યુવા પેઢી ઇતિહાસને રસપૂર્વક પોતાની રીતે વિચારતી થાય તેવા હેતુથી લખાયેલુ પુસ્તક ‘ગાંધી, સુભાષ, સરદાર'
ભારતના અણ ઉકેલ્યા અને વણઉકેલ્યા પ્રશ્નોની વિસ્તૃત છણાવટ અહિંસાના પૂજારીનો આવો હિંસક અંત શા માટે ? જે પ્રશ્નો સમય-સમય પ્રમાણે ઉકેલાતા નથી તે વિકરાળ બની જાય છે
ઇતિઃ+આસ = આમ જ બન્યું હતું. ઇતિહાસ, જયાં ગઇકાલના સમાચાર પ્રજામાં વાસી બની જતાં હોય, કોઇ સંવેદના કે રોમાંચકતા ન જગવી શકતાં હોય તેવા આ ‘ફાસ્ટ' યુગમાં પણ વિદ્યાર્થીઓમાં મોટા ભાગે અણગમતો રહેલો આ વિષય કેમ ભણવો પડે છે? દાટયા મડદા ઉખેડયે શું વળવાનું છે? એવો પ્રશ્ન ઇતિહાસ જેને મન અણમાનીતો છે તેવા વિશાળ વિદ્યાર્થી - યુવા પેઢીને સ્વેચ્છાએ આ વિષયથી છૂટકારો ન મેળવી શકે ત્યાં સુધી થાય છે. માનવ સ્વભાવની આ વિચિત્રતા છે કે ભાવિના ગર્ભમાં શું સમાયેલું છે તે જાણવામાં બધાને રસ છે પણ જે બની ચૂકયું અને જેના ફળ આજે પાકયા છે તેના મુળ ફંફોસવામાં અને તેના પરથી ‘ધડો' લેવામાં કોઇને રસ નથી....!
વર્ષમાં બે વાર આ એક અબજ ઉપરની જનતાના ર૦ ટકા જેટલા લોકોની દેશભકિત સવારે રેડીયો - ટીવી - છાપાના પાને આઝાદી દિન અને પ્રજાસતાક દિનની વાર્તા સાંભળી એકાએક જાગી ઉઠે છે અને કલાક બે કલાકમાં વિરમી જઇ બધુ રાબેતા મુજબ થઇ જાય છે પરિણામે રહી જાય છે અણઉકેલ્યા, વણઉકેલ્યા કે કદી ન ઉકેલાય તેવા પ્રશ્નોની ભરમાર. જે પ્રજાને પોતાના પ્રશ્નોના ‘જડમૂળ'ને જાણવામાં રસ ન હોય તેનામાં આ પ્રશ્નોને ઉકેલવાની આવડત કયાંથી આવશે? કેટલાક પારકી છઠ્ઠીના જાગતલો આ અંગે સંશોધનો અને વિચારો દ્વારા પ્રજાને ઢંઢોળતા લેખો, પુસ્તકો વર્ષોની મહેનત કરી લખતા રહે છે. પણ ફરી પાછું એ જ પ્રશ્નાર્થ ચિહન કે રસ કોને છે? પરંતુ જે પ્રજા પોતાના ઇતિહાસમાંથી કંઇ શીખતી નથી તેનું કોઇ ઉજ્જવળ ભવિષ્ય હોતું નથી.
આવા જ એક સંશોધક, રાજકીય વિશ્લેષક શ્રી વિષ્ણુ પંડયા કે જેઓના રાજકારણ, સાહિત્ય, કવિતા, નવલકથા, પ્રવાસ, પત્રકારત્વ જેવા વિષયો પર ૬૩ જેટલા પુસ્તકો પ્રગટ થઇ ચુકયા છે. જેઓ રાષ્ટ્રીય વિચારધારાને વરેલા સામયિક ‘સાધનો' ના તંત્રી રહી ચૂકયા છે. ઇન્દિરા ગાંધીએ જયારે દેશમાં આંતરિક ‘કટોકટી' લાદી ત્યારે તેઓ પ્રિસેન્સરશીપ સામેના સંઘર્ષના કારણે ‘મીસા' હેઠળ જેલમાં ગયેલા અને બહાર આવ્યા બાદ તેઓએ પોતાના એ અનુભવોને ‘મિસાવાસ્યમ્' નામ હેઠળ આલેખેલા તે આજે પણ ‘કટોકટી' અંગે જાણવા માંગનારાઓ માટે સંદર્ભગ્રંથ સમાન છે, તેમના પત્રકારત્વ અંગેના પુસ્તકો ગુજરાતની યુનિવર્સિટીઝમાં અભ્યાસક્રમમાં સામેલ હોય જ છે. તેઓની રાજકીય વિચક્ષણતાને જોઇ ૧૯૯૭માં શંકરસિંહ વાઘેલાએ તેઓને ગુજરાત સરકારમાં અમલીકરણ સમિતિના ચેરમેન બનાવેલા.
