Krushna Ane Manavsambandho- An Essay in Mahabharat
કૃષ્ણ અને માનવસંબંધો - હરિન્દ્ર દવે
રામ-રાવણ વચ્ચે પણ યુદ્ધ થયું હતું; છતાં ગીતા પાંડવ-કૌરવના યુદ્ધ વખતે જ કેમ લખાઈ ? પાંડવ-કૌરવ યુદ્ધને વ્યાસ ભગવાને ‘જ્ઞાતિસમાગમ’ તરીકે ઓળખાવ્યું છે. એટલું જ નહિ, પણ આવા મહાભારત-યુદ્ધમાં કોઈ પણ મન મૂકીને લડ્યું ન હતું. કૃષ્ણ જ્યારે વિષ્ટિ માટે ગયા ત્યારે ભીમ જેવા ભીમે પણ ‘તમે સંધિ કરવાનો પ્રયત્ન કરજો’ એવી વિનંતી કરી હતી. ધૃતરાષ્ટ્ર-ગાંધારી પણ દુર્યોધનને આ યુદ્ધથી હટવા માટે કહે છે. પણ ધૃતરાષ્ટ્ર-ગાંધારી યુદ્ધમાં સીધાં સંકળાયેલાં ન હતાં. પરંતુ કૌરવોના સૌ પ્રથમ સેનાપતિ ભીષ્મ પણ કહે છે : ‘શુશ્રૂષા-સેવા કરવાવાળા, અસૂયા વિનાના, બ્રહ્મનિષ્ઠ, સત્યવક્તા એવા પાર્થ સાથે મારે યુદ્ધ કરવું પડે, એથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે ?’
ભીષ્મ કુરુઓના સેનાપતિ થવાના છે; પણ એ આ યુદ્ધમાં દુઃખ સામે ઊતરે છે. કારણ કે પોતે જેની સાથે લડે છે એના પક્ષે સત્ય છે એ વાત ભીષ્મ સારી પેઠે જાણે છે. એટલે જ ભીષ્મ મન મૂકીને લડતા નથી. ગીતાનો વિષાદયોગ માત્ર અર્જુનના સંદર્ભમાં છે; પણ આ વિષાદયોગ એકેએક પાત્ર ક્યારેક ને ક્યારેક અનુભવ્યા વિના રહેતું નથી. દ્રોણ કુરુઓના શસ્ત્રગુરુ છે. એ કહે છે : ‘ધનંજય મને મારા પુત્રથી પણ અધિક પ્રિય છે. એની સામે મારે લડવું ? ક્ષત્રિયધર્મના પાલનમાં અચલ એવો અર્જુન – એની સાથે યુદ્ધ કરવું પડે તો આ ક્ષત્રિયોના જીવનને ધિક્કાર છે.’ દ્રોણને મન આવા ક્ષત્રિયધર્મમાં નિષ્ઠા ધરાવતા અર્જુન સાથેનું યુદ્ધ ક્ષત્રિયો માટે વર્જ્ય છે. અને પોતે બ્રાહ્મણ છે, પણ પોતાનો સંબંધ અર્જુન સાથે કેવો છે ? અર્જુન એમને અશ્વત્થામા કરતાં પણ વધારે પ્રિય છે ! દ્રોણ દુર્યોધનને કહે છે કે ‘તું યુધિષ્ઠિરને જીતી નહિ શકે. કારણ કે, જનાર્દન જેવા જેના મંત્રી છે, અને ધનંજય જેવો જેનો ભાઈ છે, એવા યુધિષ્ઠિરને જીતવાની કલ્પના પણ ન થઈ શકે.’ દ્રોણને એક વધુ કારણ પણ જડે છે. ‘તપોધોરવ્રતા’, ‘સત્યવાદિની’ એવી દ્રૌપદી જેના વિજય માટે અભિલાષા રાખતી હોય તેનો પરાજય કોઈથી પણ શક્ય છે ખરો ?
