Lay Pralay (Part 1 To 3) By Harkishan Mehta ( Novel )
‘લય-પ્રલય' - હરકિસન મહેતા
અધધધ કહી શકાય એવા કુલ પંદરસો પેજ, ત્રણ બૃહદ વિભાગોમાં વહેંચાયેલી આ નવલકથા અનોખી સર્જનાત્મકતાનો પરિચય કરાવે છે. અપાર વૈવિધ્ય ભરેલી પાત્રસૃષ્ટી સ્વ. હરકિસન મહેતા જેવી વિકસાવી અને ગૂંથી જાણે છે એવી પાત્રોની વૈવિધ્યતા ભાગ્યે જ કોઈ અન્ય લેખક વિકસાવી શક્યા હશે. યોગ્ય સમયે પાત્રપ્રવેશ તેમની હથોટી છે, તો ઘટનાઓને આધારે આવતા-જતા પાત્રો, નહીં કે પાત્રોને લીધે અસર પામતી ઘટનાઓ – વાર્તાના રસને સતત જાળવી રાખે છે. કથાનો મૂળ પ્લોટ સજ્જડ અને રસપ્રદ છે, તેમાં સાથે વણાયેલી અનેક ઘટનાઓ વાચકની ઉત્સુકતામાં વધારો કરે છે અને ચરમસીમા સુધી જતા અનેક સબ-પ્લોટ વાચકોના રૂંવાડા ઉભા કરી ઘટના સાથે તેમને ઓતપ્રોત કરી દે છે.
ઓમકાર લાસવેગાસમાં રહે છે, તે એક અણુવિજ્ઞાની છે, જુગાર રમવાની લતને લઈને દેવાળીયા થઈ ગયો હોવાથી આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા એ તૈયાર થાય છે. અણીના સમયે તેને ભરપૂર નાણાંકીય મદદ કરનાર હિઝ હાઈનેસ કમાલસિંહ સૂર્યવંશી બદલામાં તેને એક મિશનમાં મદદ થવાનું કહે છે. ઓમકારને એ કહે છે કે દેશભક્તિનું આ મિશન છે કરાંચી બંદરે અણુવિસ્ફોટની ધમકી આપી કાશ્મિરને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવું. જો કે હાઈનેસના સ્વાંગમાં ફરતી વ્યક્તિ છે આતંકવાદી કમાલ હસન કાશ્મીરી અને મકસદ છે મુંબઈના કિનારે અણુહુમલાની ધમકી આપી કાશ્મિરને ભારત અને પાકિસ્તાન બંનેના કબજામાંથી મુક્ત કરાવવાની.
આ આખીય નવલકથાની સનસનાટી શરૂ થાય છે એ બધાંયના શિપ ‘ઑશન કિંગ ૧’ ની યાત્રાથી અને સાથે વાચક માટે શરૂ થાય છે ક્ષણે ક્ષણે આતુરતા વધારતી ઘટનાઓની શૃંખલા. ક્યારેક પાત્રોને અને તેમની છબીને વિકસાવવાની હરકિસન મહેતાની હથોટીની ઈર્ષ્યા પણ થઈ આવે, કેટકેટલા પાત્રો તેમણે વિકસાવ્યા છે જેમના ગુણધર્મો અને સ્વભાવ એકબીજાથી તદ્દન ભિન્ન છે, ઓમકાર, આત્મા, કમલ હસન કાશ્મીરી ઉર્ફે હિઝ હાઈનેસ કમલસિંહ સૂર્યવંશી, વહીદા, તાન્યા, અમૃતા, અનાર, લેડી ગેટી, સિદ્ધિ, યોગી તાંત્રિક કૃષ્ણમૂર્તિ, મૌલાના સરફરાઝ ફઝલ, ગુલઝાર, મેક્સવેલ, કેથરીન, ઝુલ્ફીકાર… કેટકેટલા પાત્રો અને તેમની અનેક કહાનીઓ ઑકે વનના એક તાંતણે ગૂંથાઈને બનાવે છે એક અદ્રુત નવલકથા, લય-પ્રલય.
વહીદાનું રહસ્યમય આગમન અને કમકમાટીભર્યું મોત, મેક્સવેલ – ઈન્ટરપોલ એજન્ટની બાહોશીભરી કામગીરી, તાન્યાનું ઓમકારની નજીક આવવું અને મેક્સવેલની સાથે અચાનક જ દુશ્મનોને શોધવાના અભિયાનમાં જોડાઈ જવું, સ્વામીજીની તાંત્રિક વિધિ અને હાઈનેસનો ભૂતકાળ, હીરાના હારની ચોરી, બાર્બરાના માધ્યમથી અમેરીકાની આ આખાય કાવતરામાં શંકાસ્પદ સંડોવણી, અમૃતા અને આત્માનું લાગણીસભર જોડાણ, સિદ્ધિનું તેના પતિ વિમલ સાથે શિપ પર આગમન, શિપમાં ફીટ કરેલ અણુબોમ્બ, વીસ તમિલ આતંકીઓનો કબજો અને ત્યાર પછી સતત ઉપર વધતો વાચકની ઉત્તેજનાનો પારો આખરે હાઈનેસ શિપનો કબજો લઈ લે છે ત્યાં સુધી પહોંચે છે. છેલ્લા ત્રણસો પાના વાંચી જવાની લાલચ સરકારી અધિકારીને મળતી લાંચની લાલચ જેટલી સખત થઈ જાય છે.
એક નવલકથાના રોમાંચને, ઉત્સુકતાને, પાત્રસૃષ્ટીને કથાના મૂળભૂત તંતુની સાથે સતત બાંધેલા રાખીને આવડો મોટો બૃહદ ગ્રંથ સર્જી શકવાની ક્ષમતા ગુજરાતી લેખકોમાં તો ફક્ત હરકિસનભાઈએ જ હાંસલ કરી જાણી.
|