નરસિંહ મહેતા એવા મહામાનવ, દિવ્યાત્મા હતા કે જેમણે પોતાનું સાદ્યંત જીવન ગિરધરની અખંડ ભક્તિ કરવામાં ગાળ્યું. અને આથી શ્રીકૃષ્ણએ શ્રીનરસિંહને વૃંદાવનની રાસલીલાના દર્શન કરાવ્યા.
માગશર સુદ સાતમ તા.૯-૧૨-૨૦૧૩, સોમવાર એટલે આદ્યકવિનું બિરુદ મેળવનાર, નરસૈયાના હુલામણા નામથી પ્રચલિત, ગોપનાથની ભૂમિમાં જન્મેલા અને ભવનાથની ભૂમિમાં વસેલા એવા શ્રી નરસિંહ મહેતાની હારમાળા જયંતિ. આ દિવસ અતિ શ્રેષ્ઠ, પરમ પાવનકારી, આધ્યાત્મિક, અત્યુત્તમ, અલૌકિક, અદ્વિતીય, દિવ્યભવ્ય, જીવનપ્રેરક તથા બોધક દિન, કે જે શુભ દિને ભગવાન શ્રી દામોદરજીએ તેમના પરમ પ્રિય ભક્ત શ્રી નરસિંહ મહેતાના ગળામાં હાર પહેરાવીને માત્ર જૂનાગઢની ધરાને જ નહી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતની ભૂમિને ધન્યતા, દિવ્યતા, ભવ્યતા અને મહાનતા બક્ષી છે. નરસિંહ મહેતા હારમાળા જયંતિ એટલે ઉત્કૃષ્ટ, ઉત્તમોત્તમ, દિવ્ય ભવ્ય, દેદીય્યવાન, દૈવી, ચમત્કારિક દિન. આ દિવસે ભગવાન દામોદરજીના ગળામાં રહેલો ફૂલનો હાર ભગવાનના ગળામાંથી નીકળીને તે હાર તેમના પરમ આરાધક શ્રીનરસિંહ મહેતાના ગળામાં અર્પણ થાય તે શુભ, વિમલ, પ્રગલ્ભ, માંગલિક, ઐતિહાસિક અને ઐશ્વર્યસભર ઘટના કેટલી દિવ્યભવ્ય, ઉત્કૃષ્ટ, ઉત્તેજક, પ્રેરક અને બોધક ગણાય ! અને તે નોંધપાત્ર અને યાદગાર પ્રસંગ પાંચસો વર્ષ પૂર્વે જ બનેલો છે.
આ એક એવી નિરનિરાળી વ્યક્તિ અને વિભૂતિ કે જેની ભક્તિના બળે ચમત્કારોની શૃંખલાઓ સર્જાઇ છે, અને આ ચમત્કારોનું આલેખન કરવાનું આમઆદમીનું કોઇ ગજું નથી. તેમનું ચરિત્ર શબ્દાતીત છે, અવર્ણનીય છે.
વસ્તુતઃ શ્રી નરસિંહ મહેતા અતિ દરિદ્ર, સ્થિતિ કંગાળ છતાં તેની પ્રભુ પ્રત્યેની પ્રીતિ, નિષ્ઠા,આસ્થા તથા ભક્તિ એટલી પ્રબળ અને પ્રગાઢ કે ભગવાન સ્વયં તેના મિત્રભાવે- દાસભાવે રહ્યા. કેવું દિવ્ય ચરિત્ર, ભવ્ય વ્યક્તિત્વ અને અલૌકિક કર્મ !
ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા સંસારમાં વિરક્ત છતાં પ્રભુઆસક્ત, વિરક્ત છતાં વિરલ, સમદર્શી છતાં સર્વદર્શી, સરળ છતાં સમર્થ, સમદર્શી છતાં સહિષ્ણુ, ઊંચા આસનના નહિ પણ ઉચ્ચ આચરણના મહા માનવ હતા, એક ફિલસૂફ, દાર્શનિક, તત્વજ્ઞાાની હતા કે જેના ઉપર શ્રીકૃષ્ણ ફિદા હતા.
