પોલીએના 10 વર્ષની છોકરી છે. માતા-પિતા વિનાની આ અનાથ છોકરીને એક સખાવતી સંસ્થા તેના માસીને ઘેર રહેવા મોકલી આપે છે. આ માસી એટલે મિસ પોલી. જેના જીવનમાં એક રુક્ષતા છે….. જડતા છે…. લાગણીઓને કોઈ સ્થાન નથી. માસી ખૂબ શ્રીમંત છે. પણ એનું હૃદય ઝરણું સૂકાઈ ગયું છે. અને એક નાનકડા વર્તુળમાં એનું જીવન સીમિત છે. એવા એકાકી રહેતાં માસીને પોતાની ભાણેજને રાખવાની જવાબદારી આવી પડે છે, ત્યારે પોતાનું કર્તવ્ય છે એમ માની, ફક્ત ફરજના એક ભાગ રૂપે પોલીએના તેના ઘરમાં પ્રવેશ પામે છે. અને ધીમે ધીમે શરૂ થાય છે એક બદલાવ. પોલીએના ખૂબ વાતોડી, ખૂબ પ્રેમાળ. સતત હસતી અને હસાવતી છોકરી છે. માણસ માત્ર તેને ગમે છે કોઈ પણ માણસ સાવ કેમ ન ગમે ? એ તેને ક્યારેય સમજાતું નથી. તેને દરેક નાની વસ્તુમાં જીવંત રસ છે, હોંશ છે. જીવનની પ્રત્યેક પળ તે સાચા અર્થમાં જીવે છે. અને એના કારણમાં છે એક રમત. પોલીએનાના પિતાજી જ્યારે જીવતા હતા, ત્યારે નાનકડી પોલીએના માટે મિશનરી સંસ્થાને એક ઢીંગલી માટે અરજી કરી હતી. એ સંસ્થા પાસે બાળકી માટે ઢીંગલી નહોતી પણ અપંગ માણસ માટેની કાંખઘોડી પડી હતી. તો ઢીંગલીને બદલે એ કાંખઘોડી મોકલી આપી !! અને એક નાનકડી બાળકીને રમવા માટે મળે છે ઢીંગલી ને બદલે ઘોડી. પણ…. પણ એના પિતાએ એને શીખવ્યું હતું કે કોઈ પણ વસ્તુ કે વાત માટે હંમેશાં ખુશ થવું. પોલીએનાએ એના પિતાજીને પૂછયું હવે આ વસ્તુ માટે ખુશ કઈ રીતે થવું ? ત્યારે પિતાએ કહ્યું, ‘તારે એમ વિચારીને ખુશ થવું કે તારે આ કાખઘોડીની જરૂર તો નથી ને !! તારે તો બે પગ છે ને !!