જીવન અને ધર્મ
ભાણદેવ
Jeevan Ane Dharma By Bhaandev
સમુદ્રમંથનમાંથી ઝેર નીકળ્યું. મહાદેવ સિવાય કોનું ગજું હતું ઝેર ધારણ કરવાનું શિવજી, તો આશુતોષ કંઠમાં ધારણ કર્યું, પણ હળાહળ કાતિલે ભગવાનને પણ ન છોડ્યાં. શરીરમાં દાહ ઊપડ્યો. દેવો કે દાનવો શિવજી પાસે કૃપાયાચના કરવા જાય. શિવજી કોની પાસે જાય? શિવજીએ ઉપાય કર્યો. એમણે ચંદ્રમા મસ્તક પર ધર્યો. ચંદ્રમાંથી નિરંતર અમૃત ઝરે છે.
શિવજીની ધારણા હતી દાહનું શમન થશે પણ એવું ન બન્યું. કંઠમાં વિષધર ધારણ કર્યો. ઝેરી નાગ વિષને ચાટી જશે.
એમ પણ ન બન્યું.શંકર ભગવાને મસ્તક પર ગંગાજી ધારણ કર્યાં. શીતળ જળથી પણ શાતા ન થઈ. મહાદેવ વારાણસી વસતા હતા તે બર્ફીલા પહાડો વચ્ચે કૈલાસ વસ્યા, પણ શરીરનો દાહ શાંત ન થયો.
આખરે પાર્વતીજીથી ન રહેવાયું, એમણે કહ્યું, આપની અર્ધાંગના હોવાથી મારા અડધા શરીરમાં પણ બળતરા થાય છે. ઉપાય આપની પાસે જ છે. શંકર ભગવાને સમાધિ લગાવી. નાભિમાંથી ઉત્પન્ન થયેલો નાદ કંઠ દ્વારા પ્રગટ થયો એ જ ક્ષણે શરીરનો દાહ શમી ગયો.
નાભિમાંથી ઉત્પન્ન થયેલો નાદ હતો, રામ! રામ! રામ!
તનમનનાં દાહ, સંસારાગ્નિના શમન માટે રામનામ અક્સીર ઔષધ છે.
શ્રી ભાણદેવ અધ્યાત્મપુરુષ છે, પણ એમનું અધ્યાત્મ જીવનલક્ષી છે. જીવન જીવવાની જડીબુટ્ટી જેવા આવા નાના રસપ્રદ લેખોનું આ પુસ્તક સંસાર અને સાધના માર્ગે જતી વ્યક્તિને સરસ પાથેય પૂરું પાડે છે. ભાણદેવની ઓળખ શિક્ષક તરીકેની છે અને સંતરૂપે પણ એમનો આદર કરવામાં આવે છે. એમનું ચિંતન એકાંગી નથી, શુષ્ક અધ્યાત્મ પણ નથી. જીવનનાં વિવિધ સ્વરૂપોને સમજવાની એમાં મથામણ છે. ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, ચારિત્ર્યઘડતર, સંસ્કૃતિ, પ્રવાસ અને મનોવિજ્ઞાનને પણ તેઓ સ્પર્શે છે તે અર્થમાં તેઓ મોર્ડન મેનેજમેન્ટ ગુરુ પણ છે.
અહીં ર૦ લેખોના સંપુટમાં ગંભીર ચિંતનના વિષયો અને પુરાણકથાઓ રસપ્રદ રીતે કહેવાઈ છે. ભાષા શિષ્ટ, લખાણોમાં તર્કબબદ્ધતા અને વેદ ઉપનિષદના જ્ઞાનની મહોર છે. પુસ્તક મમળાવીને વાંચવા જેવું છે.
સાભાર : વર્ષા અડાલજા
http://www.bombaysamachar.com/
શ્રી ભાણદેવજીના અન્ય પુસ્તકો માટે અહી ક્લિક કરો
|