કચ્છની આગવી ભાત, આગવી બોલી, આગવી સંસ્કૃતિ આગવો મીજાજ તાદ્રશ કરતુ પુસ્તક ‘કચ્છની ખુશ્બૂ'
આસમાની - સુલતાની અનેક આફતોનો સામનો કરીને ખડતલ બનેલી કચ્છની ભૂમિ રત્નગર્ભા વીરભૂમિ છે : દુલેરાય કારાણીઃ કચ્છનો વતની નથી પરંતુ કચ્છ સાથે મારો સીધો અને પરોક્ષ સબંધ રહ્યો છે... કચ્છ વિશે લખવામાં મને હંમેશા આનંદ થયો છે : દેવેન્દ્ર પટેલ
કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા...કચ્છ શબ્દ સાંભળતા જ નજર સામે પ્રથમ તો વેરાન-અફાટ રણ, ઘોર-બાવળીયા-ઝાંખરા, ગુજરાતનો ભાગ હોવા છતા ગુજરાતીઓથી તદ્દન ભિન્ન બોલી, પોશાક, રીત-રીવાજ, સંસ્કૃતિ ધરાવનાર પ્રદેશ તાદ્દશ્ય થાય. પાકિસ્તાન જેવા પડોશી સાથે જમીન-જળસીમાએ જોડાયેલુ હોવાથી અવારનવાર સમાચારમાં રહેતુ છતા હાડમારીઓ અને અલ્પવિકાસને કારણે પ્રવાસીઓને આકર્ષી ન શકતુ કચ્છ હવે અમિતાભ બચ્ચનના ગૌરવપૂર્ણ શબ્દો... કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા... સફેદ રણ, કાળો ડુંગર, રંગબેરંગી ભાતીગળ સંસ્કૃતિ, કલા કારીગીરી, ઉંટની સવારી.. ઐતિહાસિક સ્થાપત્યો... કભી તો પધારીએ... એવુ લાગે કે પૃથ્વીનું સ્વર્ગ પહેલા ‘કાશ્મીર' હતુ હવે ‘કચ્છ' થઈ ગયું... વળી, મુખ્યમંત્રી બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીની વિશેષ કૃપાદ્રષ્ટિથી વિકસીત થયેલા વેપાર-રોજગાર, વિશાળ રસ્તાઓ, આધુનિક બંદરો થકી થયેલી કાયાપલટ એ જ અનુભવી શકે જેણે કચ્છ સાથે કાયમી સંપર્ક રહ્યો હોય. આધુનિકતાનો સ્પર્શ કચ્છની કાયાને પલ્ટી રહ્યો હોવા છતા તેનો પ્રાચીન વારસો અકબંધ છે એ જ છે ખુશ્બુ કચ્છની... ખુશ્બુ ગુજરાતની!
કચ્છ શું છે તે કોઇ કચ્છ સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલ વ્યકિતની આંખોમાં ‘કચ્છ', ‘અસાંજો કચ્છ', ‘મુંજો કચ્છ' એવા શબ્દો બોલતાં જ જે ભાવ ઉતરી આવે તે સમજી શકે તેને જ સમજાય કે કચ્છ એટલે અતુલનીય બેજોડ અવ્યાખ્યાયિત અનુભૂતિ તેથી જ કચ્છ પર જાણ્યા અજાણ્યા, સ્થાનિક -પરદેશી અનેક લેખકોએ પુસ્તકો લખ્યાં છે. ચિત્રકારોએ ‘ચિત્રો'માં કચ્છને કંડાયું છે. ‘કચ્છની ખૂશ્બુ' આવું જ એક કચ્છ પ્રેમી લેખક દ્વારા લખાયેલું પુસ્તક છે. લેખક શ્રી દેવેન્દ્ર પટેલને ‘સંદેશ' દૈનિકની કચ્છ આવૃત્તિની શરૂઆત વખતે કચ્છ વિશે ‘કંઇક' લખવાનું આમંત્રણ મળ્યું તે લેખોનું પુસ્તક સ્વરૂપે અવતરણ એટલે ‘કચ્છની ખૂશ્બુ' લેખક પોતાની આગવી શૈલી જેને લોકરૂચિ એવું નામ આપે છે. તેમાં કચ્છને વધુ ખુશ્બુદાર-ખૂબ સુરત બનાવી પેશ કર્યુ છે. તેઓ ‘પદ્મશ્રી એવોર્ડ' વિનેતા છે.