કુરુક્ષેત્રનું યુદ્ધ થાય તેની પૂર્વભૂમિકારૂપે આવા સંખ્યાબંધ વિષાદયોગો આવ્યા જ કરે છે; આ ‘જ્ઞાતિસમાગમ’ માં ભાગ્યે જ કોઈ મન મૂકીને લડ્યું છે. ભીષ્મ, દ્રોણ વગેરેનું તો ઠીક, પણ દુર્યોધનની આસપાસના તેના અંતરંગ સાથીઓમાંનો કર્ણ : એ મનથી લડ્યો હતો ખરો ? કર્ણ મહાભારતનું આગવું પાત્ર છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી અનેક કવિઓ, સાહિત્યકારો આ પાત્રથી આકર્ષાતા રહ્યા છે. સામાજિક અન્યાયના પ્રતીક તરીકે કેટલાક એને જુએ છે; કોઈ એને પરાક્રમ, વીરશ્રીના પ્રતીક તરીકે જુએ છે. મૈત્રી-સંબંધોની દષ્ટિએ કર્ણને તપાસવો સૌથી સંગત છે. જાણીતા અંગ્રેજ સર્જક શ્રી ઈ.એમ. ફૉર્સ્ટરે એક વાર કહ્યું હતું કે મારે મારા દેશનો કે મારા મિત્રનો દ્રોહ કરવામાંથી પસંદગી કરવાની આવે તો ભગવાન મને દેશનો દ્રોહ કરવાનું બળ આપે. કર્ણના જીવનમાં આ પસંદગી આવી હતી. અને તેણે મિત્રનો દ્રોહ કરવા કરતાં દેશના દ્રોહને વધુ પસંદ કર્યો હતો. ભીષ્મ કે દ્રોણની સલાહની દુર્યોધન પર કશી જ અસર થતી નથી. ભીષ્મ કે દ્રોણ એક વખત દુર્યોધનના પક્ષેથી ખસી પણ જાય તો દુર્યોધનને એની પરવા નથી; પણ કર્ણ જો યુદ્ધ કરવાની ના પાડે કે કૌરવોને પક્ષેથી ખસી જાય તો દુર્યોધન યુદ્ધ કરવા માટે તૈયાર ન થાય. કર્ણ આમ વ્યુહાત્મક બિંદુ પર છે. એ ધારે તો આ મહાભારત યુદ્ધને અટકાવી શકે એમ છે, અને એના પરિણામરૂપે સૃષ્ટિનું સામ્રાજ્ય પણ ભોગવી શકે એમ છે. પણ કર્ણ શા માટે આ પગલું ભરતો નથી ? એના જીવનમાં મૈત્રી, સ્નેહ, વાત્સલ્ય આ બધાનું મૂળ છે.
કૃષ્ણ વિષ્ટિ પછી નગરની બહાર જાય છે, ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે. એ વેળા કર્ણ અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થાય છે એ આપણા યુગમાં રવીન્દ્રનાથે અને આપણી ભાષામાં સુન્દરમ, ઉમાશંકર જેવા કવિઓએ પોતપોતાની રીતે કાવ્યસ્થ કર્યો છે. પણ આપણે તો વ્યાસ ભગવાને આલેખેલા કૃષ્ણ-કર્ણ સંવાદ તરફ જ જઈએ. કૃષ્ણ વાતનો પ્રારંભ કર્ણના ધર્મ વિશેના જ્ઞાનથી કરે છે. કર્ણ અધર્મના પક્ષે છે એનું કારણ એ નથી કે ધર્મ શું છે એનો એને ખ્યાલ નથી. કૃષ્ણ એને કહે છે : ‘હે કર્ણ, તું સનાતન વેદવાદને જાણનાર છો. તું ધર્મશાસ્ત્રના સૂક્ષ્મમાં સૂક્ષ્મ મર્મને પણ જાણે છે.’ કૃષ્ણ કર્ણને પછી તેના જન્મનું રહસ્ય કહે છે. કુંતી અવિવાહિત હતી ત્યારે કર્ણને તેણે જન્મ આપ્યો હતો. પરંતુ શાસ્ત્રવિદ લોકો ‘કાનીન’ – વિવાહપૂર્વે જન્મેલા પુત્રનો પિતા કન્યાનું પાણિગ્રહણ કરનાર પુરુષ જ ગણાય એમ કહે છે. એટલે કર્ણ પાંડુપુત્ર છે. એટલે ધર્મશાસ્ત્ર અનુસાર એ યુધિષ્ઠિરનો મોટો ભાઈ હોઈ એ જ રાજા થવાનો હકદાર છે. કર્ણને કૃષ્ણ કહે છે : ‘તું કંઈ સૂતવંશી નથી. પિતૃપક્ષે તું પૃથાવંશી છે : માતૃપક્ષે વૃષ્ણિવંશી છે. આવાં બે સમર્થ કુળોની તને સહાયતા છે.’ કૃષ્ણ કર્ણને કહે છે : ‘આ જ ક્ષણે તું મારી સાથે ચાલ. પાંડવોને જાણ થશે કે તું કુંતીનો પુત્ર છે તો પાંચ પાંડવો, દ્રૌપદીના પાંચ પુત્રો અને સુભદ્રાનન્દન અભિમન્યુ એ સૌ તને પ્રણામ કરશે, તારો ચરણસ્પર્શ કરશે. આટલું જ નહિ, વર્ષનો છઠ્ઠોભાગ દ્રૌપદી તને પાંડુપુત્ર માની તારી સેવામાં, તારી સમીપ રહેશે. પાંડવોના પુરોહિત ધૌમ્ય તારો રાજ્યાભિષેક કરશે. તું રાજા થઈશ. યુધિષ્ઠિર તારો યુવરાજ થશે. ભીમ તને ચામર ઢોળશે. અર્જુન તારો રથ ચલાવશે. અભિમન્યુ તારી સેવા કરશે. અને મારા સુદ્ધાં અસંખ્ય રાજવીઓ તારા અનુયાયીઓ બનશે.’
