સિદ્ધાર્થ એક ક્લાસિક કૃતિ (Siddhartha - By Hermann Hesse)
મૂળ લેખક : હર્મન હેસ
અનુવાદ : અલ્કેશ પટેલ
નોબેલ પારિતોષિક વિજેતા લેખકની વિશ્વપ્રસિદ્ધ અને યશસ્વી કૃતિ
“સિદ્ધાર્થ”ની કથા હિંદુસ્તાનની પૃષ્ઠભૂમિ પર આલેખાઈ છે. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ આ નવલકથાનો નાયક છે. ધીર, ગંભીર, બુદ્ધિમાન. તેવો જ સમજદાર તેનો મિત્ર ગોવિંદો છે. બંને મિત્રો જીવનને ગંભીરતાથી લે છે. બંનેને જીવનના, અસ્તિત્વના અર્થની ખોજ કરવી છે. બંને મિત્રો ગૃહત્યાગ કરી જીવનનાં રહસ્યોને પામવા નીકળી પડે છે.
ગોવિંદો બૌદ્ધ ભિક્ષુસંઘના સત્સંગથી ભગવાન બુદ્ધ ના માર્ગથી પ્રભાવિત થાય છે. તે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ભિક્ષુ બની જાય છે. બંને મિત્રોના રસ્તા ફંટાઈ જાય છે. એકલો પડેલો સિદ્ધાર્થ પોતાની ખોજમાં આગળ વધે છે. સિદ્ધાર્થને સૌંદર્યવાન વારાંગના કમલાનો પરિચય થાય છે. સિદ્ધાર્થ કમલા પાસેથી પ્રેમના આનંદની અપેક્ષા રાખે છે. પણ તે રહી વારાંગના! એક અકિંચન યુવાન વારાંગનાને શું આપી શકે? વિચારણાને અંતે સિદ્ધાર્થ પોતાની કવિતાના બદલામાં કમલા પાસેથી એક ચુંબનની યાચના કરે છે. અને યૌવનાના અંતરતલમાંથી પ્રગટેલું તે પ્રગલ્ભ ચુંબન સિદ્ધાર્થના તપ્ત હૃદયને શાતા આપે છે. સાથે સાથે તે કમલાના અતૃપ્ત સ્ત્રી હૃદયને તૃપ્ત કરે છે. કમલા સિદ્ધાર્થના સંતાનની માતા બને છે. સિદ્ધાર્થ પ્રેમતૃપ્તિને હૃદયમાં ભરી ફરી ભ્રમણ પર નીકળી પડે છે.
વર્ષો વીતી જાય છે…….
ગોવિંદો ભિક્ષુજીવન ગાળતો દેશાટન કરતો રહે છે. ફરતા ફરતા એક ગામ પહોંચે છે. તેને જાણવા મળે છે કે નદીકિનારે ઝૂંપડીમાં એક વૃદ્ધ નાવિક રહે છે. સંતપુરૂષ સમ નિર્મળ જીવન ગાળે છે. સંતની પ્રતિષ્ઠા દૂર-સુદૂર ફેલાઈ છે. ગોવિંદો તેમને મળવા પહોંચે છે.
અરે! આ તો સિદ્ધાર્થ!
બંને મિત્રો હૃદય ખોલીને વાતો કરે છે. સિદ્ધાર્થની સાદગી, જીવનની સરળતા અને વિચારોની ગહનતા ગોવિંદાને પ્રભાવિત કરે છે. સિદ્ધાર્થ કહે છે: આ નદીને નિહાળો … તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો … ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે …. શબ્દોના ભ્રમમાં ન ફસાઓ … શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે … ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને
સમજો .. પ્રેમ જીવનનો આધાર છે … અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો … ગોવિંદો અવાક છે. તેને પોતાના વર્ષોના ભિક્ષુજીવનની યથાર્થતા વિષે મંથન જાગે છે. સિદ્ધાર્થ તેનાથી મૂઠી ઊંચો છે તેવું તેને લાગે છે.
ગોવિંદો વૃદ્ધ સિદ્ધાર્થને એક ચુંબનની વિનંતી કરે છે. સિદ્ધાર્થ પ્રેમપૂર્વક ગોવિંદાને એક ચુંબન કરે છે …
અને આ શું ચમત્કાર? ગોવિંદા સમક્ષ અલૌકિક કાંતિયુક્ત અનેકાનેક તેજસ્વી ચહેરા પ્રગટ થાય છે … ચહેરાઓની બહુવિધતામાં કોઈક અનુપમ ઐક્ય જણાય છે….. તેમાં ભગવાન બુદ્ધની દિવ્ય આભા પ્રગટ થતી હોય છે… પરિશુદ્ધ પ્રેમના દિવ્ય સાક્ષાત્કારથી ગોવિંદાનું હૃદય અવર્ણનીય આનંદથી પરમ તૃપ્તિ પામે છે.
મુખ્ય પાત્ર સિદ્ધાર્થની સાધુત્વથી શરુ કરી સંત-ત્વ સુધીની રઝળપાટ,નદીનો પ્રવાહ અને તેને સાંભળવાની કળા ,નગરવધુ હોવા છતાં સિદ્ધાર્થ પ્રત્યેનો કમલાનો પ્રેમ અને સિદ્ધાર્થના માતાપિતાને બાદ કરતા લગભગ દરેક પાત્રને અસર કરતી બુદ્ધની હાજરી।આ પાત્રો -પ્રતીકોમાં સૌથી નોંધપાત્ર હોયતો તે છે વાસુદેવ। હરમાન હેસે આ નાવીકનું જેનું પાત્રાલેખન કર્યું છે તેના પરથી એટલું ચોક્કસ કહી સકાય કે તેમને ભારતીય દર્શનને છેક તેના મૂળ થી પકડ્યું છે। સિદ્ધાર્થના જીવનના દરેક મહત્વના પડાવમાં વાસુદેવની હાજરી ઘણી સૂચક છે।સાવ સામાન્ય લાગે એવા સંજગો અને પરિસ્થિતિઓમાં વાસુદેવના વ્યક્તિત્વની ઊંડાણ આ પુસ્તકનું જમા પાસું છે।
|