‘કચ્છડો બારે માસ' દુહામાં આદિકાળથી ગવાય છે તે તો કોઇપણ ઋતુમાં અલગ-અલગ રીતે ખીલી ઉઠતુ કચ્છ જોયું હોય તેને જ સમજાય.. જેવી આગવી સંસ્કૃતિ -તેવો જ આગવો મિજાજ અને તેવી જ આગવી આબોહવા લેખકશ્રી કચ્છના વતની નથી, તેમનો કચ્છ સાથે પરોક્ષ-આડકતરો સંબંધ પણ પુસ્તકમાં કચ્છ પ્રત્યે આટલો પ્રેમ-ગૌરવ છલકાવતું હોય તો આ પરિચય લખનારનો તો કચ્છ સાથે નાળનો સંબંધ છે! તેથી જે કંઇ શબ્દો આ કલમે લખાશે તે શાહીથી નહિ, માતૃભુમીની મમતાથી રચાયેલા મહેસુસ થશે.
પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખક કચ્છને ગુજરાતનો શિરમોર ગુજરાતની શોભા, ગુજરાતના માથાનો મુગટ-અલંકાર ગણાવે છે. ભલે સુક્કીભઠ્ઠ જમીન, રણનો ખારોપાટ, વર્ષારાણીની ઓછી મહેર છતાં કચ્છી પ્રજા ખુબ મહેનતકશ અને માયાળુ છે. ભૂકંપોએ કચ્છને અવાર નવાર ધ્રુજાવ્યું છે. તેની પ્રાકૃતિક સંરચના જ બદલી નાખી છે. કુટુંબો વેરવિખેર કરી નાખ્યા છતાં આ પ્રજા વધુને વધુ મજબુત બની બહાર આવી છે. ૧પ૦૦૦ ચોરસ માઇલના આ પ્રદેશને ચોમાસુ બેટ બનાવી દે છે. એક જમાનામાં લોકો પૈસા કમાવા કચ્છ છોડી બહાર જતાં પરંતુ હવે કચ્છ પોતે જ આર્થિક ઉપાર્જનનો પ્રદેશ બની ગયો છે. કુલ ૩૦ પ્રકરણોમાં કચ્છનું પોરાણીક, આધ્યાત્મીક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યક અને સામાજીક વર્ણન આલેખ્યું છે. જેમાંની દરેક રચના, ચિત્રો સુંદર અને આકર્ષક છે. બ્રહ્માજી ગાય બનીને કચ્છમાં પધાર્યા હતાથી લઇ લઇ કોટેશ્વર મહાદેવનો રસપ્રદ ઇતિહાસ પરદેશી મુસાફરો-સંશોધકોની નોંધપોથીમાં કચ્છનો ઉલ્લેખ તેના પૌરાણીક અસ્તિત્વની સાક્ષી પુરે છે. કચ્છનું નામ પહેલા ‘આનર્ત' ‘અનંત દેશ' હતું.