કર્ણ આગળ કૃષ્ણે મૂકેલાં પ્રલોભનો કંઈ નાનાંસૂનાં નથી. રાજ્યલક્ષ્મી એ એક, દ્રૌપદી જેવી કામ્ય ચારુ સર્વાંગી સ્ત્રીનો સહવાસ એ બીજું પ્રલોભન અને સૌથી મોટું પ્રલોભન તો કૃષ્ણ જેવા કૃષ્ણ એના અનુયાયી બને એ હતું ! ભાગ્યે જ કોઈ માનવી સમક્ષ આવાં પ્રલોભનો આવ્યાં હશે. અને પ્રલોભનો અન્ય કોઈ તરફથી મુકાય તો તો બુદ્ધની માફક તેનો પ્રતિકાર કરવો સહેલો છે; કારણ કે તે આસુરી પ્રલોભનો છે. પણ આ તો ભગવાન પોતે પ્રલોભનો મૂકે છે. હજી થોડા સમય પહેલાં જ કુરુસભામાં જેના વિરાટ સ્વરૂપનું દર્શન સૌ કોઈએ કર્યું છે, એવા કૃષ્ણ કર્ણને આ કહે છે. કાચાપોચા માનવી માટે આટલું જ પૂરતું છે. એ રાજવીપદ, દ્રૌપદીનું ભર્તાપદ તથા કૃષ્ણનું સખાપદ એ ત્રણે એકસાથે પામે એવો વિરલ યોગ જતો કરે જ નહિ. પરંતુ કર્ણ જુદી માટેનો બનેલો છે. કર્ણ અધર્મના પક્ષે છે, પણ એમાં જ એનો ધર્મ છે. એ મૂલ્યહીન દુર્યોધનનો સાથ કરે છે; પણ એમાં એના જીવનનાં મૂલ્યો રહ્યાં છે. કર્ણ જે ઉત્તર આપે છે એ માનવસંબંધોના આદર્શ તરીકે યુગોથી ટકી રહ્યો છે, યુગો સુધી ટકી રહેશે. કૃષ્ણે જે કહ્યું તેની પાછળ છળ નથી, પણ સૌહાર્દ, પ્રણય તથા કર્ણનું શ્રેય કરવાની વૃત્તિ છે. એ વિશેની પોતાની પ્રતીતિથી કર્ણનો ઉત્તર આરંભાય છે. એટલું જ નહિ, પણ કર્ણ કહે છે :
સર્વં ચૈવાભિજાનામિ પાણ્ડોઃ પુત્રોડસ્મિ ધર્મતઃ | (ઉદ્યોગ. 139;2)
એ તો બધું જ જાણે છે. પોતે પાંડુનો પુત્ર છે, એટલું જ નહિ પણ ધર્મના સૂક્ષ્મ મર્મના જ્ઞાતા તરીકે એને એ વાતનો ખ્યાલ પણ છે કે ધર્મની કસોટીએ જ્યેષ્ઠ પાંડુપુત્ર તરીકે પોતાનો દાવો ટકી શકે એમ છે. કૃષ્ણ કહે છે એથી ઘણુંબધું કર્ણ જાણે છે. સૂર્યદેવના અંશથી માતા કુંતીએ તેને જન્મ આપ્યો હતો અને પછી તજી દીધો હતો એનાથી પણ કર્ણ વાકેફ છે. એક તરફ ધર્મશાસ્ત્ર છે. આ ધર્મશાસ્ત્ર અનુસાર કર્ણ જ્યેષ્ઠ પાંડુપુત્ર તરીકે રાજવીપદ પામી શકે એમ છે. બીજી તરફ માનવસંબંધો છે. કુંતીથી તજાયેલા આ બાળકને અધિરથ અને રાધાએ ઉછેર્યો છે. તેનાં મળમૂત્ર ધોયાં છે. ધર્મ હંમેશા શાસ્ત્રમાં જ નથી હોતો. માનવસંબંધોમાં વધુ મોટો ધર્મ છે. અધિરથ-રાધાના સ્નેહનો અનાદર કરી કર્ણ ધર્મનું પાલન કર્યાનો દાવો કરી શકે ખરો ?
