ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં - પોલ બ્રન્ટન
Bharatna Aadhyatmik Rahasyoni Khoj Ma
A Search in Secret India by Paul Brunton નાં પુસ્તકનો ગુજરાતી અનુવાદ
અનુવાદ: યોગેશ્વર
ભારત એટલે આધ્યાત્મિક યોગીઓ, સંતો અને ઋષિઓનો દેશ. યુગોથી વિદેશીઓને આપણાં દેશ પ્રત્યે આકર્ષણ રહ્યું છે. પૉલ બ્રન્ટન નામનાં આવા જ એક પરદેશી પ્રવાસી વરસો પહેલાં ભારતનું દર્શન કરવા આવ્યા હતા. પોતાની ભારતયાત્રા દરમ્યાન તેમને જે સંતોના સાનિધ્યમાં આવવાનો મોકો મળ્યો. એ સંતપુરુષોનો પરિચય આપતો તેમને આ ગ્રંથ તૈયાર કર્યો : ' એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા' આ ગ્રંથનો દુનિયાની અનેક ભાષામાં અનુવાદ થયો.
વરસો પહેલાં પૉલ બ્રન્ટન નામના એક પરદેશી પ્રવાસી ભારતનું દર્શન કરવા આવ્યા હતા. ભારતના ભૂતકાલીન ગૌરવથી પ્રેરાયેલા એ પુરુષ એ ગૌરવના પ્રતીક જેવા યોગીઓ કે સંતોનો સમાગમ કરવા અને એવા સુખદ સમાગમ દ્વારા પોતાના જીવનને જ્યોતિર્મય કરવા ચાહતા હતા. એ કોઈ પૂર્વગ્રહ, અંધવિશ્વાસ કે માની લીધેલા સિદ્ધાંતો લઈને નહોતા આવ્યા. આ દેશની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અથવા યોગસાધના પ્રત્યે એમને પ્રેમ હતો. એમણે પોતાના અંતરને ખુલ્લું રાખીને આ દેશનો પ્રવાસ કર્યો. બુદ્ધિની મદદ લઈને આ દેશના સંતોને સમજવાનો પ્રયાસ કર્યો. જ્યાં એમની બુદ્ધિ એમને સમજવામાં પાછી પડી ત્યાં પણ એમણે એમનો અનાદર ના કર્યો, પરંતુ ધીરજ તથા સહાનુભૂતિથી એ સત્યની શોધમાં પ્રવૃત્ત રહ્યા.
એ વખતે ભારતમાં કેટલાય પ્રતાપી મહાપુરુષો વાસ કરતા હોવાથી, એમના સમાગમનો લાભ એમને સ્વાભાવિક રીતે જ મળી ગયો. એવા કેટલાક પરિચિત અને અપરિચિત મહાપુરુષોનો સાક્ષાત્કાર કરીને એમણે બીજાને માટે જે હેવાલ તૈયાર કર્યો એ ઓછો રસિક નહોતો. એ હેવાલ અત્યંત લોકપ્રિય થઈ પડ્યો. એમના ભારતના સંતપુરુષોનો પરિચય આપતા એ ગ્રંથ 'એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા'ની ઉપરાઉપરી અનેક આવૃત્તિઓ થઈ ગઈ ને દુનિયાની વિભિન્ન ભાષાઓમાં એના અનુવાદ થયા. એ ગ્રંથ મેં વાંચ્યો ત્યારથી જ મને થયું કે આવી સરસ લોકોપકારક સામગ્રી જો ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરીએ તો ઘણું સારું થાય. વરસો પહેલાંની મારી એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપી શકાયું તેની પાછળ ઈશ્વરની કૃપા વિના બીજું કાંઈ જ નથી.
પશ્ચિમની દુનિયામાંથી જિજ્ઞાસુ અને સંશોધનશીલ પત્રકાર પૉલ બ્રન્ટન ભારતની આધ્યાત્મિકતાની ખોજ માટે ઠેર ઠેર ઘૂમી રહ્યા હતા. એ સમયના બીજા પત્રકારોની માફક એ ભારતની ગરીબી કે ગુલામી જોતા નહોતા, પરંતુ ભારતના ભીતરમાં વસેલી જ્ઞાન અને યોગની સમૃદ્ધિને શોધતા હતા. આવા પત્રકારને શ્રી રમણ મહર્ષિનો મેળાપ થયો અને એમના ભીતરમાં કોઇ આ મેળાપ સમયે ભિન્ન અનુભૂતિ થઇ. પૉલ બ્રન્ટના ચિત્તમાં અનેક આધ્યાત્મિક સમસ્યાઓ હતી અને રમણ મહર્ષિ સાથે એકાંતમાં એ સમસ્યાઓ પ્રગટ કરવાની એમને અનુકૂળતા મળી અને એ પછી એક મહાન સંવાદનું સર્જન થયું.