મહાભારતના યુધ્ધમાં પાંડવોના સારથી બનનાર શ્રીકૃષ્ણ અહીં પાંડવો માટે યૌધ્ધા બની લડયા હતા અને તે સમયથી અહી યાદવોની સતા સ્થપાયેલી જે ખુબ લાંબો સમય ચાલેલી. યાદવાસ્થળી વખતે પરદેશમાં (મીસર-ઇજીપ્ત) હોવાથી બચી જનાર યાદવ ઉષ્ણીક (સાંબનો પુત્ર-કૃષ્ણનો પૌત્ર) કચ્છ અને મિસર બેઉ સ્થળે સતા સ્થાપી હતી. ભારતભરમાંથી હજારો યાત્રા સંઘો જેના પગપાળા દર્શને જઇ ધન્યતા અનુભવે છે તે મા મઢવાળી આશાપુરાના પ્રાગટય અને યાત્રાધામના વિકાસનો અને સંબંધીત રાજય વંશોના ઇતિહાસનું આલેખન છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ઉપરાંત અહી ગેડીવાવ નીચે ઉત્ખનન થાય તો વિશાળ પૌરાણીક શહેર દટાયું હોવાના પુરાવા મળી શકે તેમ છે.
હોથલ પદ્મીની- હોથલ પદમણી, નામે પ્રસિધ્ધ રૂપાંગનાના પિતાની વ્યથાનો બદલો લેવા પુરૂષ વેશે ધલુરાના પાદશાહ સાથે વેર વાળવા જાય છે ત્યારે એ જ યુધ્ધમાં સાથ આપનાર ઓઢા જામ સાથે જીવનભરના સંગાથમાં પરીણમનાર પ્રેમકહાણી અને બહારવટીયો જેસલ જે ચોરવા ગયો હતો ‘તોરી' ઘોડી અને દાનમાં લઇ આવ્યો તોરી (તોરલ) રાણી. એ તોરલ જે જેસલ પાસે તેના પાપોનું પ્રાયヘીત કરાવે છે. એ તોરલ જે જેસલ સાથે રહેવા છતા પોતાનું સતીત્વ જાળવે છે અને તેના ખાતર જ બલીદાન આપે છે તે બન્ને દાસ્તાનો ખુબ રસપ્રદ રીતે આલેખાઇ છે.
રત્નધરા કચ્છ તેના વીરલાઓની વીરતાથી મહેકે છે. તો તેના નારીરત્નોની ચમક પણ કમ નથી. કચ્છના પાટનગર સમા ભુજની સ્થાપના પાછળ એક લોકકથા છે જે અનુસાર ભુજની સ્થાપના સવંત ૧૬૦પ માગશીર્ષ-૩ને શુક્રવારે કરવામાં આવી અને ખીલીનું મુહુર્ત કરવામાં આવ્યું જે આજે પણ હયાત છે. સગઇ સંઘાર નામની રાજુકુમારી જે કચ્છની ઉતરે આવેલા પચ્છમ્બેરમાં શાસન કરતી હતી તેને નાગ જાતી સાથે વેર હતું અને તે જેને હરાવી નહોતી શકી તેવા ભુજંગ નામના કુંવરના નામ પરથી ભુજ શહેર અને ભુજીયો ડુંગર નામ પડયું હોવાના ઉલ્લેખ જોવા મળે છે. નાનપણથી દરીયો ખેલવાનો શોખીન રામસિંહ માલમ વહાણ મધદરીયે ભાંગી પડતા યુરોપ પહોંચી ગયો જયાં ૧૮ વર્ષ રહયા બાદ ઘડીયાળ બનાવવાનું અને મીનાકારીનું હુન્નર લઇ ૩૦ વર્ષની વયે કચ્છમાં માંડવીમાં રાજયાશ્રયે રહયો અને કચ્છના અનેક કારીગરોને મીનાકારી શીખવી. રામસિંહની કળાના શ્રેષ્ઠ નમુનામાં ‘આયના મહેલ' તેની હુન્નરકળાનો બેમીસાલ નમુનો છે. રાજાએ રામસિંહને ફરી બે વાર કાચ અને લોઢાની કામગીરી શીખવા યુરોપ મોકલ્યો. તેણે પાછા ફરી માંડવી નજીક કાચ, લાદી અને ઘડીયાળો બનાવવાના કારખાના સ્થાપ્યા. કહેવાય છે કે આયના મહેલની અવનવી રચનામાં એ વખતના કચ્છી ચલણ આઠ લાખ કોરીનું ખર્ચ થયું હતું!
