ઝરૂખો
વિકાસ નાયક
‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના ‘મહેક’, ‘કરંડિયો’, ‘કથા કોર્નર’, ‘આભૂષણ’ જેવા પુસ્તકો આપનાર યુવા સર્જક શ્રી વિકાસભાઈ નાયકનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક છે ‘ઝરૂખો.’ ‘ઈન્ટરનેટ’ના ખજાનામાંથી ગૂંથેલી રસપ્રદ લેખમણકાની માળા જેવું આ પુસ્તક જીવનમાં હકારાત્મક દષ્ટિકોણ કેળવવાનું શીખવી જાય છે.
[1] એક પ્રેમકથા
બસમાં બેઠેલ દરેક પ્રવાસીએ સહાનુભૂતિપૂર્વક લાકડીના સહારે સભાનતાપૂર્વક દાદરા ચઢી બસમાં પ્રવેશેલી સુંદર યુવતી તરફ જોયું. તેણે ડ્રાઈવરને ટિકિટના પૈસા ચૂકવ્યા અને ત્યાર બાદ તેના બતાવ્યા પ્રમાણેની ખાલી સીટ તરફ પોતાના હાથ હવામાં ફેરવતાં ફેરવતાં એ સીટ પર બેસી ગઈ. પોતાની સાથેનો સામાન તેણે પોતાના ખોળામાં ગોઠવ્યો અને લાકડીને પોતાના પગની બાજુમાં ગોઠવી દીધી. સુઝાને દષ્ટિ ગુમાવ્યાને લગભગ એકાદ વર્ષ થઈ ગયું હતું.
આંખની કોઈક ક્ષતિ નિવારતી વખતે ડૉક્ટર્સની બેદરકારીને કારણે સુઝાને દષ્ટિ ગુમાવી હતી અને અચાનક તે અંધારા, ગુસ્સા, નિરાશા અને લાચારીની એક ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. તે રોષપૂર્વક બબડતી, ‘મારી સાથે આવું કઈ રીતે બની શકે ?’ પણ તે એ પીડાદાયક સત્ય જાણતી હતી કે ભલે તે ગમે તેટલું રડે, કકળે કે પ્રાર્થના કરે, પણ તેની દષ્ટિ ક્યારેય પાછી ફરવાની નથી. એક સમયે ખૂબ ઉત્સાહી અને હકારાત્મક અભિગમ ધરાવતી સુઝાન નિરાશાનાં વાદળથી ઘેરાઈ ગઈ હતી. તેનો એક માત્ર સહારો હતો તેનો પતિ માર્ક, જેને તે સતત વીંટળાઈ રહેતી. માર્ક એક હવાઈ દળનો ઑફિસર હતો અને તે હૃદયના ઊંડાણથી સુઝાનને ચાહતો હતો. જ્યારે સુઝાને દષ્ટિ ગુમાવી ત્યારે માર્કે તેને હતાશાની ઊંડી ખીણમાં સરી પડતી જોઈ હતી અને તરત નક્કી કર્યું હતું કે તે પોતાની પત્નીને ફરી પાછી તેના પોતાના પગ પર ઊભી રહી શકે એટલો આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વમાં ઊભો કરશે.
અંતે ઘણા સંઘર્ષ બાદ એક દિવસ સુઝાને ફરી પાછી પોતાની નોકરીએ જોડાવા જેટલી હિંમત મેળવી. પણ તે ઑફિસ પહોંચે શી રીતે ? પહેલાં તો તે ઑફિસે જવા નિયમિત બસ પકડતી, પણ હવે તે એકલી ભીડભર્યા શહેરના રસ્તાઓ પર ફરવામાં ડર અનુભવી રહી હતી. માર્કની ઑફિસ સુઝાનની ઑફિસથી તદ્દન બીજે છેડે હોવા છતાં માર્કે સુઝાનને રોજ તેની ઑફિસ મૂકી આવવાનું નક્કી કર્યું. પહેલાં તો સુઝાનને ખૂબ સારું લાગ્યું અને માર્કની પણ પોતાની ચક્ષુહીન પત્નીને રક્ષણ પૂરું પાડવાની અને તેનામાં આત્મવિશ્વાસ જગાવવાની ઈચ્છા પૂરી થઈ. પણ થોડા સમય બાદ માર્કને ખૂબ થાક લાગવા માંડ્યો. અને આર્થિક રીતે પણ આ વ્યવસ્થા મોંઘી હતી. સુઝાને પોતે જ બસ પકડી ઑફિસ જવાનું શરૂ કરવું જોઈએ એવો વિચાર માર્કને આવ્યો, પણ આ વાત તેને કહેવી શી રીતે એ વિચારમાત્રથી માર્ક કંપી ઊઠ્યો. તે હજી ખૂબ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી.
