Maharaj - Saurabh Shah
મહારાજ લાયબલ કેસ પર આધારિત ખળભળાટ મચાવતી દસ્તાવેજી નવલકથા : મહારાજ - સૌરભ શાહ
કરસનદાસ મૂળજી નામના પત્રકાર અને જદુનાથ મહારાજ નામના ધર્મગુરુ વચ્ચેના જંગની આ કથા છે. ૧૮૬૨માં મુંબઈની સુપ્રીમ કોર્ટમાં લડાયેલા ઐતિહાસિક `મહારાજ લાયબલ કેસ'ની આસપાસ ગૂંથાયેલી આ નૉવેલ વાચકોને પહેલાથી છેલ્લા પ્રકરણ સુધી એક થ્રિલરની જેમ જકડી રાખે છે. "મહારાજ' નવલકથામાં ૧૮૬૦ના મુંબઈમાં રહેતા ગુજરાતીઓ, પારસીઓ અને યુરોપિયનોની વાત છે; હૉલિવુડની ટોચની કોર્ટરૂમ ડ્રામાની ફિલ્મો જેવી નાટયાત્મકતા છે; મની, ધર્મ અને સેક્સના અપવિત્ર ત્રિવેણી સંગમથી રચાતા કિસ્સાઓ છે. `Truth Is Stranger Than Fiction' એ કહેવત કેવી રીતે પડી હશે? સત્યધટના પર આધારિત `મહારાજ' નવલકથા વાંચશો એટલે એ રહસ્યની ખબર પડી જશે. ગુજરાતી ભાષાના ટોચના લેખક-પત્રકાર સૌરભ શાહની આ નવલકથા ભારતીય સાહિત્ય જગતની એક લૅન્ડમાર્ક કૃતિ છે.
કળિયુગમાં ભગવાને જ પોતાની જવાબદારી મહારાજશ્રીને સોંપી છે તેની અવગણના કરીએ તો મર્યા પછી કાગડા કે કુતરાનો અવતાર લેવો પડે ! કેવી અજ્ઞાનતા અને આ અજ્ઞાનતા ભોળી પ્રજાના કાનમાં રેડનાર હતા ખુદ મહારાજો ?: આ નવલકથા કોઇની ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી લખાય નથી. પરંતુ આજે ય જો ધર્મમાં કયાંય આવી બદીઓ જોવા મળે તો તે બાબતે સજાગ બનાવવા લખી છે જેથી ધર્મમાં પેસેલા લેભાગુઓ અને વિકૃત મનુષ્યોને ખુલ્લા પાડી લાખો લોકોની શ્રદ્ધાંને જાળવી શકાય.'
ઇ.સ.૧૮૬૦-૬ર દરમિયાનના વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ' પર આધારિત ‘મહારાજ' નવલકથામાં વૈષ્ણવ મહારાજોના કૃત્યો વિશે એ જ વાતો છે, જે આ કોર્ટ કેસની કાર્યવાહીમાં ઉલ્લેખ પામેલી છે. નવલ કથામાં મહારાજોનું એકપણ કૃત્ય એવું વાંચવા નહીં મળે જેનો સંદર્ભ અદાલતી કાર્યવાહીના રેકર્ડેડ અહેવાલમાં તમને ના મળે. આ ઉપરાંત જે સંભર્દ પુસ્તકોનો લેખકે આશરો લીધો છે. તે છે ‘ભદ્દંભદ્ર'ના લેખક રમણભાઇ મહીપતરામ નીલકંઠના પિતા મહીપતરામે પોતાના જ સમકાલીન એવા કરશનદાસ વિશેનું પુસ્તક, ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર અને કરશનદાસજી જન્મ શતાબ્દી નિમિતે કૃષ્ણકાંત ઝવેરીએ અંગ્રેજીમાં લખેલ ગ્રંથ લેખકે કેસ સાથે સંકળાયેલ નામો કે બનાવોમાં સહેજ પણ ચેડા કર્યા વિના મુળ સ્વરૂપે જ આલેખ્યા છે લેખક સ્વીકારે છે કે વૈષ્ણવ હોવાનું મને ગર્વ છે. અને આ નવલકથા કોઇની ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી લખાય નથી. પરંતુ આજે ય જો ધર્મમાં કયાંય આવી બદીઓ જોવા મળે તો તે બાબતે સજાગ બનાવવા લખી છે જેથી ધર્મમાં પેસેલા લેભાગુઓ અને વિકૃત મનુષ્યોને ખુલ્લા પાડી લાખો લોકોની શ્રદ્ધાંને જાળવી શકાય.'
પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળા દર્શનથી લઇ શયન સુધીના દર્શન પુસ્તકમાના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલુષિત થઇ જતાં મનને ફરી ‘સ્વસ્થ' બનાવે છે. પ્રકરણ પહેલામાં જ ‘કેસ' ના ચુકાદા વિશે ‘અવઢવ' અનુભવતાં દોઢ વર્ષમાં જીવેલી તાણભરી જીંદગીને કારણે અકાળે વૃધ્ધ થઇ ગયેલ માત્ર ર૮ વર્ષના જ યુવાન કરશનદાસ મનમાં મચેલા તુમુલને રોજનીશીમાં શબ્દોરૂપે આ લેખે છે. કે ‘‘દોઢ વર્ષ અગાઉ ૧૮૬૦ની ર૧મી ઓકટોબરે મારા ચોપાનીયા ‘સત્ય પ્રકાશ' માં મે જદુનાથ વ્રજરત્ ન નામના વલ્લભપંથી વૈષ્ણવ મહારાજના પાખંડ ઉઘાડા પાડયા એ વાંચીને મહારાજ છ મહિના ચુપ રહ્યા...વકીલ મારફત નોટિસ મોકલી માફી માગવાનું જણાવ્યું...અમને તેમાં કંઇ માફી માંગવા જેવુ જણાતું'' નથી...આવી જદુનાથ મહારાજે મુંબઇની સૂપ્રીમ કોર્ટમાં બદનામીના વળતર રૂપે પચાસ હજારની નુકશાની માંગી હકીકતે તો જદુનાથની આબરૂની કિંમત પચાસ હજાર રૂપિયા તો શું પચાસ કાંકરા જેટલી પણ નથી તે સૌ કોઇ જાણે છે અને જેઓ નથી જાણતાં એમને હું જણાવીશ.''
કરશનદાસના આ રણટંકારમાં ‘સત્ય'નું બળ હતું, પત્નિ અને મિત્રનો સાથ હતો છતાં એક ભયંકર હતાશા હતી કે જો ચુકાદો પોતાની વિરૂધ્ધ આવશે તો ગમે તેવા સત્યનો સાથ હોવા છતાં નામોશી ઉપરાંત કુટુંબ માટે ખાવાના પણ સાંસા પડશે પરંતુ બાળપણમાં સગી આંખે ખુદની જ વાગ્દતા એવી સાવ નાની ઉંમરની કિશોરીને મહારાજ સાથે સગી આંખે હોળીના ગુલાલની આડમાં પછી બપોરના એકાંતમાં મહારાજના ખંડની બહાર ઉભેલા ભીતરિયાની હાથમાં સેવાની રકમ મુકી મહારાજ સાથે પોતાની જ સગીમાસીની હાજરમાં કુકર્મ કરતા જોઇ અને ભાવિપતિ સહજ ક્રોધથી પુછયું ત્યારે કિશોરીનું એ મંતવ્ય કે તેઓ તો સ્વયં કૃષ્ણ ભગવાન છે. એમને તન, મન, ધન... સઘળું અર્પણ કરી દેવાની આપણી