કચ્છના નવા શાસનયુગનો પાયો રાવ ખેંગારજીએ નાખ્યો હતો. તેઓ કચ્છની પ્રજાકીય તાકાત અને તાસીરના પ્રતીક હતા. તેના અવસાન બાદ વારસદાર રા'ભારમલે મોગલ બાદશાહ જહાંગીરને મહેમાન નવાજીથી એવા ખુશ કરેલા કે બાદશાહે કચ્છને ખંડણી આપવામાંથી મુકિત આપેલી અને કચ્છના પોતાના સ્વતંત્ર ચલણ માટેના સિક્કા, કોડી, પાંચીયા, આધિયા, પાયલા, ઢબુ, ઢીંગલા, દોકડા અને તાંબીયા છાપવાની પરવાનગી આપી હતી અને રા'ભારમલજીનું ચિત્ર પણ તૈયાર કરાવેલું જે આજે પણ બર્લીનની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. તો એ જ રીતે કચ્છના મહારાવ ખેંગારજીના વ્યકિત્વ, વાકછટા અને અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વથી ખુશ થઇ ‘કૈસરે હિંદ' નું પદધારણ કરવા દિલ્હી પધારેલા મહારાણી વિકટોરીયાએ ખેંગારજીનું ખાસ પોટ્રેટ તૈયાર કરાવેલુ જે હાલ ઇંગ્લેન્ડની ઓસબોર્ન ગેલેરીમાં મોજુદ છે.
આઝાદી બાદ માંડવીથી મુંબઇ અને ઓખા બંદર વચ્ચે વહાણોની અવરજવર વધી, આશરે ૩૦૦૦ બંદરો વર્ષે માંડવી બંદરે આવતા અને વહાણો બાંધવાનું કામ પણ ગોદીમાં ચાલતુ છતાં કરાંચી બંદર આઝાદી બાદ પાકિસ્તાનમાં જતા સરદાર પટેલ સાહેબનું સ્વપ્ન કંડલા બંદરને વિકસાવવાનું હતુ. જે આજે સાકાર થયેલ છ. કંડલા મુંબઇ કરતા પણ વધુ વિકસિત એવુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બંદર આજે બની ગયુ છે તેના અનુસંધાને વસેલુ ગાંધીધામ અત્યંત આધુનિક બની રહ્યુ છે. આ કંડલા બંદરના વિકાસની શરૂઆતનો યશ શ્રી ખેંગારજી ત્રીજાના ફાળે જાય છે.
કચ્છના રાવ ખેંગારજીના આમંત્રણને માન આપી જે જૈન સાધુ અને શ્રાવકો કચ્છ આવીને સુથરી, નલિયા,જખૌ વગેરે ગામોમાં વસ્યા આ કચ્છી ઓસવાળ મહાજનોમાંથી કેટલાક પાછળથી મુંબઇ વસ્યા અને ખુબ શ્રીમંત બન્યા છે. જેમાના ખેતશી, ખીંઅસી ધુલા ૧૩ વર્ષની વયે કોઇ ભેગા મુંબઇ ગયેલા અને જાત આવડતથી કોટન કિંગ અને અન્ય ક્ષેત્રોમાં સફળ ઉદ્યોગપતિ બની ગયેલા. તેમણે ૧૯પર, પ૬ અને ૭૮ના ભીષણ દુષ્કાળ વખતે કોઇપણ જાતના ભેદભાવ વિના એ જમાનામાં ત્રણ લાખ રૂપિયાની મદદ કરેલી. (ટાંચણીના ટોપકા જેવો બની ગયેલો આજનો રૂપિયો નહિ પણ ત્યારનો ગાડાના પૈડા જેવો ગણાતો રૂપિયો) આ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં તેમણે લાખોનું દાન કરેલુ અને એવા અનેક નાના-મોટા દાનેશ્વરીનું કચ્છમાં યોગદાન ડગલે-પગલે જોવા મળે છે. જેનુ એક સ્વતંત્ર પ્રકરણ પુસ્તકમાં આલેખ્યુ છે.
