પ્રાર્થના : પોતાની જાતને પામવાનો સરળ માર્ગ - મોહમ્મદ માંકડ
પ્રાર્થનાનું મહત્વ આપણે સમજતા નથી, એટલે ઘણી વાર આપણે હતાશ થઇ જઈએ છીએ. દુનિયાના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયેલું છે. પ્રાર્થના એક અદભુત ચીજ છે, પણ એના ચમત્કારોને સમજવાની ધીરજ આપણામાં હોતી નથી. એનો ઉત્તર ઈશ્વર તરફથી મળે છે, પણ એ ઉત્તર કાયમ હકારમાં હોતો નથી ઈશ્વર ક્યારેક ના પણ પડી છે. એ ના સાંભળવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ.
પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાતચીત, પરંતુ પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વર સાથે વાતચીત કરતા નથી - જાણે ઈશ્વરને અલ્ટીમેટમઆપીએ છીએ .
ફિલસૂફો અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે જયારે આપણે કોઈ સહૃદયી મિત્ર સાથે આપના દુઃખની વાત કરીએ ત્યારે એ દુઃખ હળવું થઇ જાય છે. એની તીવ્રતા ઘટી જાય છે. ઈશ્વરથી વધીને સહૃદયી મિત્ર કોણ હોઈ શકે ? માણસ એની પાસે જયારે દિલ ખોલીને દુઆ માંગે છે, ત્યારે પોતાના હૃદયમાં છુપાયેલી અનેક અધૂરી અને અતૃપ્ત ઈચ્છાઓને એ પોતે ઓળખી શકે છે.