ફરજ છે. કળિયુગમાં ભગવાને જ પોતાની જવાબદારી મહારાજશ્રીને સોંપી છે તેની અવગણના કરીએ તો મર્યા પછી કાગડા કે કુતરાનો અવતાર લેવો પડે ! કેવી અજ્ઞાનતા અને આ અજ્ઞાનતા ભોળી પ્રજાના કાનમાં રેડનાર હતા ખુદ મહારાજો ? જે સમજાવતા કે ભગવત્સેવા ત્રણ પ્રકારની છે. માનસી સેવા, તનુજા, સેવા, વિત્તજા સેવા. એ અબોધની આંખો ત્યારે ખુલ્લી જયારે પોતાની સાવ કુમળી બેનને સગી આંખે મહારાજની તનુજા સેવા કરતા જોઇ! ઘર છોડી ભાગી ગઇ અને કમોતે મરી ગઇ તેવા આઘાત જનક સમાચારની સાથે જ પિતા તરફથી તેની જ નાનીબેન સાથે ફરી સગપણ થયાના સમાચાર સાંભળ્યા અને વધુ એક જીવ આત્મહત્યાના માર્ગે ન જાય માટે ઉદારતાથી લગ્ન કર્યા. તેને લખતાં વાંચતા શીખવ્યું. તેની પ્રેરણાથી અને ગોકળદાસ તેજપાળ જેવા ધનપતિની મદદથી ‘સત્ય પ્રકાશ' નામે નવું ચોપાનિયું શરૂ કર્યુ, પરંતુ બદનસીબે એની જ પ્રથમ પ્રત પત્નિને બતાવતા ઉત્સાહમાં સામે દોડી આવતા નિસરણીથી પડી જનાર સગર્ભા પત્નિને ગુમાવી.
સત્ય પ્રકાશ મારફતે પોતાના નાલાયક ગુરૂઓને ઉઘાડા પાડતા પાડતા જ સાથે-સાથે હાઇસ્કુલના આચાર્યની જવાબદારી પણ નિભાવી વધતી જતી પ્રતિષ્ઠા વચ્ચે એકલા અજંપ મનને શાંતિ મળે માટે મુંબઇ છોડી ડીસા વસ્યા તેમની પાછળ તેમના જ શિષ્ય સમાન મહીપત સામે.
મહારાજોથી વૈષ્ણવસમાજની બેન-દીકરીઓને બચાવવાની લડત ચાલુ રાખી પરિણામે મુંબઇના ભાટિયા મહાજને દિવસ દરમિયાન નક્કી કરેલ સમય સિવાયસ્ત્રીઓને મંદિર જતી અટકાવવાનો ઠરાવ કર્યો જેની પ્રતિક્રિયા મહારાજે કાંઇ ક આવી દર્શાવી પોતાના એક ખવાસ સામે કે, ‘આ પામર લોકો શું જાણે કે અમે કઇ અકળ લીલા રમીએ છીએ? અમે તો કૃષ્ણના અવતાર છીએ અને ઇશ્વર તો જારભાવનો ભૂખ્યો છે ! અમે જે કંઇ કરીએ છીએ તેમાં સહેજે પાપ નથી. ઊલટાનું એવું કરવાથી તો લોહી સાફ થાય છે અને તાકાત વધે છે!!'
