'ધી પ્રિન્સ' -
મૈક્યાવેલી
Rajnitigna Machiavelli (Gujarati Translation of The Prince)
રાજનેતાઓને મૈક્યાવેલીએ શી સલાહ આપી છે ? જેમભારતમાં રાજનીતિના કેટલાક ખાસ નિયમો નક્કી કરીને શાસનમાં સફળ થવાનું માર્ગદર્શન આપતા પુસ્તકો લખાયા છે તેમ પશ્ચિમમાં પણ એ વિષયના નિષ્ણાતો દ્વારા ખૂબ સારા પુસ્તકો લખાયા છે. ભારતમાં જેમ ચાણક્યનું આગવું સ્થાન છે તેમ પશ્ચિમમાં મૈક્યાવેલી નામના માણસનું ખૂબ ઊંચુ અને અલાયદું સ્થાન છે. મૈક્યાવેલીએ 'ધી પ્રિન્સ' નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં રાજાઓ અને રાજ્યકર્તાઓને પોતાના વહીવટમાં સફળ થવા માટેના કેટલાક સૂચનો કર્યા છે અને કેટલીક ખાસ સલાહ પણ આપેલી છે. એમાં એક અગત્યની સલાહ એ પણ છે કે તમે તમારા મિત્રોને પણ એ વાત ન કરશો, જે તમારા શત્રુઓથી છૂપાવવા માંગતા હો. કેમ કે શાસન અને સંચાલનમાં આજેે જે મિત્ર છે તે કાલે શત્રુ પણ થઈ શકે છે. સત્તા નાની હોય કે મોટી પણ કાયમથી એ સ્પર્ધાનો વિષય રહ્યો છે. તદ્દન બાજુમાં બેસતા, પોતાના જ 'લાગતા' માણસના મનમાં પણ એ મહત્ત્વાકાંક્ષાનું બીજ રોપી શકે છે અને એકવાર જો આ બીજ રોપાઈ જાય તો વ્યક્તિને કેમે ય કરીને ચેન પડતું નથી અને તેથી એ પોતે પણ સત્તાનો સ્વાદ ચાખવા કે પદનશીન થવા આતુર બની જાય છે. પોતાની 'અંગત' વ્યક્તિ માનીને એને જે જે વાત કરી હોય તે જ વાતનો દુરુપયોગ કરીને કે એને તોડી મરડીને પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા કે શાસનધુરા આંચકી લેવા એ ચક્રો ગતિમાન કરી શકે છે. અહંકાર એ માણસનો મૂળભૂત અને કેન્સર કરતાં પણ મોટો કહી શકાય એવો રોગ છે. ખરજવામાં જેમ મીઠી ખંજવાળ ઉપડે છે તેમ અહંકાર ખુદને ખતમ કરી નાખનાર હોવા છતાં પણ એની તૃપ્તિ અને પુષ્ટિ માટેનો રસ વ્યક્તિના મનમાં મીઠી ખુજલીની જેમ જ વધતો રહે છે. સત્તાના કારણે વ્યક્તિની પ્રતિષ્ઠા વધતી હોય એવું દેખાય છે. એ જ રીતે સત્તાની આસપાસ કેટલાક લોકો ટોળે પણ વળતા હોય છે. કોઈકને એમાંથી સ્વાર્થ સાધવો હોય છે અથવા તો 'નામના'ની ભૂખ સંતોષવાનો પણ એ રસ હોઈ શકે. નામના મળતી હોય તો માણસ એ માટે ઘણું બધું ત્યાગી શકે અને એકની નામના વધતી જોઈને ઘણાના મનમાં એ તરફ જવાનું આકર્ષણ પણ જાગતું હોય છે. વ્યક્તિ જો જાગરૃક ન હોય તો જલદીથી આ જાળ સમજાતી નથી. શાસનધુરા સંભાળનાર અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં વહીવટ કરનાર વ્યક્તિમાં કેટલાક ખાસ ગુણ હોવા જરૃરી છે. કેમ કે જે સ્થાન પર એ બેઠેલ છે તેની ઇર્ષ્યા અનેકના મનમાં જાગી શકે છે.જે કારણે 'ફલાણી વ્યક્તિ' પ્રતિષ્ઠા પામી રહી છે તે જ કારણનો આશરો લઈને પોતે પણ પ્રતિષ્ઠિત થઈ શકે છે એવો વિચાર મહત્ત્વાકાંક્ષી વ્યક્તિના મનમાં ઇર્ષ્યા અને પ્રતિસ્પર્ધાનો ભાવ પેદા કરી શકે છે અને એમાંથી જ એક દુષ્ચક્રનું સર્જન થાય છે. સારી વાતને સ્વીકારી પ્રોત્સાહન આપનારા આ સમાજમાં ખૂબ ઓછા છે એના બદલે સારી વાત કે પ્રવૃત્તિમાંથી પણ કશીક ક્ષતિ શોધી એને તોડી પાડવાની વૃત્તિવાળા તત્ત્વોનો અહીં પાર નથી. સંચાલકમાં (શાસકમાં) એકલી સજ્જનતા હોય તો એ જીતી કે જીવી ન શકે. એનામાં થોડી કુનેહ, કૂટનીતિ અને વિઘ્નો સામે લડી શકવાની સમજ અને કોઠાસૂઝ પણ હોવી