Chamberkatha - Ashok Damani હું એવા કંઈ કેટલાયે બનાવોનો સાક્ષી રહી ચૂકયો છું કે જે બનાવોએ કોઈકના જીવનમાં સમૂળગાં પરિવર્તનો કર્યાં હોય. દિશાવિહીન અને આગળ કોઈ ભવિષ્ય ન દેખી શકતા માર્ગ ભૂલેલાઓનો હું આકસ્મિક રાહબર બન્યો હોઉં અને આજે તેઓ સુખેથી જીવન વ્યતીત કરતા હોય! વળી તેઓ અંતરથી મને દુઆ પણ દેતા હોય! બસ આવા પ્રસંગોથી મારા વિષયના નવલોહિયા મિત્રોને પ્રેરણા અને ઉત્સાહ મળે કે જીવનમાં અન્યનું ભલું કરેલું કાંઈ પણ વેડફાતુ નથી. આપણને કાયદાનું પૂરું જ્ઞાન હોતું નથી, તે કારણે ઘણી વખત આપણે અટવાઈ જતાં હોઈએ છીએ અને બીજું, કેટલાક લે-ભાગુ સલાહકારો આપણને ટૂંકો રસ્તો બતાવે છે કે કોણ પૂછવા આવવાનું છે? તમતમારે ભળતાં નામે વારસાઈથી ખેડૂત થઈ જાઓ ને પછી તલાટી કે મામલતદારનું મોં કેટલું? પરંતુ કાયમ એવું હોતું નથી કે બધાય સરકારી અધિકારીઓ નાણાંથી ખરીદાય. ઘણા બધા નીતિવાન અને લાંચના વિરોધી યે હોય છે અને વળી નહીં પકડાવાય તેવું ક્યારેય હોતું નથી. "પાપ પીપળે ચડીને પોકાર્યા વગર રહેતું નથી, તો ગમે તે સમયે સત્ય બહાર આવ્યા વગર શેં રહે?''