જદુનાથના પાપોને નજરોનજર જોનાર બીજા હતાં મુંબઇમાં નાની ઉંમરે શ્રીમંત મિલ માલિક બની જનાર શેઠ લખમીદાસ. જેઓ ખૂબ શ્રધ્ધાળુ વૈષ્ણવ હોવા છતાં આ બદીઓ દૂર કરવા કરશનદાસની સતત સંગાથે રહ્યાં. દરમિયાન કરશનદાસ ફરી પરણી મુંબઇમાં પાછા આવે છે. ફરી એ જ મહારાજના કાવતરાઓ અને કુકર્મો વિરૂધ્ધની લડાઇ. જેની સામે મહારાજ પણ મંદિર બંધ કરી દેવાની ધમકી આપી વૈષ્ણવોનું નાક દબાવવા સુધારા વાળાઓ વિરૂધ્ધ થવા દરેક વૈષ્ણવનું એક કબૂલાતનામું સહી કરાવવાનું શરૂ કર્યુ. પણ કરશનદાસે પોતાના સત્ય પ્રકાશમાં એ કબૂલાતનામાની કચ્ચરઘાણ વાળી નાખ્યો અને સાથે-સાથે હેન્ડબિલો છપાવી ઘેર-ઘેર પહોંચાડી વૈષ્ણવોને જાગૃત કર્યા. વચ્ચે કવિ નર્મદના જદુનાથ મહારાજ સાથેના વિવાદના પ્રકરણોમાંથી જદુનાથ મહારાજની પોકળતા છતી થતી જોવા મળે છે.
દરમિયાન કરશનદાસ પોતાની નવજાત દીકરીનું મોં જોવા જોવાનું વિચારતાં હતાં ત્યાં જ જદુનાથ મહારાજના વકીલની બદનક્ષીના દાવાની નોટીસ મળે છે. પછી પ્રકરણો કોર્ટમાં બન્ને પક્ષના સાક્ષીઓની જુબાનીઓ અને તેમાં છતી થતી ધર્મના નામે વર્ષો સુધી ચાલેલી બદીઓ. પ્રજાની અજ્ઞાનતા ને સાથે સાથે લાચારી, મહારાજોના જુગુપ્સાપ્રેરક કુકર્મોના વર્ણનોના છે. આ મહારાજો ખુદની એક સમાંતર સરકાર ચલાવી પ્રજા પાસે ધર્મના નામે કર વસુલતાં! આ કેસનો ચુકાદો ૧૮૬ર ની ૧ લી એપ્રિલે ચીફ જસ્ટિસ સર મેથ્યુ સોઝે આપ્યો. પોતાની હારને પણ ન સમજનાર મૂર્ખ મહારાજને તેના જ વકીલે વધુ ઉઘાડાં પડવું હોય તો ફરી અદાલતમાં જજો તેવું સૂચન કર્યુ. કેસ પછીની કથા અને કરશનદાસની જિંદગીના પ્રકરણો છે, જેમાં પુષ્ટિમાર્ગે ભાગવતના કરેલાં ખોટા અર્થોના સાચા અર્થ સમજાવતું પુસ્તક રચ્યું. ઇંગ્લેન્ડના પ્રવાસો કર્યા. રાજકોટના રાજાની ‘દિવાન' જેવો હોદ્દો ધરાવતી નોકરી કરી. સાથે વિજ્ઞાન વિલાસ નામનું માસિક શરૂ કર્યુ. લીંબડી ટ્રાન્સફર થયા બાદ તેઓએ લીંબડી સુધી તાર (ટેલિગ્રામ) મંજુર કરાવ્યો અને વિદેશ જનારને જ્ઞાતિબહાર નહીં મુકવાનો રાજકોટના મહાજનો પાસે ઠરાવ કરાવ્યો. સમાજની ખફની વ્હોરીને પણ વિધવા-વિવાહને પ્રોત્સાહન આપવા ‘ધનકોર' નામની વિધવાનું કન્યાદન પણ કર્યુ. ૧૮૯૧ માં માત્ર ૩૯ વર્ષની વયે મૃત્યુ પામ્યાં ત્યારે આખું લીંબડી બંધ રહ્યું અને સ્મશાનયાત્રામાં ત્રણ હજાર માણસો ઉમટયાં. તેમના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેના સમાજે તેની પત્નિ અને બાળકોને ગોમુત્ર અને છાણની ગોળીઓ ખવડાવી ન્યાતમાં પાછા લીધા!!
આલેખન::પરેશ રાજગોર
|