Billo Tillo Touch -Autobiographical Memoirs
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
સ્મરણાત્મકથા
'નવનીત-સમર્પણ' માં હપ્તાવાર છપાતી તમારી આત્મકથા 'બિલ્લો ટિલ્લો ટચ' વાંચતા ઘણે સમયે એક મનહર આત્મકથા વાંચ્યાનો રસાસ્વાદ અનુભવ્યો. તમારા લખાણો વાંચીને સ્વાતંત્ર્યોકાળના એક અગ્રગણ્ય ચિંતક તરીકેની ઊજળી છાપ મારા ચિત્ત ઉપર પડેલી. તમારા યાત્રા સાહિત્યને પણ માણેલું, પરંતુ આ રચનાનો પ્રભાવ વધારે ઘેરો પડ્યો. ખરું જોતા આને આત્મકથાની સીમાંરેખામાં બાંધવી એ કૃતિને અન્યાય કરવા જેવું ગણાય. એને યુગકથા કહી શકાય. એમાં ગુણવંત શાહ કરતા એમનો યુગ કેન્દ્રસ્થાને છે. યુગને આગળ રાખીને તમે પછીતમાં રહ્યા છો. એથી તો આત્મકથા તરીકેનું મૂલ્ય ઘણું વધી જાય છે.
તમારી કૃતિની બીજી એક અનન્યતા એ છે કે, આત્માનુંરાગના ભયસ્થાનેથી તમે દૂર રહ્યા છો. આત્મકથાના નાયક ગુણવંત શાહ અને લેખક ગુણવંત શાહ બન્નેને તમે કુશળતાથી અળગા રાખ્યા છે, એટલું જ નહી પણ તમે કુશળ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું છે અને તમારા દોષો તથા તમારી મર્યાદાઓ પણ નિખાલસ રીતે દર્શાવ્યા છે. એમાં કેટલાં વિવધ સ્તરનાં માનવીઓનાં રેખાચિત્રો, તમારી કલમના કસબનો સુભગ પરિચય કરાવે છે.
મને લાગે છે કે 'બિલ્લો ટિલ્લો ટચ' ગુજરાતી સાહિત્યની એક યશસ્વી કૃતિ છે.
-ચંદ્રકાંત મહેતા