પોતે જો તેને જાતે બસ પકડી ઑફિસ જવા કહે તો તે કેવી પ્રતિક્રિયા આપશે ? પણ છેવટે માર્કે હિંમત એકઠી કરી સુઝાન સમક્ષ પોતાનો વિચાર વ્યક્ત કરી જ દીધો. માર્કના ધાર્યા પ્રમાણે જ બસ જાતે પકડવાના વિચારમાત્રથી સુઝાન ફફડી ઊઠી. તેણે કડવાશથી કહ્યું, ‘હું અંધ છું. મને કેવી રીતે ખબર પડશે મારે ક્યાં ઊતરવું ? મને લાગે છે, તું હવે મારાથી કંટાળી ગયો છે અને મને તારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ માર્કનું હૃદય દ્રવી ઊઠ્યું. પણ તેને ખબર હતી, તેણે શું કરવાનું છે. તેણે સુઝાનને વચન આપ્યું કે તે પોતે રોજ સુઝાનની સાથે બસમાં પ્રવાસ કરશે, જ્યાં સુધી તેને બસમાં જવાની આદત ન પડી જાય અને તે સંપૂર્ણ સુરક્ષિત મહેસૂસ ન કરે. અને એ પ્રમાણે થયું. પૂરાં બે અઠવાડિયાં સુધી માર્ક તેના મિલિટરી યુનિફૉર્મમાં સુઝાનને લેવા ને મૂકવા આવતો જતો. તેણે તેને શીખવ્યું કે કેવી રીતે તે પોતાની બીજી ઈન્દ્રિયોની શક્તિનો ઉપયોગ કરી આજુબાજુના પરિસર સાથે અનુકૂલન સાધીને પોતાની જગા વિશે સભાન થઈ શકે. તેણે તેની બસ ડ્રાઈવર સાથે પણ મૈત્રી કરાવી દીધી હતી, જેથી તે તેનું ધ્યાન રાખી શકે અને તેના માટે જગા રોકી રાખી શકે.
છેવટે સુઝાનને બસમાં પોતાની મેળે આવવું-જવું ફાવી જશે એમ લાગ્યું. એક સોમવારની સવારે પોતે ઑફિસે જવા નીકળતાં પહેલાં તેણે માર્કને આલિંગન આપ્યું. માર્ક તેનો બસનો સહપ્રવાસી તો બની જ રહ્યો હતો, પણ એ તેનો પતિ હતો, પ્રેમી હતો, દોસ્ત હતો. તેણે માર્ક સમક્ષ પોતે એકલાં પોતાની ઑફિસ જવાની ઈચ્છા વ્યક્ત કરી. સુઝાનની આંખો માર્કની વફાદારી, ધીરજ અને પ્રેમને લીધે ઉપકારવશ થઈ રડું-રડું થઈ રહી હતી. તેણે માર્કને વહાલથી ‘આવજો’ કર્યું અને પ્રથમ વાર તેઓ અલગઅલગ દિશામાં પોતપોતાની ઑફિસે જવા નીકળ્યાં.
પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર…. રોજ સુઝાન એકલી જ ઑફિસ જવા લાગી. સુઝાનને ખૂબ સારું લાગતું. શનિવારે સવારે સુઝાને બસ પકડી. જેવી તે પોતાનું ભાડું ચૂકવી બસમાંથી ઊતરવા જતી હતી ત્યાં ડ્રાઈવરે તેને કહ્યું, ‘મને તમારી ઈર્ષા આવે છે.’ સુઝાનને ખ્યાલ ન આવ્યો કે ડ્રાઈવર તેની સાથે જ વાત કરતો હતો કે કોઈ બીજા સાથે. ભલા કોને એક અંધ સ્ત્રીની ઈર્ષા આવવાની હોય, જેણે બસમાં પ્રવાસ કરવાની હિંમત પણ હજી થોડા દિવસ પહેલા જ પ્રાપ્ત કરી હતી ! તેણે ડ્રાઈવરને પૂછ્યું, ‘તમે મારી સાથે વાત કરી રહ્યા છો ? મારી ઈર્ષા તમને ? શા માટે ?’ ડ્રાઈવરે કહ્યું, ‘તમારી જે રીતે દરકાર લેવાઈ રહી છે તેનાથી તમને કેટલું બધું સારું લાગતું હશે !’ સુઝાનને ડ્રાઈવરે શું કહેતો હતો તેમાં કંઈ સમજ પડી નહિ. તેણે તેને ફોડ પાડવા કહ્યું. ડ્રાઈવરે જણાવ્યું, ‘તમે જાણો છો, પાછલા એક અઠવાડિયાથી રોજ સવારે એક મિલિટરી યુનિફૉર્મમાં સજ્જ એક ફૂટડો યુવાન રોજ તમારી પાછળ બસમાં ચડે છે અને તમે ઊતરી ન જાઓ ત્યાં સુધી તમારું પ્રેમથી ધ્યાન રાખે છે. તમે ઊતરી જાઓ ત્યારે તે પણ તમારી સાથે જ ઊતરી તમે રસ્તો ઓળંગી ન લો ત્યાં સુધી અહીં જ ઊભો રહી તમે તમારી ઑફિસના મકાનમાં પ્રવેશો એ પછી જ ફરી પાછા જવા સામેની બસ પકડે છે. તમે ઑફિસના મકાનમાં પ્રવેશી જાઓ ત્યારે તમને એક મીઠું પ્રેમભર્યું ચુંબન હવામાં ઉડાડી પછી જ પાછા જવા સામેથી બસ પકડે છે. તમે ખૂબ નસીબદાર સ્ત્રી છો !’
સુઝાનની આંખોમાં હર્ષનાં ઝળઝળિયાં આવી ગયાં. ભલે તે માર્કને જોઈ શકતી ન હતી, પણ તે સતત તેની હાજરી, તેની હૂંફ પોતાની આસપાસ અનુભવતી. તેના પર ખરેખર ઈશ્વરની કૃપા અવતરી હતી. માર્કે તેને દષ્ટિ કરતાંયે વધુ મહામૂલ્ય ભેટ આપી હતી – એક એવી ભેટ જેનો અનુભવ કરવા તેણે તેને જોવાની જરૂર ન હતી – પ્રેમની ભેટ. એક એવી સોગાદ જે ગમે તેવા અંધારાને દૂર કરી પ્રકાશ રેલાવી દઈ શકે છે !
[2] શાંતિપૂર્વક ઊંઘી શકો છો ખરા ?
વર્ષો પહેલાં, એક ખેડૂત એટલાન્ટિક સમુદ્રને કાંઠે થોડી જમીન ધરાવતો હતો. તેણે ઘણી વાર પોતાની આ જમીન પર ખેતી કરી શકે એ માટે યુવાનો શોધવા જાહેરખબરો આપી હતી પણ એટલાન્ટિક સમુદ્રને કાંઠે આવેલી તે જમીન પર કામ કરવામાં કોઈ રસ બતાવતું નહોતું. કારણ એટલાન્ટિક સમુદ્રમાં વારંવાર ભયંકર તોફાનો આવતાં અને કાંઠા પરનાં ઘરો અને ખેતરોમાં ઊતરેલા પાકને નુકશાન પહોંચાડતાં.
