Rann To Lilachamm By: Gunvant Shah
રણ તો લીલાંછમ
ગુણવંત શાહ
[1] નાનકડું એ રૂપકડું
સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો મૂડ બગડી જાય છે. ક્યારેક કારણ વગર તાણ રહે છે. પૂરતી ટાઢ ન હોય તોય સ્વેટર પહેરવાનું જરૂરી બને છે. બેડરૂમમાં આરામ માટેની તમામ સગવડો હોય છે. માત્ર એક જ વાતની કમી હોય છે અને તે છે, ઊંઘ. ડાઈનિંગ ટેબલ આંખે ઊડીને વળગે તેવું હોય છે અને તેના પર મૂકેલી વાનગીઓની ડિશમાં સાક્ષાત સ્વાદ યોગ્ય જીભની પ્રતીક્ષા કરતો રહે છે. માત્ર એક જ વાત ખૂટે છે અને તે છે ભૂખ. પ્રશ્ન થાય છે કે સ્વાદનું ઉપસ્થાન વાનગી છે કે જીભ ? ઊંઘનું ઉપસ્થાન શયનખંડ છે કે આપણે પોતે ?
ભૂખ લાગે એ માટે લોકો ઍપિટાઈઝર લે છે. ઊંઘ માટેની જાતજાતની ગોળીઓ બજારમાં વેચાય છે. ભૂખ ન લાગે તે માટે પણ ગોળીઓ હોય છે અને ઊંઘ ન આવે તે માટેની એટલે કે જાગરણને મદદરૂપ થનારી ગોળીઓ પણ છે. આપણી ભૂખ પણ કેટલી બધી અતડી ! આપણી ઊંઘ પણ કેટલી બધી અળગી ! કદાચ કેટલાક સુખી લોકોની અવળચંડાઈને કારણે જ સમાજના કેટલાય લોકોને ભૂખ લાગે ત્યારેય ખાવા મળતું નથી. આરામની ખરેખરી જરૂર હોય ત્યારેય એમણે તો ઢસડબોળો કરવો પડે છે. હાથલારી ખેંચનારને કકડીને ભૂખ લાગે છે પણ અમુક જગ્યાએ માલ પહોંચાડ્યા વગર એ ખાવા ક્યાંથી બેસે ? વળી વાનગી ખરીદવા માટે જરૂરી પૈસા પણ એકઠા થવા જોઈએ ને ? આખો દિવસ કામ કર્યા પછી એ જ્યાં આડો પડે છે ત્યાં સમાધિ લાગી જાય છે.
ક્યારેક નિરાંતની પળોમાં વિચારવા જેવું છે. આપણે પાણીનો બગાડ નથી કરતા ? આપણે થાળીમાં એઠું નથી છાંડતાં ? આપણે જરૂર કરતાં વધારે આરામ નથી કરતા ? ટાળી શકાય એવી મુસાફરી આપણે ટાળીએ છીએ ખરા ? માણસ કેટલું ખાય તેનું નહિ, એ કેટલું પચાવી શકે છે તે વાત મહત્વની છે. તરબૂચ કેટલું મોટું છે તેનું નહિ, એમાં લાલ ભાગ કેટલો છે તે વાત મુદ્દાની છે. સાબુ કેટલો વજનદાર છે તેનું નહિ પણ એ કેટલું ફીણ આપે છે તે અગત્યનું છે. છાણનો ઢગલો કેવડો છે તેનું નહિ પણ તેમાં કેટલો નાઈટ્રોજન રહેલો છે તેનું જ મહત્વ છે. સુખનો ભ્રમ દુઃખ કરતાંય વધારે ખતરનાક બાબત છે. ચશ્માં પહેરીને કોઈ માણસ ઊંઘી જાય ત્યારે થોડું આશ્ચર્ય થાય છે પણ જીવનમાં આપણે આવું લગભગ રોજ કરીએ છીએ, એવું નહિ ?
ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વર્ણવવામાં આવ્યાં છે. ગાંધીજીએ આ શ્લોકોને આગવું મહત્વ આપ્યું અને આશ્રમોની પ્રાર્થનામાં એને ખાસ સ્થાન આપ્યું. શરૂઆત કેવી સામાન્ય છે ! અર્જુન પૂછે છે કે જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોત તે કેમ બોલે, બેસે અને ફરે ? (કિમાસિતવ્રજેતકિમ). આવી સ્થૂળ શરૂઆત કરી ભગવાન થોડાક જ શ્લોકોમાં એને બ્રાહ્મી સ્થિતિ સુધીની યાત્રા કરાવે છે. એક જીવનદષ્ટિ આ રીતે રજૂ થાય છે. ‘બોલે, બેસે, ફરે કેમ’ જેવી સ્થૂળ વાતથી શરૂ થતી અને બ્રાહ્મી સ્થિતિમાં પૂરી થતી યાત્રા પર અનાસક્તિ અને પ્રસન્નતા (પ્રસાદ) જેવાં મોટાં સ્ટેશનો પણ આવી જાય છે. આમ જીવન અનેક નાનીનાની બાબતોનું બનેલું છે; છતાંય તે સ્વયં નાની બાબત નથી. ચીનમાં એક કહેવત છે કે, હજારો માઈલની મુસાફરી એક પગલું ભરવાથી શરૂ થતી હોય છે.
પાણીના એક જ ટીપામાં મહાસાગર સંકોડાઈને બેઠો છે. એક કોડિયું સૂર્યના એકાદ અંશને પોતાની જ્યોતમાં ઝીલી લે છે અને પ્રકાશ પાથરતું રહે છે. કદાચ ઈશ્વર નામની ચીજ આપણા જેવા અસંખ્ય સામાન્ય માણસો દ્વારા જ વ્યક્ત થતી રહે છે. શુમાકર કહે છે : Small is beautiful (નાનકડું એ રૂપકડું).
|