કચ્છના ‘મેઘાણી' ગણના પામનાર સાહિત્યકાર શ્રી દુલેગારાય કારાણી જેમની કચ્છની કલાધાર પુસ્તકની છ-છ આવૃતિઓ થયેલી. તેમના વિશે અનેક સાહિત્યકારોના દ્રષ્ટિકોણને એક સ્વતંત્ર પ્રકરણમાં લેખકે આવરી લીધો છે. કચ્છ રાજયના દિવાનશ્રી નંદશંકર નાગરે કચ્છ ગુજરાતી ભાષાને સૌથી પહેલી નવલ કથા ‘કરણઘેલો' આપી છે. આ નાગરો શિક્ષણનું ઉચ્ચપ્રમાણ ધરાવનાર, શુધ્ધવાણી બોલનાર શિષ્ટ અને સંસ્કૃત બ્રાહ્મણોના આગમન અને વસવાટ તથા કચ્છ માટે પ્રદાનને ઉપરાંત કચ્છના પાટીદારો જે ખુબ ઉધમી અને ખમીરવંતી કોમ છે તેના કચ્છના વિવિધ પ્રદેશમાં વસવાટનું બે પ્રકરણોમાં વિસ્તૃત અને રસપ્રદ વર્ણન કરેલ છે.
આઝાદી કાળ અને ત્યારબાદ કચ્છે ગુજરાત અને ભારતને આપેલા નેતાઓ વચ્ચે પરદેશમાં રહી ભારત માટે ક્રા૦છત કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા (જેમનું અદ્દભુત સ્મારક આજે જોવાલાયક સ્થળ બન્યુ છે) તથા કચ્છની નારીના પ્રતિકસમા જેઠીબાઇ જેણે દિવમાં વણાટ-રંગાટનું કારખાનુ ચલાવતા-ચલાવતા પરદેશી ફિરંગી (પોર્ટુગીજ) શાસનમાં ખ્રિસ્તી પાદરીઓનો ધર્મ પરિવર્તનના વટાળપણાનો અન્યાય સહન ન થતા સ્વયં પોર્ટુગલ પહોંચી ગયા. અને ત્યાંની રાણીને પ્રજાની કરૂણાના દર્શન કરાવતી ઓઢણી ભેટ આપી વટાળપ્રવૃતિ બંધ કરવાનું હુકમનામુ અને ‘પાન-દ-જેઠી'નું સન્માન મેળવ્યુ હતુ.
ભગવાન શ્રી સ્વામીનારાયણ તરીકે ઓળખાનાર શ્રી સહજાનંદ સ્વામીનો કચ્છ સાથે અનેરો સંબંધ છે. તેમના મંદિર અને પંથ અંગેનું પ્રકરણ કચ્છના પાટીદારોની આફ્રિકા સફર-વિવિધ સ્થળોએ સમાજની સ્થાપના અને આફ્રિકામાં વસવાટ અને વિકાસની ગાથાનું પ્રકરણ, જયારે ગાંધીજી, ખુદ એક કચ્છી જૈનને ગાંધીજી સ્વયં મળવા ગયેલા અને તેને આઝાદીના રંગેરંગી નાખેલા તેવા મહેશ્વરીજીનું પ્રકરણ, કચ્છના ચલણના હોય કે કચ્છી જીવનના વિવિધ પાસાને દર્શાવતા ફોટોગ્રાફસ બધુ ખુબ જ રસપ્રદ બની રહે છે. ‘કચ્છની ખુશ્બુ'એ કચ્છનો વિવિધ સમયકાળમાં પ્રવસનો અનુભવ કરાવતુ પુસ્તક છે. જેમાં કચ્છમાં અને કચ્છ બહાર વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર નામ રોશન કરનાર કચ્છીઓ વિશે અદ્દભુત જાણકારી મળી રહે છે.
Courtsey : પરેશ રાજગોર
http://www.akilanews.com/07102013/other-section/paresh-rajgor/
|