છેવટે એક દિવસ ઠીંગણો જાડિયો મધ્યમ વય પસાર કરી ચૂકેલો એક માણસ ખેડૂત પાસે આવ્યો અને એણે ખેડૂતના ખેતરમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી. ખેડૂતે તેને પૂછ્યું, ‘શું તને ખેતરમાં કામ કરવાનો કોઈ અનુભવ છે ? તારામાં શી ખાસિયત છે ?’ એ માણસ બોલ્યો, ‘સમુદ્રકાંઠે જ્યારે તોફાની પવન વાતો હોય છે ત્યારે મને સરસ ઊંઘ આવે છે.’ તેના જવાબથી ખેડૂતને ખૂબ આશ્ચર્ય થયું પણ તેને ખેતરમાં કામ કરવા કોઈ માણસ મળતો નહોતો આથી તેણે એ માણસને કામ પર રાખી લીધો. એ ખૂબ મહેનતુ નીકળ્યો અને દિવસરાત ખેતરમાં મજૂરી કરી તેણે ખેડૂતનું દિલ જીતી લીધું.
એક રાતે ભયંકર વંટોળ આવ્યો. સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો હતો. ખાટલેથી ઊભા થઈ જઈ ખેડૂતે ફાનસ હાથમાં લીધું અને ઝડપથી તે પેલા માણસના ઝૂંપડા પાસે આવ્યો. તેણે હાંફળાફાંફળા થઈ તેને ઉઠાડ્યો અને મોટેથી સાદ પાડી કહ્યું, ‘ઊભો થા ! ભયંકર તોફાન આવવાનું છે. બધી વસ્તુઓ ચુસ્ત રીતે બાંધી દે જેથી તે ઊડી ના જાય.’ પેલા માણસે બેફિકરાઈપૂર્વક પડખું ફેરવ્યું અને મક્કમતાથી કહ્યું, ‘ના માલિક. એની કોઈ જરૂર નથી. મેં તમને નહોતું કહ્યું કે તોફાની પવન વાય ત્યારે મને સરસ ઊંઘ આવે છે.’ તેનો જવાબ સાંભળી ખેડૂતને ગુસ્સો તો એવો આવ્યો કે તે હમણાં ને હમણાં જ તેને ધક્કો મારીને કાઢી મૂકે પણ તેણે ખેતર અને પોતાનાં માલસામાનને તોફાનથી બચાવવાનું એ ઘડીએ વધારે યોગ્ય લાગ્યું આથી તે દોડીને પોતાના ખેતરમાં આવ્યો.
પણ તેણે ત્યાં જે જોયું તેનાથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો. બધાં ઘાસના પૂળા પાણીથી રક્ષણ આપે તેવા મજબૂત કંતાન વડે ઢંકાયેલા હતા. ગાયો-ભેંસો વ્યવસ્થિત રીતે ગમાણમાં બાંધેલી હતી. મરઘાં અને તેમનાં બચ્ચાં બરાબર તેમના માટે બનાવેલા આવાસમાં સુરક્ષિત હતાં. વાડ મજબૂત રીતે બાંધેલી હતી અને દરવાજા સજ્જડ રીતે બંધ કરેલા હતા. બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું અને સુરક્ષિત હતું. તોફાની પવન કશાને નુકશાન પહોંચાડી શકે એમ નહોતો. ખેડૂતને હવે સમજાયું તેના કામે રાખેલા માણસે શું કહ્યું હતું અને અત્યારે તે શા માટે શાંતિથી સૂઈ રહ્યો હતો. તે પણ પોતાના ખાટલે પાછો ફર્યો અને પવન જોરથી વાઈ રહ્યો હતો ત્યારે શાંતિથી ઊંઘી ગયો.
સાર એ છે કે જ્યારે તમે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા આત્મિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે તૈયાર હોવ છો ત્યારે તમને કોઈ વસ્તુનો ડર રહેતો નથી, કોઈ જાતની ચિંતા હેરાન કરતી નથી. તમારા જીવનમાં જ્યારે તોફાની પવન વાતો હોય શું તમે ત્યારે શાંતિપૂર્વક ઊંઘી શકો છો ખરાં ?
(સાભાર Read Gujarati.com)
|