Dolphin (Gujarati) – Jules Verne જૂલે વર્નની કૃતિ 'ડોલ્ફિન' ૧૮૬૧થી ૧૮૬૫ સુધી અમેરિકામાં થયેલા ભયંકર ગૃહયુદ્ધના સમયને ધ્યાનમાં રાખીને લખાઈ છે. અમેરિકાના તે સમયના ઇતિહાસ તથા તે સ્થળની ભૂગોળના પરિપ્રેક્ષ્યમાં સાહસ અને પ્રેમની આ શ્રેષ્ઠ કથાનું આલેખન થયું છે. ૧૬મી સદીથી જ યુરોપના કેટલાક દેશો દ્વારા આફ્રિકી ગુલામોનો વેપાર અમેરિકામાં થતો હતો. ૧૭૭૬માં અમેરિકાની આઝાદી બાદ એક આખો વર્ગ આ ગુલામીપ્રથાની નાબૂદી ઇચ્છતો હતો. આખરે ૧૮૬૧માં અમેરિકાના ૧૬મા પ્રમુખ અબ્રાહમ લિંકને સત્તા પર આવતા વિધિવત ગુલામી નાબૂદી ધારાની જાહેરાત કરી. ઉત્તરના રાજ્યોની અમેરિકી સરકાર ગુલામીપ્રથા નાબૂદીના અમલમાં સફળ રહી, પરંતુ તેની કિંમત પ્રમુખ અબ્રાહમ લિંકને પોતાના જાનથી ચૂકવવી પડી હતી. ૧૮૬૫માં લિંકનની હત્યા થઈ ત્યારે બંધારણ અને કાયદાઓ મુજબ તો ગુલામી નાબૂદ થઈ હતી. છતાં શ્વોત અને અશ્વોતો વચ્ચેના ભેદભાવ આજે ૧૫૦ કરતા પણ વધુ વર્ષે સંપૂર્ણ રીતે મટી ગયો છે એમ કહી શકાય નહીં. જૂલે વર્નની આ નવલમાં અંગ્રેજોની લાલચુ વેપારીવૃત્તિના દર્શન પણ ખૂબ સારી રીતે થયા છે. આર્થિક લાભ ખાતર કંઈ પણ કરી છૂટવાનું અંગ્રેજ પ્રજાનું માનસ આ નવલમાં જૂલે વર્ને ખૂબ જ સારી રીતે ગૂંથી લીધું છે.