ભારેલો અગ્નિ (નવલકથા) - રમણલાલ વસંતલાલ દેસાઈ Bharelo Agni (Navalkatha) By Ramanlal Desai પોતાના યુગનો ધબકાર ઝીલનારા રમણલાલ વસંતલાલ દેસાઈની લોકચાહના વિશાળ જનસમૂહમાં જોવા મળતી. એમણે લખેલી 'ભારેલો અગ્નિ' નવલકથામાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા આલેખાયેલી હતી અને તેમાં પણ રૃદ્રદત્તના પાત્ર દ્વારા એ સમયની ગાંધી પ્રેરિત અહિંસા અને શસ્ત્રત્યાગની ભાવનાઓ પ્રગટ થઈ હતી. એમની નવલકથાઓમાં સત્યાગ્રહ, અસ્પૃશ્યતા નિવારણ, અહિંસા, દેશપ્રેમ આદિ ગાંધીવાદી વિચારો, ભાવનાઓ અને આદર્શોના આલેખને પ્રજાજીવનમાં એક નવી જાગૃતિ જગાવી હતી. 'દિવ્યચક્ષુ', 'પૂર્ણિમા' અને 'ગ્રામલક્ષ્મી' (ભાગ ૧ થી ૪) જેવી નવલકથાઓમાં સમકાલીન સમાજજીવનને સમાંતર એવાં પાત્રો અને પ્રસંગો આલેખ્યા હતા. આ યુગમૂર્તિ વાર્તાકારે પોતાના સમયનાં વલણો સમજવાનો પ્રયત્ન કર્યો. ગુપ્ત રાજકીય મંડળોના અભ્યાસના પરિણામે એમણે એમની લોકપ્રિય બનેલી પ્રથમ નવલકથા 'ઠગ' લખી શક્યા. એમણે ગ્રામુન્નતિ નામના નિબંધો લખ્યા હતા, તેમાંથી 'ગ્રામ લક્ષ્મી' નવલકથાનું સર્જન કર્યું. એવી જ રીતે ગણિકા જીવનના અભ્યાસમાંથી 'પૂર્ણિમા' નવલકથા મળી અને ગુનેગાર માનસના અભ્યાસમાંથી 'હૃદયવિભૂતિ'નું સર્જન થયું. નોંધપાત્ર બાબત એ છે કે રમણલાલ દેસાઈની ઉત્તમ નવલકથા ગણાયેલી 'ભારેલો અગ્નિ'નું સર્જનવીર સાવરકરે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે લખેલા પુસ્તકને પરિણામે થયું. આ પ્રસંગ એમને ખૂબ આકર્ષી ગયો અને એમાંથી 'ભારેલો અગ્નિ' નવલકથાનું સર્જન થયું. એ જ રીતે હિંદના પ્રાચીન ઇતિહાસમાંથી 'ક્ષિતિજ' નવલકથા લખી. આર્ય સંસ્કૃતિના વિશાળ ઈતિહાસનો અભ્યાસ કરતાં એમ લાગ્યું કે અનેક સંઘર્ષો અને ઘર્ષણો વચ્ચે વિદ્યુત પ્રકાશ આખી સંસ્કૃતિને સળંગ અને સજીવન રાખી રહ્યો છે અને એ વિચારનો ઝોક એમના ઐતિહાસિક નવલસર્જનોમાં મળે છે.