પૉલ બ્રન્ટનના એ પ્રશ્નો જેટલા માર્મિક હતા, એટલા જ વાસ્તવિક હતા અને તેથી એમણે શ્રી રમણ મહર્ષિને પૂછ્યું કે, 'સત્યની ખોજ કરવા માટે સમાજને તિલાંજલિ આપીને વનમાં વસવું જરૃરી છે ? જો આમ હોય તો એમના દેશમાં આવું કરવું શક્ય નથી. કારણ કે પોતાનો વ્યવસાય છોડીને એ જઇ શકે નહી. આસપાસનાં સમાજને ત્યજી શકે નહી અને યોગીની માફક જીવી શકે નહી.'
આ સંદર્ભમાં રમણ મહર્ષિએ કહ્યું, 'કર્મનું આચરણ છોડવાની કંઇ જ જરૃર નથી. દરરોજ નિયમપૂર્વક એક-બે કલાક ધ્યાન કરીને પોતપોતાનાં કામ કરી શકાય છે. આવા પ્રકારના ધ્યાનથી બીજા કામો કરતી વખતે પણ આ વિચારધારા વહેતી રહેશે અર્થાત્ એક જ ભાવ બે રીતે પ્રકટ થશે. તાત્પર્ય એ છે કે જેવી રીતે ધ્યાનમાં લક્ષ્ય તરફ એકાગ્ર બની જાઓ છો, તેવી જ રીતે કર્મનાં આચરણમાંએ તમે એકાગ્ર બની જશો.'
આસંદર્ભમાં પૉલ બ્રન્ટને રમણ મહર્ષિની વિચારધારાને સમજવા પ્રયાસ કરતાં પૂછ્યું, 'શું એમના મતે વ્યવસાય કરતાં કરતાં પણ આવું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે ?'
ત્યારે રમણ મહર્ષિએ ભારપૂર્વક કહ્યું, 'જરૃર. કેમ મેળવી ન શકાય ? પણ એક વાત છે. એ કાર્યો કરતા રહેવા છતાં સાધક પોતાને પહેલાંની વ્યક્તિ ન સમજે, કારણ કે તેનું ક્ષુદ્ર જીવન (અહમ્) લુપ્ત થઇ જાય અને ચિત્ત વિકસીને 'તત્'માં લીન થઇ જાય, ત્યારે જ જ્ઞાાનપ્રાપ્તિ થાય છે.'
અહી પૉલ બ્રન્ટને પશ્ચિમના લોકોની વ્યસ્તતાની જિકર કરી. એમણે કહ્યું કે પશ્ચિમમાં તો માણસ એના કામમાં ખૂબ ડૂબેલો હોય છે, એની આવી વ્યસ્તતા વચ્ચે એને ધ્યાન કરવા માટે સમય ક્યાંથી મળે ?
આના ઉત્તરમાં રમણ મહર્ષિએ કહ્યું કે, 'આધ્યાત્મિક જીવનના આરંભમાં જ ધ્યાનને માટે જુદા સમયની જરૃર રહે છે. જે સાધક એ માર્ગ પર થોડો પણ આગળ વધ્યો હોય, તેને કામ હોય કે ન હોય, તો યે એના આનંદના અનુભવનો લોપ થશે નહી. હાથ ભલે દુનિયાના કામકાજમાં રોકાયેલા રહે, પણ ચિત્ત તો દુનિયાથી પર અને અલગ જ રહેશે.'
પૉલ બ્રન્ટને પૂછ્યું, 'આપ યોગમાર્ગનું પ્રતિપાદન તો કરતા નથી ને?'
મહર્ષિએ કહ્યું, 'એ માર્ગમાં જેવી રીતે ગોવાળ લાકડી બતાવીને ગાયોને વાડામાં બાંધી દે છે, તેવી રીતે સાધક જબરજસ્તીથી મનને ગમ્ય સ્થાને પહોચાડે છે. પણ હું જે માર્ગનું પ્રતિપાદન કરું છું. તેમાં ઘાસ બતાવીને ગાયને જેવી રીતે આકર્ષિત કરવામાં આવે છે, તેવી જ રીતે લાલન-પાલન કરીને સાધકના ચિત્તને ગમ્ય સ્થાને પહોંચાડી દે છે.'
