Palm Oilna Sathvare Cholestrolne Controlma Rakho
પામ ઓઇલના સથવારે કોલેસ્ટરને કાબુમાં રાખો
નીતા શાહ
આજે અતિ આધુનિક ગણાવાની હોડમાં અને ભૌતિક સફળતાઓની આંધળી દોડમાં વ્યક્તિ દોડે છે, હાંફે છે અને છતાંય દિવસ-રાત કાર્યરત રહીને કહેવાતી સફળતા મેળવે છે. પૈસાની પાછળ ભાગતો માનવી સ્વાસ્થ્ય તરફ બેદરકાર બની જાય છે. કામની આંધળી દોટમાં જંકફૂડ અને બજારુ ખાદ્યવસ્તુઓથી ભૂખ-ક્ષુધા સંતોષે છે અને આમંત્રે છે વિવિધ બીમારીઓને. આમ તનતોડ મહેનત બાદ સ્વાસ્થ્યના ભોગે ભેગો થયેલો રૂપિયો પુન: સ્વાસ્થ્યને પાછું મેળવવા વપરાય છે.
બાળપણથી સુટેવોનું ઘડતર થાય તે ખૂબ જરૂરી છે. ખાણી-પીણીની સુટેવોથી આરોગ્યનું ઘડતર થાય છે, પણ છતાં જો શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો હૃદયનું કાર્ય ખૂબ વધી જાય. આપણા શરીરમાં જીવનભર ક્ષણભર પણ આરામ કર્યા વગર હૃદય કામ કરે છે તો આ હૃદયનું કાર્ય વધે તેવો આહાર લેવો જોઈએ નહીં. આ પુસ્તકમાં શરીરમાં વધેલા કોલેસ્ટરોલને કેવી રીતે કાબૂમાં રાખી શકાય તેનો આઠ અઠવાડિયાંનો એક કાર્યક્રમ આપ્યો છે.
પુસ્તકમાં કુલ 22 પ્રકરણો છે, જેમાં ‘કોલેસ્ટરોલ પર એક વધુ દ્ષ્ટિપાત’ પ્રકરણમાં good અને bad કોલેસ્ટરોલ શું છે? તેની માત્રા કેટલી હોવી જોઈએ વગેરેની ખૂબ સારી માહિતી છે, જેથી કોલેસ્ટરોલ ખરાબ જ કહેવાય તે માન્યતા દૂર થાય છે. ડાયાબિટીસ અને હૃદયરોગને શું સબંધ છે તેની પણ માહિતી અહીં ઉપલ્બધ છે. વજન ઘટાડવા માટે એક સાદું સૂચન, દરરોજ વ્યાયામ ન ભૂલતા, મન-શરીર-હૃદયનો એક ખૂબ પ્રભાવી સંબંધ અને માનસિક તાણની ભૂમિકા અને તેને ઘટાડવાના રસ્તા વગેરે પ્રકરણ આજની દોડધામવાળી જિંદગી જીવતા નાના મોટા સૌ માટે ખૂબ ઉપયોગી છે.
અંગ્રેજીમાં કહેવત છે કે, Prevention is better than cure. એટલે કે માંદા પડ્યા પછી સાજા થવાના રસ્તા શોધવા એના કરતાં માંદા ન પડીએ તેની કાળજી રાખવી વધુ સારી. આ પુસ્તક દ્વારા હૃદયને હર્યુંભર્યું અને તરોતાજા રાખવાની તરકીબ સહેલાઈથી પ્રાપ્ત થાય છે. આમ હૃદયને વધુ સારી રીતે ધબકતું રાખવા અને હૃદયરોગના હુમલાને અટકાવવા દવાની સાથે સાથે આ પુસ્તકમાં ઉપલબ્ધ માહિતી જાણવી પણ અત્યંત આવશ્યક છે.
|