અમર ગઝલો (ગઝલોનું સંપાદન)
'અમર ગઝલો' માંથી કેટલાક શે'ર (૨૫૮ ગઝલકારોની ૪૦૫ ગઝલોનું સંપાદન)
સંપાદકો : ડૉ. એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
કદી તલવારની ધમકી ! કદી કર માંહી ખંજર છે;
ગઝબમાં જીવ આશકનો ડગે ડગ દિલમહીં ડર છે !
અમૃત કેશવ નાયક
જ્યાં જ્યાં નઝર મારી ઠરે; યાદી ભરે ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની.
કલાપી
જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.
બાલાશંકર કંથારિયા
ગુજારે છે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
બાલાશંકર કંથારિયા
કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.
અકબરઅલી જસદણવાલા
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
અમૃત 'ઘાયલ'
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ ?
'અમીન' આઝાદ
ઠેસ પહોંચાડવી છે હૈયાને ?
કોઈ તાજું ગુલાબ લઈ આવો.
'કાબિલ' ડેડાણવી
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
ગની દહીંવાળા
|