Yugdarshan By Krishnakant Vakharia
‘યુગ દર્શન’
કૃષ્ણકાંત વખારિયા
(ગુજરાત અને દેશના સાર્વજનિક જીવનના વિવિધ પડાવો અને પ્રવાહોની અનુભવેલી દુનિયાને શબ્દસ્થ કરતાં પ્રખર ધારાશાસ્ત્રી/કાયદાવિદ્દ અને ગુજરાતના જાહેરજીવનના અગ્રણી કૃષ્ણકાંત વખારિયા લિખિત ‘યુગ દર્શન’)
ગુજરાતના જાહેરજીવનના મોભી એવા કૃષ્ણકાંતભાઈની કિશોરવયથી માંડીને આજ સુધીનાં ૭૩ વર્ષની વ્યક્તિગત, સામાજિક અને રાજકીય જીવનયાત્રાનું સરળ અને સ્પષ્ટ ભાષા સાથેનું આલેખન એટલે તેમના હાથે લખાયેલ પુસ્તક ‘યુગદર્શન’. યુગદર્શનની સાવ ટૂંકી પ્રસ્તાવનામાં તેમના કહ્યા પ્રમાણે જોયેલા, અનુભવેલા ઘટનાક્રમનું વિવરણમાત્ર છે. બીજી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર લખાણોમાં વ્યક્તિ તરીકે કૃષ્ણકાંત વખારિયાનું ક્યાં ય પ્રત્યાર્પણ થતું નથી. અને તેમના પોતાના કહ્યા પ્રમાણે ૪૮૦ પાનાંના પટવિસ્તારમાં ક્યાં ય પોતે કેન્દ્રસ્થાને નથી. આખું પુસ્તક વાંચ્યા પછી કહી શકાય છે કે તેમણે કહેલું કથન સમગ્રતયા સાચું છે. સ્વતંત્ર તેમ જ ધારાવાહિક રીતે વાંચી શકાય તેવું સુરેખ આલેખન થયું છે.
કૃષ્ણકાંતભાઈના આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેનાં પ્રકરણો બહુ સહજ રીતે સામાજિક તેમ જ રાજકીય જીવનના વિવિધ ઘટનાક્રમ તેમ જ પ્રવાહોની આસપાસ ફરતાં રહ્યાં છે. સમાજવાદી પરંપરાના બે ધૂરંધરો એવા અશોક મહેતા અને રામમનોહર લોહિયા, એ બે આગવાનોની વૈચારિક અને વ્યૂહાત્મક ભૂમિકા વચ્ચે મોટું અંતર રહ્યું અને પરિણામે ઘણા બધા પ્રજા સમાજવાદી આગેવાનો વર્ષ ૧૯૬૬માં કૉંગ્રેસમાં જોડાઈ ગયા. અમરેલીના તે સમયના આગેવાન નરભેશંકર પાણેરીના શબ્દોમાં જોઈએ તો બધા “સમાજવાદી બિરાદરો સમાજવાદ છોડી સમજવાદી” થઈ ગયા. આ બાબતનો ઘણો નિખાર કૃષ્ણકાંતભાઈના આત્મકથનમાં નીકળે છે. કૃષ્ણકાંતભાઈ ઘણા સમય સુધી શા માટે કૉંગ્રેસથી અલગ રહ્યા અને નિષ્ક્રિય બન્યા એ વૈચારિક સંઘર્ષના પારાશીશી રૂપ ઘટનાચક્રને તેમણે સુપેરે વર્ણવ્યું છે.
કૃષ્ણકાંતભાઈએ જુદાં-જુદાં પ્રકરણોમાં ચીનનું આક્રમણ, દિવ-દમણ મુક્તિસંઘર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપના, ભારત-પાકિસ્તાન યુદ્ધ એવી રાષ્ટ્રીય ઘટનાઓનો ઉલ્લેખ અને તેનો ઐતિહાસિક સંદર્ભ ખૂબ જ સાચવીને મૂક્યો છે. તો જે-જે બાબતોમાં એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં-ક્યાં ઊણા ઊતર્યા હતા. તેની પાકી સમજ અને પૃથક્કરણ આ બધાં પ્રકરણોમાં આલેખ્યું છે. ૬૯ જેટલાં પ્રકરણોમાં તેમણે મજૂરપ્રવૃત્તિ, ઇન્ટુકની પ્રવૃત્તિઓ અને કુદરતી આફતોમાં કરાયેલી કામગીરીઓ અને સામાજિક આફતો, સમાજસેવાના માધ્યમથી અવસરમાં પલટવાની ગુજરાતીઓની કાબેલિયતને સહજ રીતે વર્ણવી છે.
કૃષ્ણકાંતભાઈના આત્મકથનમાં ઝીણાભાઈ તેમની ખામથિયરી, માધવસિંહભાઈ, સનતભાઈ મહેતા, ચીમનભાઈ અને તેમની સાથેના વ્યક્તિગત સંબંધો, મતભેદો, ગુજરાત કૉંગ્રેસ, ઇન્દિરા યુગ, રાજીવ ગાંધીનો સમયકાળ, અહેમદભાઈ પટેલનો રાજકીય પટ પર ઉદય - આ બધાં જ પ્રકરણો ખૂબ વિસ્તારથી ચર્ચેલાં છે. તે પાંચ દાયકાના ગુજરાતના રાજકીય ઇતિહાસનું શબ્દબદ્ધ આલેખન છે. ગુજરાતના જાહેરજીવનમાં ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ, ૧૯૬૯માં ગુજરાતના કાર્યક્ષેત્રમાં પડેલા ભાગલાઓ, ૧૯૭૨માં વિધાનસભાની ચૂંટણીઓ અને તેમાં રતુભાઈ, રસિકભાઈ, કાન્તિલાલ ઘીયા જેવા આગેવાનોને બાજુએ રાખી ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી પદે પસંદગીવાળું પ્રકરણ, તે સમયના કૉંગ્રેસના આંતરપ્રવાહોને પણ બહુ વિસ્તૃત રીતે આલેખ્યા છે.
|