂંઝવણો અને તેના ઉપાયોનો આદર્શ એમણે રજૂ કર્યો છે. ‘કામ’ને ખ્યાલમાં રાખીને વ્યક્તિગત પ્રેમ, વિવાહ અને તેના સવાલો, તેની વ્યાવહારિક મુશ્કેલીઓ, તેમાં પણ આદર્શો વગેરે પ્રગટ કર્યાં છે. એ અર્થ, કામ અને ધર્મને એક સાથે સાંકળતું બીજા ભાગનું કુટુંબચિત્ર ખાસ ધ્યાન ખેંચનારું છે. અર્થની લીલા, કામનાં વિવિધ રૂપો, ધર્મનું સ્થાન આ ભાગમાં ખૂબ જ સારી રીતે સમજાવ્યાં છે. જ્યારે ચોથા ભાગમાં આ બધાનું, ત્રણે ભાગના છેડાઓનું (વૈચારિક રીતે તથા કથાની દૃષ્ટિએ પણ) સંમિલન છે એટલું જ નહિ પણ એને યોગ્ય અને કલામય રીતે ગૂંથીને ઉકેલ પણ આપી દીધો છે અને એક દિવ્ય પ્રદેશની લીલા બતાવીને, જીવનના અંતિમ સુધી લેખક પાત્રોને, પ્રસંગોને અને ભાવકોને લઈ ગયા છે. મોક્ષને એમણે બહુ જ સરળતાથી સમજાવ્યો છે. સ્વપ્નયાત્રા, વિષ્ણુદાસ સાથેની ચર્ચાઓ, એ સાધુઓનો જીવનવ્યવહાર એ બધાંમાંથી એમણે લખનો અલખ સુધીનો પ્રવાસ, અથવા કહીએ તો એક ગતિને દર્શાવીને, સમજાવીને મોક્ષના ગંભીર અને જટાજૂટ વિચાર–વિષયને સરળતાથી સમજાવવા પ્રયત્ન કર્યો છે.
 

ટૂંકમાં કહીએ તો જીવનના જેટલા લઈ શકાય એટલા અંશોને લેખકે હાથ ધરીને કલાથી કથામાં નિરૂપ્યા છે. કૌટુંબિક લડાઈઝઘડા, ઈર્ષા, વેરઝેર, પ્રણયવૈફલ્ય જેવા અંશો, સામાજિક સમસ્યાઓ, રાજ્ય ખટપટ વગેરથી માંડીને જીવનના અંતિમ લક્ષ્ય – મોક્ષ સુધીના બની શકે એટલા અંશોને આ મહાનવલકથામાં એમણે સમાવ્યા છે.
 

અલકકિશોરીના ચિત્તમાં સહજ અને ક્ષણિક જાગેલી વાસના, મૂર્ખદત્તનું રૂપિયાના રણકારથી શાંત થવું, અર્થદાસ દ્વારા વાણિયાના મનની લોભની અને ચૌર્યની વૃત્તિ વગેરે જેવા નાના પ્રસંગો, જીવનદર્શનમાંથી સાંપડેલા અંશોને કેટલી ઝીણવટથી રજૂ કર્યા છે ! સૂક્ષ્મ સંવેદનોનું નિરૂપણ એ ગોવર્ધનરામની ભાષાશક્તિનું ફળ છે. છતાં પ્રસંગો પાસેથી પણ કામ તો લીધું જ છે. તો બીજી બાજુ માનચતુર જેવા પાત્ર પાસેથી વીરપુરુષનું, કુટુંબના વડલા જેવું ચિત્ર પણ આપ્યું છે. આમ કથામાં ચિત્તની સૂક્ષ્મ વૃત્તિઓ તથા માનવમનની વિવિધ મહાવૃત્તિઓને સફળતાથી ગૂંથીને એક વિરાટ માળો બાંધ્યો છે.
 

નર્મદ માટે આપણે જેમ કહી શકીએ કે એના જીવનના મુખ્ય સ્થાને રહેલો જોસ્સો એ જ એના લેખનનું મૂળભૂત કારણ છે. એવું જ સાક્ષર શ્રી ગોવર્ધનરામનું જીવન, એમનું ચિંતન-દર્શન, એમની જીવન પ્રત્યેની ભાવના – આ બધાનું જ પ્રકટીકરણ સ-હેતુક થયેલું છે. જીવનનાં અંગોને જોઈને જીવન જીવનારા, જીવનને ન સમજનારાઓ માટે એમનું આ લેખન એક મિશન તરીકે લેવાયેલું કાર્ય-મહાકાર્ય છે.
 

