Amar Sher ( Selections of Immortal Gujarati Shers)
અમર શે'ર (શે'રનું સંપાદન)
'અમર શે'ર' માંથી કેટલાક શે'ર (૩૨૫ ગઝલકારોના ૧૨૦૦ શે'રનું સંપાદન)
એસ. એસ. રાહી
તું કહે છે : અશ્રુ ચાલ્યાં જાય છે.
હું કહું છું : જિંદગી ધોવાય છે.
શયદા
નહિતર સિતારા હોય નહીં આટઆટલા,
કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.
અમૃત 'ઘાયલ'
પહેલાં સમું તરસનુંયે ધોરણ નથી રહ્યું,
પાણી મળે છે તેય હવે પી જવાય છે.
'સૈફ' પાલનપુરી
લોકોનો વહેમ છે કે હું ગુમરાહ થઈ ગયો,
મારું યકીન છે કે આ તારી જ ગલી છે.
પથ્થર બનીને રહી જવાની મારી વેદના,
કૈં મીણ થઈને તારાં સ્મરણ ઓગળી જશે.
મનોજ ખંડેરિયા
હતા કંઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળીને,
જુએ કોઈ તો સમજે, જાય છે વરસાદ પહેરીને.
'મરીઝ'
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક ?
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
'આદિલ' મન્સૂરી
પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.
'મરીઝ'
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
'મરીઝ'
જુદી જિંદગી છે મિજાજે મિજાજે,
જુદી બંદગી છે નમાજે નમાજે.
મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ'
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી 'મરીઝ',
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
'મરીઝ'
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
ગની દહીંવાળા
હતી ખૂબ કોમળતા ચહેરા ઉપર,
અને એનું હૈયું કઠણ નીકળે.
'આદિલ' મન્સૂરી
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.
'મરીઝ'
|