પૉલ બ્રન્ટને વળતો સવાલ કરતાં એ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી કે આ ચિત્તના લાલન- પાલનની પ્રક્રિયા કઇ હોય છે ? એ કઇ રીતે કરી શકાય ?
ત્યારે રમણ મહર્ષિએ ઉત્તરમાં કહ્યું, 'પોતાને પ્રશ્ન પૂછવો કે 'હુ કોણ ?' આ રીતે પ્રશ્ન પૂછ્યા કરવાથી તમને અંતે માલૂમ પડશે કે મનની ઊંડાઇની યે નીચે એક તત્વ છુપાયેલું રહેલું છે. આ સમસ્યાનો ઉકેલ કરવાથી સઘળી સમસ્યાઓનો ઉકેલ થઇ જશે. બધા જીવો એવા નિર્ભેળ સુખની ઇચ્છાકરે છે કે જેમાં દુઃખનો અંશ પણ ન હોય. જે સુખનો અંત આવે નહી એવું સુખ બધાને જોઇએ છીએ. બેશક, આ ઇચ્છા સહજ છે, પણ તમને કદી પ્રતીત થયું છે ખરું કે બધા પોતાની જાત પર સૌથી વધારે પ્રેમ રાખે છે ?'
એ વાત વધુ સ્ફૂટ કરતાં મહર્ષિ બોલ્યા, 'આ વાત સારી પેઠે જાણી લેવી ઘટે કે તમામ વ્યક્તિ પોતાના આનંદ માટે કોઇને કોઇ પ્રકારે જાણ્યે કે અજાણ્યે કોશિશ કરતા રહે છે. કોઇ દારૃ પીને એ આનંદની મોજ લૂંટવા ચાહે છે, તો વળી કોઇ ઉત્તમ માર્ગનું અવલંબન કરે છે, પરંતુ મુદ્દો એક જ છે કે સૌ કોઇ એ આનંદ માટે તપસ્યા કરી રહ્યા છે. આટલું સમજી જશો તો મનુષ્યનો સાચો સ્વભાવ સમજવામાં વાર નહી લાગે.
શ્રી રમણ મહર્ષિની વાત પૉલ બ્રન્ટનને સમજાઇ નહી એટલે એમણે નિખાલસતાથી સ્વીકાર કર્યો કે આપ કહો છો તે હું સમજી શકતો નથી, ત્યારે રમણ મહર્ષિએ ગંભીર બનીને કહ્યું, 'જુઓ, આનંદ જ મનુષ્યોનો સાચોસાચો અને સહજ સ્વભાવ છે. ખરું જોતા આનંદની ઉત્પત્તિ આત્મામાંથી થાય છે. આનંદની શોધનો સાચો અર્થ નહી જાણવા છતાં યે તેની શોધ કરવામાં બધા મનુષ્યો આત્માની જ શોધ કરી રહ્યા છે. આત્મા અવિનાશી છે, તેથી આત્માની ઉપલબ્ધિ થઇ જતાં પારાવાર આનંદનો અનુભવ થાય છે.'
'જો જગતમાં સહુ કોઇ આનંદની જ ખોજ કરતાં હોય તો પછી આ વિશ્વમાં ચોપાસ દુઃખ કેમ નજરે પડે છે ?' એવા પૉલ બ્રન્ટના પ્રશ્નના ઉત્તર રૃપે મહર્ષિએ કહ્યું, 'માણસ પોતાનું સ્વરૃપ ઓળખતો નથી. એ કારણથી દુઃખી લાગે છે. આમ છતાંયે એ હકીકત છે કે દરેક વ્યક્તિ એ સ્વરૃપની જ ખોજ કરી રહી છે.'
'સ્વરૃપની શોધ' જેવા શબ્દો સાંભળ્યા પછી બ્રન્ટનને એમ થાય છે કે 'શું જગતમાં બધા જ આનંદ શોધે છે અને એ માર્ગે થઇને સ્વરૃપની ખોજ કરે છે, પણ આ જગતમાં ઘણા લુચ્ચા અને બદમાશ લોકો હોય છે, એ પણ સ્વરૃપની ખોજ કરતા હશે ?'