માગશર સુદ સાતમ એટલે નરસિંહ મહેતા હારમાળા જયંતિ, વિવિધ ચમત્કારો માંહેનો આ એક નોંધપાત્ર, ઐતિહાસિક, સ્મરણીય અને અહોભાવથી તરબતર પ્રસંગ ગણી શકાય. જે આજે પણ હારમાળા જયંતિ તરીકે ઉત્સાહભેર ઉજવાય છે. વિક્રમ સંવત ૧૫૧૨ એટલે ઇ.સ.૧૪૫૫ના ઐતિહાસિક ચિત્રનું વિહંગાવલોકન કરતા માલૂમ પડશે કે તે સમયે જૂનાગઢમાં રામાંડલિક (ચુડાસામા વંશ) રાજાનું શાસન હતું તે સમયગાળામાં નરસિંહ મહેતાની શ્રીકૃષ્ણ પ્રત્યેની અતૂટ ભક્તિ, શ્રીકૃષ્ણ- વ્યાસંગી ભક્તિ, તેના પ્રત્યે અખંડ અનુરાગ, શ્રદ્ધા, નિષ્ઠા વગેરેના બળે શ્રી નરસિંહને પરમતત્વનો સાક્ષાત્કાર થયેલ. આ સાદા, સરળ, ગરીબ જણાતા, દેખાતા, સમદર્શી, આર્જવ ભક્ત કે જેનું મન દિવ્ય પ્રજ્ઞાામાં સ્થિત થયું છે. એવું શ્રેષ્ઠ ચરિત્ર તથા જેનું ચિત્ત આશા-નિરાશા, સુખ દુઃખ, હર્ષશોક ઇત્યાદિ દ્વંદ્વોથી પર છે. એવા અત્યુત્મ વ્યક્તિત્વ પ્રત્યે તે સમયના કેટલાક ઇર્ષ્યાળુ અને હિતશત્રુ સાધુસંતો- નાગરવ્યક્તિઓએ નરસિંહ વિરૃદ્ધ તે સમયના રાજા માંડલિકને કાન ભંભેરણી કરી. તેના કાનમાં વિષ રેડયું. તેઓએ રાજાને જણાવ્યું કે નરસિંહ ઢોંગી છે. દંભી છે. પાખંડી છે, કપટી છે. મિથ્યાભિમાની અને બાહ્યાડંબરી છે. લોકોને ગેરમાર્ગે દોરે છે. આવી આવી વાતો કરીને માંડલિક રાજા કે જેઓ રાધા- દામોદરના ભક્ત હતા તેની પાસે ગેરસમજ ઊભી કરી અને પરિણામે રાજાએ નરસિંહને પડકાર ફેંક્યો કે ''જો તું શ્રીકૃષ્ણનો સાચો ભક્ત હોય અને તારી ભક્તિ સાચી હોય તો તારે શ્રીદામોદર ભગવાનના ગળામાં જે હાર છે તે હાર સવાર પહેલાં તારા ગળામાં પહેરાવે. પછી તો રાજાએ જે પડકાર આપેલતેને સાબિત કરવા માટે નરસિંહને એક કોટડીમાં કેદ કરવામાં આવેલ. આ પડકાર ભક્ત નરસિંહે ઝીલ્યો. જોકે વૈષ્ણવભક્તને ભગવાન તરફથી કરતાલ અને કેદારો બન્ને ભેટરૃપે પ્રાપ્ત થયેલ. અને ભીડ પડે મદદ માટે વચન આપેલ. કેદારાનું ગાન કરે અને પ્રભુ સાક્ષાત હાજર થાય અને ભક્તનું કાર્ય પૂર્ણ કરે, ભક્તિની શક્તિ અલૌકિક હોય છે. શબ્દાતીત હોય છે. બુદ્ધિથી પર હોય છે. પરંતુ જોગાનુજોગ પ્રસ્તુત સમયગાળામાં નરસિંહે કેદારો રૃપિયા સાઇઠમાં ગીરો મૂકેલ. ત્યારે પ્રભુએ પોતાના ભક્તની આબરૃ સાચવવા નરસિંહની લોન ભરપાઇ કરીને કેદારો છોડાવ્યો. અને આ બાજુ કેદારો મુક્ત થતાં નરસિંહે કેદારો છેડયો અને દામોદરની મૂર્તિના ગળામાં રહેલો મનોહર હાર ગતિશીલ બનીને ભક્ત નરસિંહના ડોકમાં સ્વયં પધરાવાયો અને તે પાવનકારી, દિવસ હતો ઃ ''માગશર સુદ સાતમ વિક્રમ સંવત ૧૫૧૨.'' સમગ્ર સમાજ વિશેષતઃ ઇર્ષ્યાળુ વ્યક્તિઓ આ અભૂતપૂર્વ ચમત્કારથી અચંબો પામ્યા અને દિગ્મૂઢ બન્યા.
