સંત કબીર જીવન અને કવન - મહાદેવ ધોરિયાની
Sant Kabir Jivan Ane Kavan (Gujarati) By Mahadev Dhoriyani
સદગુરુ કબીરસાહેબ ભારતવર્ષમાં પ્રાદુર્ભાવ પામેલા મહાન તત્વજ્ઞાની,સ્વયંસિદ્ધિ,સનાતન સત્યના સાક્ષાત પ્રતીકરૂપ છે.કબીરજીએ તત્કાલીન સમાજમાં જનતાની ભાષામાં આર્યાવર્તને ગર્વ ઉપજાવે તેવું ચિરકાલીન આધ્યાત્મિક તત્વજ્ઞાન પોતાના દાર્શનિક સાહિત્ય દ્વારા આપણને આપ્યું છે.
સંત પરંપરામાં કબીરનું આગવું સ્થાન છે. ખૂબ જ ઓછા શબ્દોમાં મોટી વાત કહી દેવી એ કબીરની ખાસ ખાસિયત હતી. એક ઉદાહરણ :
કબીરા કબીરા કયા કરો, જાવ જમના કે તીર ;
એક રાધા કે પ્રેમમેં, બહ ગયે લાખ કબીર.
પ્રેમ વિશે હવે કંઈ કહેવાનું બાકી રહ્યું ખરું કે ? કબીરનો એક એક દોહો એક એક ગ્રંથની ગરજ સારે છે. આજથી ૬૧૮ વર્ષ અગાઉ એક કથા મુજબ નીરુ અને નીમા જે વણકર હતાં તેમને લહરતારા તળાવના કિનારેથી જે બાળક મળ્યું તે જ આપણા સંત કબીર.
કબીરનાં પત્નીનું નામ લોઈ હતું. કમલા અને કમાલી તેમનાં બે સંતાનો હતાં, રામાનંદ કબીર સાહેબના ગુરુ હતા. જે જીવન જીવતાં શીખવે અને અજ્ઞાાન દૂર કરે એવા સાચા ગુરુ વિશે કબીરને ખૂબ જ માન હતું.
ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગે પાય ?
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.
આ દોહાથી સૌ પરીચિત છે. કબીર કર્મયોગી હતા. કાપડના તાર વણતાં વણતાં તે ભક્તિના તારથી રંગાઈ ગયેલા. અંધશ્રદ્ધાના તે કટ્ટર વિરોધી હતા. ઇશ્વર એક છે એના સમર્થનનો એક દોહો પ્રસિદ્ધ છે.
એક રામ દશરથકા બેટા, એક રામ ઘટઘટ મેં લેટા;
એક રામ હૈ જગત પસારા એક રામ હૈ સબસે ન્યારા !
'કબીર' શબ્દનો અર્થ મહાન થાય છે એ અર્થમાં પણ તેમનામાં નામ પ્રમાણે ગુણ અને ગુણ પ્રમાણે નામ હતું. સાદગી, નમ્રતા, સ્પષ્ટ વકતા, નીડરતા, ખુમારી, સંતોષના સદ્ગુણો કબીરને સંત બનાવે છે. એમણે આખા હિન્દુસ્તાનની યાત્રા કરી પછી કાશીમાં સ્થિર થયા. આપણા ગુજરાતમાં ભરૃચ ખાતે નર્મદા કિનારે શુકલતીર્થમાં આવેલો કબીરવડ કબીર અહીં આવેલા એની સાક્ષી પૂરે છે.
કબીર સાહિત્યમાં સાખી, પદ, ભજન, કવિતા, દોહા ખૂબ પ્રચલિત છે જે કબીર ગ્રંથાવલી ; કબીરવાણી અને કબીર બીજકમાં સંગ્રહીત છે. કબીર સાહિત્યની કક્ષા એટલી ઊંચાઈ ધરાવે છે કે તેમાં પી.એચ.ડીની પદવી પણ ઘણા એ મેળવી છે. આ દોહાની ઊંચાઈ તો જુઓ :
કબીરા કૂઆ એક હૈ, પનિહારી અનેક ;
બરતન સબ ન્યારે ભયે, પાની સબમેં એક.
કબીર ૧૨૦(એકસો વીસ) વર્ષ જીવ્યા. આજે ૬૧૮ વર્ષ પછી પણ આપણે સૌ હોંશે હોંશે યાદ કરી તેમના દોહા યાદ કરીએ છીએ. તેઓ આજે પણ અક્ષરદેહે તેઓ જીવંત છે :
બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ,
હીરા મુખસે ના કહે, લાખ ટકા મોરા મોલ.
|