પૉલ બ્રન્ટનના આવા તર્કનો રમણ મહર્ષિ માર્મિક ઉત્તર આપે છે, 'આવા લોકો પણ પોતાના પાપાચરણમાંથી સ્વાનંદ મેળવવાની ઇચ્છા રાખે છે. આવી ઇચ્છા મનુષ્યને માટે ખૂબ જ સ્વાભાવિક છે, પણ એ લોકોને ખબર હોતી નથી કે તેઓ પોતાના સાચા સ્વરૃપની ખોજ કરી રહ્યા છે. આનું પરિણામ એ આવે છે કે તેઓ આનંદ મેળવવાના સાધન તરીકે ખરાબ માર્ગનું અવલંબન કરે છે. એ માર્ગ જરૃર ખોટો છે, એટલે દરેકને પોતે કરેલાનું ફળ ભોગવવું જ પડે છે. બાકી જે નિજરૃપને ઓળખે છે. તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય.'
આ સમયે પોલ બ્રન્ટનને પારાવાર આશ્ચર્ય એ થયુ કે મહર્ષિની વાણી તદ્દન સરળ અને સુગમ હતી, છતાં તેનો અર્થ ઘણો ગંભીર હતો. તેઓ કોઇ તર્કવાદીની રીતે દલીલો દ્વારા પોતાના પક્ષનું સમર્થન કરી રહ્યા ન હતા, પણ સ્વાનુભવમાંથી આવી મહાન વાણી પ્રગટ થઇ રહી હતી.
હવે પોલ બ્રન્ટન મહર્ષિને મહત્વનો પ્રશ્ન પૂછે છે કે ભારતીય તત્ત્વજ્ઞાાન 'અહમ્' ને દૂર કરવાનું કહે છે, એ 'અહમ્'ને કારણે જ સોહમનો અવાજ સંભળાતો નથી, ત્યારે ખરેખર આ અહમનું સ્વરૃપ શું છે ? શું મનુષ્યની ભીતરમાં કોઇ બીજી એક વ્યક્તિ વસે છે ? કે પછી એક માનવી બે રૃપ ધરાવે છે ?
રમણ મહર્ષિએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, 'એક માનવીમાં બે વ્યક્તિત્વ અથવા બે રૃપ હોય છે કે નહી તે જાણવા માટે આત્મવિવેકની આવશ્યકતા છે. અત્યાર સુધી આપણે બીજાના વિચારોથી જ આપણા સ્વભાવનો નિર્ણય કરતા આવ્યા છીએ. અન્યનો આપણા વિશે જે મત હોય, તે જ મતને આપણે માનીએ છીએ. 'અહં'નો અર્થ શરીર છે કે મગજ, એનો વિચાર કોઇ જ કરતું નથી. આ ચીજ માણસોના દિલમાં ઊંડા મૂળ ઘાલીને બેઠી છે. આ જ કારણે મેં તમને પહેલેથી જ 'હું કોણ ?'ની વિચારણા સારી પેઠે કરવાનું કહ્યું હતું. તમે આત્માનું સ્વરૃપ એટલે કે 'અહં'નું વર્ણન જાણવાની ઇચ્છા પ્રકટ કરી, પણ તેનું વર્ણન શી રીતે થઇ શકે ? જેના વડે 'હું'ની સત્તાની અથવા અહંકારથી ભરેલી ભિન્ન વ્યક્તિની સત્તાની ભાવના ચાલી જાય અને જેમાં તે વિલિન થઇ જાય, તેનું જ નામ 'અહમ્' છે. મનુષ્યની પહેલી માનસિક વૃત્તિ 'અહમ્' એ બધી ભાવનાઓમાં સર્વ પ્રથમ છે. જ્યાં સુધી 'અહમ્'ની ભાવના ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી બીજી કોઈ ભાવના જાગી શકે નહી. પહેલાં પુરુષ સર્વનામ 'હુ'થી ભાવના ઊઠયા પછી જ તમને બીજા પુરુષ 'તમે'નું જ્ઞાાન થાય છે. આ અહંવૃત્તિનું અવલંબન કરીને તેના મૂળની ખોજ ચલાવશો. તો સ્પષ્ટ જણાશે કે જેવી રીતે ઉત્પન્ન થનારી વૃત્તિઓમાં અહંવૃત્તિ સર્વથી પહેલી છે, તેવી જ રીતે વિલીન થનારી વૃત્તિઓમાં તે છેલ્લી છે. આ વાત અનુભવથી સમજી શકાય છે. જ્યાં સુધી અહંભાવ નષ્ટ થાય નહી ત્યાં સુધી મનોલય પણ થતો નથી. માટે મન દ્વારા જ આત્મવિચાર કરી શકાય છે.
આ રીતે રમણ મહર્ષિએ પૉલ બ્રન્ટનની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષી. પૉલ બ્રન્ટનને માટે આ અવિસ્મરણીય આધ્યાત્મિક અવસર બની રહ્યો.
|