Soneri Boond (Gujarati Essays)
સોનેરી બુંદ
વીનેશ અંતાણી
જીવનમાં ડગલે ને પગલે મનુષ્ય કાંઈક મેળવવાના પ્રયત્નમાં ગૂંથાયેલો હોય છે. કોઈને પદની તો કોઈને પ્રતિષ્ઠાની તો વળી કોઈને અતિ ધનવાન બનવાની લાલસા હોય છે... પળેપળ જીવતો મનુષ્ય જાણે કે પ્રત્યેક પળમાં રહેલા જીવનને માણવાને બદલે જીવનમાં વધુ પળો ઉમેરવાના પ્રયાસમાં ગૂંથાયેલો રહે છે. પદ, પ્રતિષ્ઠા, સત્તા વગેરે મેળવવા જતાં સ્વાસ્થ્ય, સ્વજનોનો સમય, અરે ક્યાંક અને ક્યારેક તો માણસાઈ પણ ગુમાવી બેસે છે. ‘વર્ક વ્હાઇલ યુ વર્ક, પ્લે વ્હાઇલ યુ પ્લે’ની ઉક્તિ ક્યાંય સાર્થક થતી નથી, કારણ કે કામના દબાવમાં આજે કોઈને રમવાનો કે હળવાશનો સમય જાણે કે મળતો નથી. વળી જે મળે છે તેને માણતાં આવડતું નથી. જે મળ્યું છે એને માણતાં આવડી જાય તો પણ માનવજીવનની ઘણી સમસ્યાઓ હલ થઈ જાય. આથી જ તો આપણા વડીલો, વયોવૃદ્ધોના મોઢે અવારનવાર આપણે સાંભળીએ છીએ કે, ‘ગમતાંનો કરીએ ગુલાલ’. આ વાતને આપણા સુધી પહોંચાડવા માટે પુસ્તકના લેખક શ્રી વીનેશભાઈ અંતાણીએ ખૂબ સરસ ઉદાહરણોને પોતાના લેખોમાં વણી લઈ આ વાત આપણા સુધી પહોંચાડી છે.
પુસ્તકનું શીર્ષક જ સ્વયંમાં ઘણું બધું સમજાવી જાય છે. ક્ષણભંગુર લાગતા ઝાકળના એક બિંદુ પર સૂરજનું કિરણ જ્યારે પડે છે ત્યારે સમગ્ર વાતાવરણ જાણે તેજોમય બની જાય છે. ઘડીક સમય લગી જાણે કે આ નાનું ઝાકળનું બિંદુ સૂર્ય જેટલું જ તેજસ્વી અને પ્રભાવી ભાસે છે. પણ આ જોવા માટેની દ્ષ્ટિ અને વિશિષ્ટ દ્ષ્ટિકોણને વિકસાવવાની જરૂર છે. પુસ્તકમાં જુદાં જુદાં 35 પ્રકરણો સમાવિષ્ટ છે, જેમાં ઓછા પૈસે દ્ષ્ટિકોણને વિકસાવવાની જરૂર છે. પુસ્તકમાં જુદા જુદા 35 પ્રકરણો સમાવિષ્ટ છે. જેમાં ઓછા પૈસે મૂલ્યવાન ખરીદી, તમે કોણ છો મને પૂછનાર?, દરેકના બાળપણની આગવી ગાંઠડી, વિશાદનો પણ એક આનંદ હોય છે વગેરે પ્રકરણો હૃદયને સ્પર્શી જાય તેવા છે. આજે જ્યારે લોકો જીવનની સફળતાને માત્ર આર્થિક સધ્ધરતા સાથે જોડવા લાગ્યા છે ત્યારે એમના માટે અંગત જિંદગી અને વ્યાવસાયિક જિંદગી વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે. ત્યારે આ પુસ્તક એક માર્ગદર્શક બની સાચી રીતે જીવન જીવવાનો રાહ બતાવે છે. રોજિંદા જીવનની ઘટમાળમાં ઘટતી પ્રત્યેક ઘટનામાં જ્યાં જ્યાં આપણને અંધકાર ભાસે છે, ક્યાંક કાંઈક ખોટું હોય તેવી લાગણીઓથી મન ભરાઈ આવે ત્યારે હંમેશા એવું વિચારવું જોઈએ કે અંધકાર કશાયનો અંત નથી પરંતુ આવનારા અજવાળાનો આરંભ છે. આથી આ આરંભને આવકારવા હંમેશા તત્પર રહેવું જોઈએ. આવી અનેરી વાતોનો સંગમ એટલે જ ‘સોનેરી બુંદ’. ચાલો, તો આ સોનેરી બુંદના સાથ થકી જીવનને સુવર્ણમય બનાવીએ.
|