જોઈએ. મૈક્યાવેલીએ આવા તો અનેક સૂત્રો 'ધી પ્રિન્સ'માં આપ્યા છે. સમય બદલાય તો પણ માણસ અંદરથી બદલાતો નથી અને જે કેટલાક પરમ સત્યો છે તે એના એ જ રહે છે. માણસની અંદર રાગદ્વેષ, અહંકાર, પ્રતિસ્પર્ધા, સત્તાપ્રાપ્તિની લાલસા કે એવું બધું જે પહેલાં હતું એ આજે પણ મોજૂદ છે. આધુનિકતાના નામે સાધનો જ બદલાયા છે, બાકી માણસ તો જે પહેલાં હતો - આદિમ, એનો એ આજે પણ રહ્યો છે. અંદરની સમજ અને સજગતા ન આવે ત્યાં સુધી આ બધું ચાલ્યા જ કરવાનું. મૈક્યાવેલીની બીજી શિખામણ પણ યાદ રાખવા જેવી છે - એણે કહ્યું છે કે, તમે તમારા શત્રુ સાથે પણ એવો વ્યવહાર ન કરશો જે તમે તમારા મિત્ર સાથે કરી શકતા નથી. કેમ કે આજે જે તમને શત્રુ જેવો લાગે છે તે જ કાલે મિત્ર પણ બની શકે છે. રાજનૈતિક વ્યક્તિ પાસે ખાસ કોઈ સિદ્ધાન્ત નથી હોતા. પોતાના અહંકારની આસપાસ જ એની યાત્રા અને વિચારધારા ચાલતી હોય છે. પોતાની અપેક્ષા પૂરી ન થાય કે સ્વાર્થ ઘવાય ત્યારે મૈત્રીનો ધજાગરો લઈને ફરતી વ્યક્તિ પણ અંદરથી જો રાજનૈતિક ચિત્તવાળી હોય તો શત્રુ બની જાય છે. શત્રુ થવા માટે એણે અંદરથી કશું જ કરવું નથી પડતું. માત્ર ઉપરનો આંચળો ઉતારો એટલે શત્રુતા અંદર હાજરાહજૂર હોય છે અને આજે જે શત્રુ છે તેને કાલે એવું લાગે કે હવે મારો અહં સંતોષાય એવું વાતાવરણ પેદા થયું છે અને સ્વાર્થ પણ સાધી શકાય તવી સ્થિતિ છે તો રાજનીતિમાં શત્રુ પણ મિત્રનો સ્વાંગ ઘરીને ઊભા રહી જાય છે. જેમની પાસે થોડીકે ય આધ્યાત્મિક દ્રષ્ટિ છે તેમના માટે આ આખો સિક્કો જ નક્કામો છે. સિક્કાની એક બાજુને પકડો એટલે- પાછળ ભલે દબાઈને પડી હોય પણ બીજી બાજુ તો હાજર જ હોય છે. ઓશો કહે છે ઃ સમજદાર વ્યક્તિ એને કહેવાય જે નથી કોઈને શત્રુ માનતી કે નથી કોઈની મૈત્રી માટે માંગણી કરતી. એ બસ 'સાક્ષી' થઈને જીવે છે. સ્તુતિની અપેક્ષા રાખો તો ક્યારેક નિંદા પણ જરૃર મળશે. એ અનિવાર્ય છે. દ્વન્દ્વમાંથી કોઈ એકને પણ પકડો કે પસંદ કરો તો વિપરીત અસર એની સાથે હાજર જ હોય છે. ઘણીવાર સિક્કાની બીજી બાજુ વર્ષો સુધી પણ દબાયેલી રહી શકે છે પણ એ નથી એવું તો નહીં જ. સમય આવ્યે અચાનક એ સામે આવે ત્યારે આશ્ચર્ય સાથે દુઃખ પણ થાય છે પરંતુ એમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. જે હતું તે જ પ્રગટ થયું છે. સંતો સદા નિર્દ્રન્દ્વ સ્થિતિના પ્રેમી રહ્યા છે ભર્રૈબીનીજજ ચુચિીહીજજ (ચોઇસલેસ અવેરનેસ- પસંદગી રહિત જાગરૃકતા) એ ભારતીય ચિંતનનું સારસૂત્ર છે. તમે સન્માનની અપેક્ષા રાખો તો, અપમાન, ક્યારેક મળવાનું જ. કોઈ તમારી 'વાહ... ! વાહ... !' કરે ને જો હૃદય ખુશી અનુભવતું હોય તો ક્યારેક કોઈ 'હાય...! હાય...!' કરીને હુરિયો બોલાવે તો એમાં કશી નવાઈ જેવું નથી. સિક્કો તો એક જ છે અને એની બન્ને બાજુ તદ્દન વિપરીત ભાવોની બનેલી છે. એકને સ્વીકારો એટલે બીજું અનિવાર્ય રીતે આવી જ જવાનું અને એટલે દ્વન્દ્વાતીત સ્થિતિ ન આવે ત્યાં સુધી શાણા માણસે ચાલતા જ રહેવાનું હોય છે. મૈક્યાવેલી જેવા માણસો રાજનીતિને ધ્યાનમાં રાખીને શિખામણ આપતા હોય છે. પણ આવા સૂત્રો ય ઓશો જેવી સંબુદ્ધ હસ્તીની સામે આવે તો એમાં સમાધિની સુગંધ ભળ્યા વિના કેમ રહી શકે ?
Courtsey : www.gujaratsamachar.com