કાકાસાહેબ કાલેલકરના થોડા વિચારોને જોઈને ગોવર્ધનરામની આ કૃતિ તપાસીએ તો એની મહત્તા સમજાશે :
 

કાકાસાહેબ કહે છે કે ‘‘સાહિત્યને મેં મારી ઇષ્ટ દેવતા ગણી નથી. સાહિત્યને સાધન તરીકે જ સ્વીકારું છું. અને મને માફ કરશો તો કહું કે – સાધન તરીકે જ એ રહે એમ ઇચ્છું છું.’’ (જીવનભારતી-૮.) આ કથન મુજબ સાહિત્ય એ આરાધ્ય દેવ નથી. એ દેવની આરતી છે; લક્ષ્ય નથી, સાધ્ય નથી પણ સાધન છે. ગોવર્ધનરામના જીવનનું ધ્યેય સાહિત્ય કદી નથી બન્યું. સાધ્ય તો જીવન (આ જીવન – પરજીવન) રહ્યું છે. એવા એક સાધન તરીકે જ એમણે લેખનપ્રવૃત્તિ કરી છે. એમનું વાચન, એ પણ એક સાધનરૂપ જ હતું.

વાચનની વાત નીકળી છે ત્યારે સહજ રીતે જ એમના વાચન વિષે કહેવાની ઇચ્છા થઈ આવે છે. રામાયણ–મહાભારત, બૌધધર્મ, કાલિદાસ, ભવભૂતિ જેવાનાં કાવ્યો-નાટકો, અંગ્રેજી સાહિત્ય એ બધું એમણે ભૂખ્યાની ઉત્કટ મનોદશા સાથે વાંચ્યું છે. એમને પચાવ્યું પણ છે. પરંતુ ‘સરસ્વતીચંદ્ર’ની ચર્ચામાં આપણને જે જરૂરી માહિતી આપે છે એ તો છે – આ બધામાં વાંચનની ‘સરસ્વતીચંદ્ર’ પર પડેલી મહાન અસર.

પ્રા. રામચંદ્ર પંડ્યા કહે છે તે પ્રમાણે મહાભારત આપણી ભારતીયતાનું તેમાં વણાઈ ગયેલું મહાકાવ્ય છે. આ ધર્મકાવ્યને સમજવાના યુગે યુગે પ્રયત્નો થયા છે. જીવનમાં ઉતારવાના પણ પ્રયત્નો થયા છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં  શ્રી ગોવર્ધનરામે એ સફળ પ્રયત્ન જેવો અને જેવી રીતે કર્યો છે તેવો અને તેવી રીતે હજી સુધી કોઈ સાહિત્યકારે કર્યો નથી.

શ્રી ઉમાશંકર કહે છે તે પ્રમાણે તો એમના વિશાળ વાચનની કૃતિના પાત્રો–પ્રસંગોમાં બહુ સ્પષ્ટ છાપ છે જ. ટૂંકમાં તે જોઈએ તો લક્ષ્મીનંદન પર દશરથરાજાની, કુમુદ પર ભવભૂતિની સીતાની, વિષ્ણુદાસના મઠ પર કાલિદાસના મરીચાશ્રમની અને મહાભારતની તો સમગ્ર કૃતિના આશય પર, બંધારણ પર, મહત્ત્વના અન્ય અંશો ઉપર અસરો છે. બુદ્ધના ગુહત્યાગની લેખકના પોતાના જીવન પર અને સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ પર અસર છે. આ ઉપરાંત શ્રી જોષી જણાવે છે તે પ્રમાણે બુદ્ધચરિત્ર, ગ્યૂઈથે, દાંતે,  તોલ્તોય વગેરેના વાંચનની  બહુ જ સ્પષ્ટ અસર છે.

કાકાસાહેબનું એક બીજું વાક્ય પણ જાણવા જેવું છે. ‘‘જે સાહિત્યમાં પ્રગતિશીલ જીવનની પ્રેરણા અથવા પડઘો હોય તે પ્રગતિશીલ સાહિત્ય. એવા સાહિત્યમાં બાકીનું બધું હોય કે ન હોય, અનુકરણ તો ન જ હોવું જોઈએ; બાકી બધું હોય કે ન હોય ઉદ્દેશનો અભાવ તો ન જ હોવો જોઈએ.’’

