Dollar Vahu (Gujarati Translation Of 'Dollar Bahu')
ડૉલર વહુ
સુધા મૂર્તિ
અનુવાદક :સુધા મહેતા
આપણે ત્યાં એક જાણીતી ઉક્તિ છે કે, ‘પારકે ભાણે લાડુ મોટા લાગે.’ અથવા ‘ડુંગરા દૂરથી રળિયામણા.’ આ નાનકડાં વાક્યો જાણે કે જીવનસાર જણાવી જાય છે. જ્યાં સુધી આપણે અન્યોને, તેમની જીવનશૈલીને, તેમના વર્તનને આપણી નજરથી નિહાળીશું ત્યાં સુધી આપણને સતત ઊણપ વર્તાયા કરશે. લીલાછમ્મ અને અતિ રમણીય લાગતા ડુંગરાની જ્યારે નજીક જઈ આરોહણ કરવાનું વિચારીએ ત્યારે કાંટાળા કેડી વગરના રસ્તાઓ ખૂબ મુશ્કેલ ભાસે. પથરાળા એ પથ વધુ ને વધુ આકરા લાગે... અને ત્યારે પર્વતારોહકોની વીરતાને બિરદાવવાનું અવશ્ય મન થાય.
આવી જ એક વાત ઉપર આધારિત વાર્તા અહીં ડાલર વહુ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. અહીં ડોલરીયા મોગરાની નહીં, પરંતુ અમેરિકાના ચલણી નાણાં ‘ડાલર’ની આસપાસ વાર્તા ગૂંથાયેલી છે. આજે આપણે ત્યાં પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે અને ત્યાંની રહેણીકરણી, ખાણીપીણીની જાણે આપણને લત લાગી ગઈ છે. અમેરિકાનાં અદ્યતન સુવિધાવાળાં મકાનોમાં રહેવું, વિવિધ અલ્ટ્રા માડર્ન સુવિધાઓથી સજ્જ રહેવું આપણને ગમે છે. અહીં વાર્તા બે વહુઓની આસપાસ વીંટાયેલી છે કે જેમની સાસુને આવી અનોખી ઘેલછા છે. પોતાના દેશની ખૂબ લાડકી વહુ કે જેણે નિ:સ્વાર્થ ભાવે પરિવારની જવાબદારીઓ સુપેરે નિભાવી. સાસુના પડ્યા બોલને ઝીલ્યા પછી પણ તેમની પાસેથી સદા માતૃત્વની જ ખેવના રાખી એ વહુને સતત હડધૂત કરવામાં આવી. બીજી વહુ કે જે અમેરિકાની હતી તેના લીધે. આ પ્રતાપ અમેરિકાના ડાલરનો હતો. પણ આ ડાલરઘેલી સાસુ જ્યારે વાસ્તવિકતાની ધરાતલ ઉપર પગ મૂકે છે ત્યારે જ સારા-નરસાના ભેદ સમજાય છે. ડાલરના મોહમાં જ્યારે વ્યક્તિ તણાય છે ત્યારે લાગણીઓની મોટી કિંંમત ચૂકવવી પડે છે. મિત્રો અને સ્નેહી સ્વજનો છૂટતાં જાય છે. વર્ષોથી ઘનિષ્ઠ રહેલા કૌટુંબિક ભાવાવરણમાં વિક્ષેપ ઊભો થાય છે. એકમેકની તકલીફમાં આગળ આવી ઊભા રહેતા સૌ જાણે કે છૂટતાં જાય છે. આમ જ્યારે એ પરિસ્થિતિમાં મુકાઈએ અને દૂરથી રળિયામણા લાગતા અમેરિકાને નિહાળીએ ત્યારે ત્યાંની વાસ્તવિકતા અવશ્ય કાંટાળી લાગે છે. આવી સુંદર વાતોને નવલ સ્વરૂપે રજૂ કરતું પુસ્તક ‘ડાલર વહુ’ આપણને ઘણી પ્રેરણા આપે છે. દરેક પાત્રોનું નિરૂપણ આપણને પોતીકા કે સ્વજન હોવાની અનુભૂતિ કરાવે છે. દેશની માટીને મહેકતી રાખવા ઇચ્છતા સૌ કોઈ માટે ઉપયોગી આ પુસ્તક અવશ્ય વાંચો.
જ્યોતિ દવે
Dollar Vahu – Sudha Murty દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ 'ડોલર-ઘેલા' લોકોને સમજાય છે કે આ 'સ્વર્ગભૂમિ' તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે ! સમૃદ્ધિયાત્રાનો માર્ગ એકલતા અને વિમુખતાનાં ઊંડાં દુઃખોની ઈંટોથી બન્યો છે. અમેરિકાની યાત્રા માટે લાગણીની મોટી કિંમત ચૂકવવી પડે છે. પ્રિયજનોનો વિરહ સહેવાનો છે; મિત્રો અજાણ્યા બની જાય છે. પાછળ રહી ગયેલા મધ્યમવર્ગીય કુટુંબીજનોના સંબંધોમાં પણ નાની-મોટી તિરાડો પાડવાની તાકાત આ ડોલર-મોહમાં છે. જે કૌટુમ્બિક સંબંધો વર્ષોથી ભાવભીના અને ઘનિષ્ઠ રહ્યા હોય, વ્યક્તિગત આર્થિક સ્થિતિની પરવા વિના જ સહુ એકમેકના ટેકારૂપ બનતાં હોય તેવા સંબંધો પણ હવે એક નવા પડકારનો સામનો કરે છે. ભારતમાં સાસુ-વહુના કડવા સંબંધો અંગે નવાઈ નથી. ઘણી વખત પુત્રવધૂ આવા અનુભવોથી માનસિક હતાશાનો ભોગ બનતી પણ હોય છે. આવા સંબંધોમાંથી પણ અમેરિકામાં મુક્તિ મળી જાય છે અને આપણી સ્ત્રીઓને તે વિચાર જ ત્યાં વસી પડવા માટે પ્રેરે છે, એ વાત પણ વિચારવા જેવી છે.