Manishini Vicharyatra (Darshakna Vyakhyano)
મનીષીની વિચારયાત્રા ( દર્શકના વ્યાખ્યાનો)
મનુભાઈ પંચોળીના વિચારો - વ્યાખ્યાનોનું પ્રેરક સંપાદનઃ
મોહન દાંડીકર
ઝેર તો પીધા છે જાણી જાણી જાણી જેવી અમર કૃતિઓ દ્વારા અમર બની ગયેલા ગુજરાતી સાહિત્યના વિકાસમાં મનુભાઈ પંચોલીનું પ્રદાન ઉમદા છે ગુજરાતી સાહિત્યનના ક્ષેત્રે પ્રદાન આપનારા દર્શકને સ્પર્શતા વિવિધ પાસાઓ દ્વારા લોકોને મનુભાઈ પંચોલીના સાહિત્યના ક્ષેત્રે આપેલા પ્રદાનની માહિતી મળે તે પ્રમુખ ઉદેશ્ય સાથે આ વ્યાખ્યાનોનું સંકલન કરવામા આવ્યુ છે.
સ્વામી આનંદે જેને ‘ટોપ ઈન્ટલેકચ્યુઅલ ઓફ સૌરાષ્ટ્ર' તરીકે ઓળખાવેલા એવા મનુભાઈની વિચાર સામગ્રી ખૂબ સમૃદ્ધ છે. તેથી જ સંપાદક જેવી જ સાગરમાંથી અંજલી લીધાની અફસોસપૂર્ણ અનુભૂતિ વાંચકોને પણ રહેશે. પરંતુ આજની આપણી બૌદ્ધિક સંપદાને તેજસ્વી અને નિષ્ઠાવાન બનાવવી હોય તો ‘દર્શક' ને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા પડશે. પ્રથમ વ્યાખ્યાનમાં દર્શક જણાવે છે કે તેઓએ તેમની જીંદગીનું પહેલુ લખાણ ચોથી - પાંચમીમાં ભણતા ત્યારે ગામમાં આવેલી રામલીલામાં જોયેલા પરશુરામના પાત્ર પર લખેલુ અને તે પણ ગીતો સહિત !! આઝાદીની લડતમાં જોડાઈ જેલવાસ દરમિયાન વિસાપુરની જેલમાં લખી પ્રથમ નવલકથા ‘બંદીઘર' છતાં પહેલું છપાયુ તે હતું ‘જલીયાંવાલા' ને ‘૧૮૫૭' અને પછીની સર્જનની વણઝાર પણ દરેક પાછળની પ્રેરણારૂપ ઘટનાઓના ઉલ્લેખસહ. તેઓ માનતા કે સર્જન કોઈના માટે થતુ નથી. કોઈને ઉપયોગી અવશ્ય થાય છે.
જીવનના ઉચ્ચત્તમ મૂલ્યોસભર અનેક વ્યાખ્યાનો ઉપરાંત મહાભારત, ગાંધીવિચાર, સર્વોદય, સરદાર સાહેબ સ્વામી દાદા, કયાં છે તે સ્વરાજય, જુલમ સામેનું કવચ, અહંકાર અને અન્યાયનો ઈતિહાસ, સારપ અને સમજણ અલગ છે. અડધી સદીનું સરવૈયું. અસંદિગ્ધ થઈએ. નિઃસંશય રહીએ, શીંગડા માંડતા શીખવશું, ખંડ દ્વારા અખંડની યાત્રા જેવા અદ્દભૂતો વ્યાખ્યાનોનો સંગમ છે આ ‘‘મનિષીની વિચારયાત્રા''.
૨૮ ઓગષ્ટે જેની ૧૧૮મી જન્મ જયંતિ ઉજવાઈ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મણી મહોત્સવ પ્રસંગે અપાયેલુ વ્યાખ્યાન ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી' ખૂબ જ હૃદયસ્પર્શી છે. તેમના મતે મેઘાણીની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે રાખમાંથી માણસ બેઠા થાય તેવી સ્થિતિ તેમણે પેદા કરી, મેઘાણીને વાંચ્યા પછી કોઈ માણસ સામાન્ય જનનો તિરસ્કાર કરી શકશે નહીં. જયારે અસ્પૃશ્યતા નિવારણનું ગાંધી આંદોલન શરૂ પણ નહોતુ થયેલુ ત્યારે મેઘાણીએ પોતાની વાર્તાઓમાં હરીજનોના ઉત્તમ ચરિત્રોને આલેખ્યા. તેની વાર્તાઓ આ પ્રકરણમાં છે. મેઘાણીની જહેમતથી, સાધનાથી લોકસાહિત્યમાં ન માનનારાઓને પણ એટલુ ભાન થયું કે જેને આપણે અભણ સમાજ માનીએ છીએ તે સમાજમાં પણ વિવિધ સંસ્કારિતાની ખુશ્બુ ભરેલી છે. મેઘાણીના શૌર્યગીતો હોય કે હૃદયવિદારક કાવ્યો દર્શકે આ વ્યાખ્યાનમાં અમીછાંટણા કરાવ્યા છે તો સાથે સાથે પ્રજા તરીકેની આપણી નબળાઈઓ પણ છેલ્લા પ્રકરણોમાં વર્ણવી છે જે આંખો ખોલનારી છે.
પરેશ રાજગોર
|