શ્રી ગોવર્ધનરામે જીવનની જે પ્રગતિ આ મહાનવલમાં બતાવી છે તે અદભુત છે; છતાં તે હવાઈ કલ્પનાની નથી. એમાં આપણા ભારતીય જીવનસિદ્ધાંતોનો જ પડઘો છે. એ અર્થમાં આ કથા પ્રગતિશીલ સાહિત્ય જ છે. આજ દિવસ સુધી એકી અવાજે એને આટલું સ્થાન અપાતું આવ્યું છે અને હજી પણ જે જૂની લાગતી નથી તેનું કારણ પણ એ જ છે કે એમાં પ્રગતિશીલ જીવનની પ્રેરણા અને પડઘો છે.

કાકાસાહેબ કહે છે તે પ્રમાણે જીવનને જ પ્રાધાન્ય આપીને શ્રી ગોવર્ધનરામે જીવનનો જ મહિમા ગાયો છે. એમનામાં જીવનના ચારેય આશ્રમોનું સાચું જ્ઞાન હતું. એ અનુસાર એમણે પોતાનું જીવન પણ ગોઠવી બતાવ્યું હતું. એમની આ કથામાં જીવનથી ક્યાંય વિમુખતા નથી. સન્યાસ ધર્મનું મહત્ત્વ ગણાવ્યું છે પણ સન્યાસ એ જીવનથી અલગ નથી – જીવનનો જ એક ભાગ છે એમ બતાવ્યું છે. જીવનથી કંટાળીને સન્યાસ લેનારા અને ગુફાઓમાં ભરાઈ જનારા વિચારવર્ગના એઓ ન હતા. જીવનનો ચોથો સન્યાસાશ્રમ એ પણ જીવનની આસપાસ જ છે. સન્યાસીનું મુખ પણ જીવનના જ ધર્મો તરફ હોય છે – અથવા કહો કે સન્યાસ એ જીવનનું જ એક અંગ છે. એને દૂર કરી શકાય જ નહિ. કથાનો નાયક કંથાધારી બન્યા છતાં જીવનના વહેવારથી દૂર નથી જતો એવું નિરૂપણ એમની આ ભાવનાનું જ પ્રતિબિંબ છે.
 

અંતમાં કહીએ કે ‘સરસ્વતીચંદ્ર’ એક વિરાટ મંદિર છે. કથાની સાવ શરૂઆતમાં જ અને અંતમાં પણ મંદિરને રજૂ કરીને કથાને પણ મંદિર જ બનાવી દીધી છે.
 

શ્રી ગોવર્ધનરામે સર્જેલા આ વિરાટ મંદિરનો પાયો ભારતીય છે. પરંતુ એનું ચણતર પૂર્વપશ્ચિમની મિશ્ર સંસ્કૃતિથી થયું છે. મંદિરમાં જીવનદેવતાની મૂર્તિ છે. વ્યક્તિ, કુટુંબ, સમાજના પ્રેમની–સ્નેહની ધૂપસળી મંદિરને સુવાસિત કરે છે. લોકકલ્યાણની ભાવના એનું ગર્ભદ્વાર છે. જીવનમાં આચરવાના વહેવારો એ અભિષેક છે. ખુદ ધર્મ એ દેવતાની આરતી છે. એનાથી જીવનદેવતાને પામવાની પ્રાર્થના થાય છે. અને સૌથી ઉપર સુવર્ણકળશરૂપે મોક્ષ છે. એને પામવો મુશ્કેલ છે છતાં એનાં દર્શન તો થાય છે જ.
 

આવી, જીવન અને જીવનના ધર્મથી મઘમઘતી આ કૃતિ ફક્ત ભાવનાઓનું ભંડોળ જ ન બનતાં એક ઉત્તમ સાહિત્યકૃતિ બની છે. એ – ધાર્મિક વૃત્તિના અને સાહિત્યિક વૃત્તિના માણસો – બધાંને માટે પરમ સંતાષની વાત છે.
 

અને એટલે જ ‘સરસ્વતીચંદ્ર’ને એક જીવનધર્મગ્રંથ તરીકે અને ઉત્તમ સાહિત્યકૃતિ તરીકે માન અપાય છે ને ?
 

Courtsey: જુગલકિશોર http://jjkishor.wordpress.com

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00