અહીં એક સમાંતર વાત યાદ આવે છે.
કૃષ્ણના જીવનમાં પણ આ દ્વિધા આવી હતી. કૃષ્ણ વસુદેવ-દેવકીના પુત્ર હતા અને જશોદા-નંદે તેમને પોતાનો પુત્ર માની ઉછેર્યા હતા. કૃષ્ણ જ્યારે સમય આવ્યો ત્યારે નંદ-જશોદાને તજી શક્યા. તો કર્ણ અધિરથ-રાધાને તજી કુંતા પાસે, પાંડવો પાસે કેમ ન જઈ શકે ? દેખીતી રીતે આ બંને સમાન પરિસ્થિતિ છે. પણ અંદર એક ઘણી મોટી અસમાનતા છે. કૃષ્ણ માટે એક બૃહદ જીવનકાર્યનો સાદ આવ્યો હતો; કંસ, જરાસંધ, કાળયવન ઈત્યાદિ અધર્મીઓનો નાશ કરવા, પ્રતિકાર કરવા માટે કૃષ્ણે વ્રજભૂમિ છોડવી અનિવાર્ય હતી. જ્યારે કર્ણની પરિસ્થિતિ જુદી છે. એની સામે આવો કોઈ પડકાર નથી. વૈભવ, કામ અને સુખની આકાંક્ષાથી જ એ પાલક માતાપિતાનો ત્યાગ કરી શકે એમ છે. અને એટલે જ કૃષ્ણે આ પ્રકારની પરિસ્થિતિમાં જુદો નિર્ણય કર્યો હતો. અક્રૂરના રથમાં બેસી કૃષ્ણ કંટકની પથારી તરફ ગયા હતા. કૃષ્ણના રથ પર બેસી કર્ણ સુખની સેજ તરફ જઈ શકે તેમ હતો. એટલે જ દેખીતી સમાન પરિસ્થિતિમાં કૃષ્ણે જે નિર્ણય લીધો, એ એમની રીતે સાચો હતો. કર્ણે જે નિર્ણય કર્યો એ એની રીતે સાચો હતો. કર્ણના નિર્ણયના બીજાં કારણો પણ છે. એ કહે છે : ‘આ સમસ્ત પૃથ્વી, કે સુવર્ણનો ઢગલો મળે, હર્ષ હોય કે ભય – આવાં કોઈ પણ પ્રલોભનો દ્વારા હું અસત્ય બોલી શકું એમ નથી.’ કર્ણ મૂલ્યભાવનાથી પ્રેરાયેલો છે. એ રાજા છે. તેર વરસથી નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે; એ માટે એ દુર્યોધનનો કૃતજ્ઞ છે. દુર્યોધને પાંડવો સાથે યુદ્ધ કરવા હામ ભીડી છે. કારણ કે કર્ણનું એને પીઠબળ છે. અર્જુનની સામે જીતી ન શકે તોપણ ટકી શકે એવો વીર કૌરવોના પક્ષે એકમાત્ર કર્ણ જ છે. એટલે જ કર્ણ કહે છે : ‘વધ, બંધન, ભય કે લોભથી વિચલિત થઈ ધીમાન એવા ધૃતરાષ્ટ્રપુત્ર સાથે હું અસત્ય વ્યવહાર ન કરી શકું.’ આટલું જ નહિ, કર્ણ અને અર્જુન વચ્ચે જે પ્રતિસ્પર્ધી ભાવ સ્થાપિત થયો છે એ જોતાં હવે જો કર્ણ અને અર્જુન યુદ્ધમાં સામસામા ન ઊતરે તો બંનેની અપકીર્તિ થાય એમ છે.
|