તાત્પર્થ એ કે નરસિંહ મહેતા એવા મહામાનવ, દિવ્યાત્મા હતા કે જેમણે પોતાનું સાદ્યંત જીવન ગિરધરની અખંડ ભક્તિ કરવામાં ગાળ્યું. અને આથી શ્રીકૃષ્ણએ શ્રીનરસિંહને વૃંદાવનની રાસલીલાના દર્શન કરાવ્યા. ઘર ત્યજીને શિવલિંગને સાત દિવસ સતત એકનિષ્ઠાથી ભજનાર અને ભેટનાર માનવને જ આવી અજોડ સિદ્ધિ મળે. આપણે જેને કષ્ટો, દુઃખો, યાતનાઓ, આપત્તિઓ, સંકટો માનીએ છીએ. તેને નરસિંહ જેવા ભક્તો સાહજિક પ્રક્રિયા ગણે છે તેમણે કદી પણ દુઃખની ફરિયાદ કરી નથી.આંસુ સાર્યા નથી. હસતે મોઢે સહન કર્યું છે. સંકટોનો સહજ સ્વીકાર કર્યો છે.
શ્રી નરસિંહ મહેતાનું વિશ્વપ્રસિદ્ધ અને પૂ.ગાંધીજીને અતિ પ્રિય ભજનના શબ્દો અત્રે આપણા સ્મૃતિપટ ઉપર તરી આવે છે.અને કર્ણ પર તે રણકે છે કે ''વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.''
આ પરમોચ્ય, વિરલ, દિવ્યભવ્ય વિભૂતિ ભલે સદેહે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમના પદોનો રણકાર, કરતાલનો તાલ અને મંજિરાનો નાદ હજુ પણ વહેલી પરોઢે દામોકુંડ તથા ગિરિ તળેટી વિસ્તારમાં અનુભવાય છે, તેમની શ્રેષ્ઠ રચનાઓ તથા કૃતિઓના શબ્દોનો ધ્વનિ આસપાસના વાતાવરણમાં ગુંજતો હોય તેવો અહેસાસ થાય છે અને આથી જ મનોજ ખંડેરિયાએ યોગ્ય જ કહ્યું છે કે, ''તળેટી જતાં એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.''
શ્રી નરસિંહ મહેતા હારમાળા જયંતિના અતિ પવિત્ર તથા શ્રેષ્ઠ પ્રસંગે તથા દિને ગોપનાથ મહાદેવને, ભવનાથ મહાદેવને, શ્રી રાધાદામોદરને, નરસિંહ મહેતા ચોરાને અને 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૃપે અનંત ભાસે.'' ''ભૂતળ ભક્તિ પદારથ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે'' તથા ''નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ?'' જેવી ઉત્તમોત્તમ અને ઉમદા કૃતિની વારસારૃપે ભેટ આપનાર નિરનિરાળા, નિસ્પૃહી, વિરકત, સમદર્શી, આત્માનંદી, તિતિક્ષુ, સહિષ્ણુ, શ્રીકૃષ્ણના નિતાંત આરાધક એવા પ.પૂ. શ્રીનરસિંહ મહેતાને વંદન...
- નેહા જોષીપુરા
|