Miya Fuski (Set Of 12 Books) By Jivram Joshi
મિયાં ફૂસકી ( 12 પુસ્તકોનો સેટ ) બાળસાહિત્ય
જીવરામ જોષી
(બાળકોને મજા પડે તેવી બોધદાયક વાર્તાઓ )
મિયાં ફૂસકી ગુજરાતી બાળ સાહિત્ય માટે જીવરામ જોષીએ સર્જેલું કાલ્પનિક પાત્ર છે. તે મોટાભાગે તેમના મિત્ર તભા ભટ્ટ સાથે જોવા મળે છે. બંને પાત્રો જીવરામ જોષીના કાશી નિવાસ દરમિયાન તેઓને મળેલા કે જોયેલા લોકોથી પ્રેરિત છે. તેમણે આ પાત્રો પર ૩૦ થી વધુ વાર્તાઓ લખી છે. તે અત્યંત લોકપ્રિય બની હતી અને તેના પરથી નાટકો, ટેલિવિઝન ધારાવાહિકો અને ચલચિત્ર પણ બન્યા છે.
મિયા ફુસકી એ ગુજરાતી વાર્તા સાહિત્યનું બહુ પોપ્યુલર કેરેકટર છે. મિયાં ફુસકીની વાર્તા જીવનનાં અનેક પાસાં શીખવે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં મીયાં ફુસકી અને તભા ભટ્ટ પોપ્યુલર કેરેક્ટર છે.
જીવરામ જોષીએ મિયાં ફુસકીનું પાત્ર કેવી રીતે સર્જ્યું એ વિશે એમના શબ્દો ટાંક્યા છે : ‘હું કાશીમાં રહેતો હતો ત્યારે એક મિયાંને જોઈને મને મિયાં ફુસકીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી. કાશીમાં નરસિંહ ચોતરા મહોલ્લામાં મંદિરની પાછળ આવેલા ઘરમાં અલી નામના અત્યંત રમૂજી સ્વભાવના દૂબળાપાતળા મિયાં રહેતા હતા. એ એક્કો ચલાવતા. હંમેશાં હસતા અને બીજાને ખડખડાટ હસાવતા. એમનો મશ્કરો સ્વભાવ અને દેખાવ જોઈને મને ફત્તુ મિયાં નામનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી. દૂબળાપાતળા દાઢીધારી ફત્તુ મિયાં લેંઘો અને બંડીનો પોશાક પહેરતા. માથે ટોપી રાખતા. આ મિયાંના સ્વભાવની એક ખાસિયત હતી કે એ બહાદુર હોવાના બણગાં ફૂંકતા, પરંતુ અંદરખાને અત્યંત બીકણ હતા. એટલે મિયાં સાથે ફુસકી નામ જોડી દેવા વાર્તા લખી નાખી.’ મિયાં ફુસકીનું મુસ્લિમ પાત્ર ઘડ્યા પછી કોમી એકતાની ભાવનાથી પ્રેરાઈને જીવરામ જોષીએ તભા ભટ્ટના હિંદુ પાત્રનું આલેખન કર્યું. કાશીમાં જોયેલા બ્રાહ્મણોના આધારે તભા ભટ્ટનું પાત્રાલેખન કર્યું. માથે પાઘડી અને ખભે ખેસ ધારણ કરતાં દુંદાળા ભટ્ટ મિયાં ફુસકીના મિત્ર બન્યા. દૂબળા મિયાં અને જાડિયા ભટ્ટજીની ભાઈબંધી કોમી એકતાનો સંદેશ આપે છે. વાર્તાની વાર્તા ને સંદેશનો સંદેશ…. જીવરામ જોષીને કાશીમાં જોયેલાં પાત્રોના આધારે મિયાં ફુસકી લખવાની પ્રેરણા મળી જ્યારે ટ્રેનમાં ઊંચા માણસને જોઈને એ લાંબા છકા અને ટૂંકા મકાનાં પાત્રો ઘડવા પ્રેરાયા. મામાના ઘેર જવા થનગનતા અડુકિયો દડુકિયો તો એમના મનગમતાં પાત્રો હતાં. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે….. આ બાળગીત તો આજે પણ લોકપ્રિય છે !
ક્રાંતિકારીમાંથી બાળસાહિત્યકાર બનેલા જીવરામ જોષી નવ્વાણું વર્ષની ઉંમરે ગુજરી ગયા. બાળસાહિત્યના ક્ષેત્રમાં એમણે જે ખેડાણ કર્યું છે એની કોઈ કિંમત આંકી શકાય એમ નથી. બાળસાહિત્યમાં એમનું પ્રદાન-યોગદાન અમૂલ્ય છે. વિદેશોમાં સર્જાયેલા હેરી પોટર અને ટારઝન જેવા બાળસાહિત્યનાં પાત્રો દુનિયાભરમાં લોકપ્રિય છે, પરંતુ જીવરામ જોષીનાં પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ સવેળા પ્રકાશિત થયો હોત તો આજે દુનિયા આખીનાં બાળકોની જીભે અડુકિયો દડુકિયો અને મિયાં ફુસકીનાં નામ રમતાં હોત !
‘મને બાળકો અત્યંત પ્રિય છે. મને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરનાં દર્શન થાય છે. એટલે જ મેં બાળસાહિત્યના ક્ષેત્રમાં ખેડાણ કરવાનું નક્કી કર્યું…..’ જીવરામ જોષીએ આ નિર્ણય અમલમાં મૂક્યો અને બાળવાર્તાઓ લખવાનું શરૂ કર્યું. એમણે પાંચસો કરતાં વધુ પુસ્તકો લખ્યાં. ગુજરાતી બાળસાહિત્યને અજબગજબનાં પાત્રોની ભેટ આપી. એમાં છકોમકો, છેલછબો, ગપ્પીદાસ, માનસેન સાહસી, અડુકિયો દડુકિયો અને મિયાં ફુસકી તો અત્યંત લોકપ્રિય થયાં.
|