'અમે કરીશું પ્રેમ' માંથી કેટલાક શે'ર (૨૬૩ ગઝલકારોના ૧૧૬૨ શે'રનું સંપાદન) એસ. એસ. રાહી એકાદ હો તો એને છુપાવી શકું 'મરીઝ', આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. 'મરીઝ' પ્રેમની ખાનાખરાબી કઈ હશે આથી વધુ ? માત્ર રસ્તામાં હવે એનું મિલન થઇ જાય છે. બરકત વીરાણી 'બેફામ' પ્રણયની પારખુ દ્રષ્ટિ અગર તમને મળી હોતે, તમે મારી છબી ભીતે નહીં, દિલમાં જડી હોતે. 'આસિમ' રાંદેરી મહોબ્બતની મહામુલી મળી સોગાદ બંનેને, હદયને જખ્મ દીધા, મારે ભાગે વેદના આપી. 'ગની' દહીંવાળા જોયું પગેરું કાઢી મહોબ્બતનું આજ તો, એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા. અમૃત 'ઘાયલ' તમારો પ્રેમ નથી એકલો કસોટી પર, અમારી જિંદગી આખી અહી સરાણે છે. 'નૂરી' ખોવાયેલા રહો છો શું એના ખયાલમાં, કે પાંગરે છે પ્રેમ હવે તો ટપાલમાં. 'આદિલ' મન્સૂરી જિંદગી છે દાખલો વ્યવહારનો પ્રેમ પર આડા ઊભા લીટા થયા. મનહર મોદી પ્રેમ કરતાં જ આવડ્યું છે મને, પાત્રતા મેં કદી ધરી જ નથી. જવાહર બક્ષી યોજનાઓ પ્રેમમાં હોતી નથી, થાય જે કઈ તે અચાનક હોય છે. ધૂની માંડલિયા આ પ્રેમનો જુગાર પણ કેવો જુગાર છે, હારી જવું પડ્યું બધું પહેલા જ દાવમાં. અદી મિરઝા ઉડ્યો જ્યાં પહેલી પ્રીતનો છાંટો, એ સુકાઈ ગયું તળાવ હવે. અદમ ટંકારવી