પૂર્વોત્તર ભારત, ઇશાન ભારત ઉપર ગુજરાતીમાં ભાગ્યે જ કંઇક લખાય છે. વિષ્ણુભાઇએ આ ‘સેવનસિસ્ટર્સ' પર ત્રણ અભ્યાસપૂર્ણ ગ્રંથ રચ્યા છે. ‘‘પૂર્વોતર ભારત-ભારેલો અગ્નિ'', ‘‘આસામ અને ઇશાન ભારત'', ‘‘અલગાંવની આંધી'' આ ઉપરાંત હમણાં ‘‘આહ આસામ ‘‘પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ હોય કે પૂર્વોત્તર રાજયોના સળગતાં પ્રશ્નો-આ વિષવૃક્ષોના મુળ હંમેશા ઇતિહાસના પેટમાંથી પ્રગટેલા જ હશે અને ‘આઝાદી' એ ભારતનો નવો જન્મ ગણીએ તો માત્ર ૬૦ વર્ષ જ જુના છે. તાજેતરમાં ‘નવભારત', સાહિત્યમંદિર અમદાવાદ દ્વારા પ્રગટ શ્રી વિષ્ણુપંડયાનું ડો. આરતી પંડયા દ્વારા સંપાદિત ‘‘ગાંધી, સુભાષ, સરદાર'' એક વધુ માર્ગદર્શક ગ્રંથ બની રહે તેવું છે. યુવાપેઢી રસપૂર્વક ઇતિહાસને પોતાની રીતે વિચારતી થાય આ ત્રણ સમકાલીન મહાપુરૂષો અને તેના કર્તૃત્વનાં વિવિધ પાસાઓથી જ્ઞાત થઇ શકે તે માટે લેખકે પુષ્કળ સંદર્ભગ્રંથોના આધાર લઇ પાઠય પુસ્તકમાં ભણેલા ઇતિહાસથી કંઇક અનોખી અને અજાણ માહિતી પુરી પાડી છે. લેખકે ડો. રફીક ઝકરીયાનું ‘ધ પ્રાઇસ ઓફ પાકિસ્તાન', લેરી કોલિન્સ દોમિનિક લેપિયરનું ‘ફ્રિડમ એટ મિડનાઇટ', પ્યારેલાલનું ‘ધ લાસ્ટ ફેઇસ', લિયોનાર્દ મોસ્લેનું ‘ધ લાસ્ટ ડેઇઝ ઓફ ધ બ્રિટીશ રાજ', અબ્દુલ કલામ આઝાદ લિખિત ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ', રામ મનોહર લોહિયા લિખિત ‘ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાકિસ્તાન', ‘ભારત વિભાજન કે ગુનેહગાર' નથુરામ ગોડસેને ગાંધી હત્યા બદલ ફાંસીની સજા સંભળાવનાર જસ્ટિસ ખોસલા લિખિત ‘ધ મર્ડર ઓફ ધ મહાત્મા ગાંધી' સમર ગુહાનું ‘નેતાજી ડેડ ઓર અલાઇવ', અનુજ ધરનું ‘બેક ટુ ડેથ' જસ્ટિસ મુખરજીનું નેતાજી-અવસાનની તપાસનું (ત્રીજું) પંચ અને તેનો અહેવાલ જેવા અનેક સંદર્ભોનો આધાર લઇ આ ત્રણેય પાત્રોનું તટસ્થ મૂલ્યાંકન આલેખ્યુ છે.
૧૮પ૭ થી શરૂ થયેલી સ્વાતંત્ર્ય સંઘર્ષની દીર્ધયાત્રાના અનેક પડાવ બાદ જયારે સ્વાતંત્ર્યની સવાર આવી તે સોનેરી હોવાને બદલે રકતરંજીત અને કાલીમાપૂર્ણ કેમ હતી? આઝાદી માટે જે રકતનું વહેવું સ્વાભાવિક વિદ્રોહ ગણાત તે ત્યારે ન વહ્યું અને આઝાદી આવતાં જ દસ લાખ લોકોના રકતની નદી સ્વરૂપે કેમ વહ્યું ? વિભાજન-યાત્રાના મૂળ છેક ૧૯૩પમાં ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ'ના દાખલ થવાની સાથે થયા છતાં આટઆટલા મહાપુરૂષોમાંથી કોઇ તેને અટકાવી કેમ ન શકયા ? ભાગલા સમયની દુશ્મનાવટ અને અલગાવ સમયાંતરે નાશ થવાને બદલે આતંકવાદ અને અલગાવવાદી ચળવળો સ્વરૂપે આજે પણ ચાલુ છે, શા માટે? ભૂતકાળ ભૂંસી નથી શકાતો પરંતુ તેના પરથી જ વર્તમાન અને ભવિષ્ય સુધારી અવશ્ય શકાય તેના બદલે તેને ભૂલી જવાના આંખમિચામણાં શા માટે ?
લાંબા ગાળાની સશષા-નિઃશષા લડાઇ, આઝાદીના વધતાં જતાં સમર્થકો અને વિશ્વયુદ્ધમાં જાપાન ભારત પર આક્રમણ કરશે એવો બ્રિટનનો ભય હવે ભારતીયોના હાથમાં સત્તા આપવી જ પડશે એવા નિર્ણયક તબક્કે આવી પહોંચ્યો હતો ત્યારે જ રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહનો અભૂતપૂર્વ મોકો ચૂકી જઇ ભારતના નેતાઓ બ્રિટનની ભારત-વિભાજન ફાન્સને કારણે દ્વિધામાં આવી પડયાં. સુભાષચંદ્ર બોઝે કહેલું પણ ખરૂ કે, આ હિન્દુ-મુસ્લિમનું બહાનું ધરીને વિદેશી સતા આપણાં પર રાજ ભોગવવા માંગે છે... સ્વાધીન ભારતમાં ઘરઆંગણાની આ મુશ્કેલીને સહેલાઇથી ઉકેલી શકાશે... ગુલામ ભારતમાં તેનો ઉકેલ શકય નથી. ‘તેઓએ રચેલી આઝાદ હિન્દફોજમાં હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ અફસરો ખભેખંભા મિલાવી આઝાદીની લડાઇ માટે પ્રવૃત થયા હતાં ત્યારે દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા ‘બે દેશ' (Two nation theory)ના પ્રશ્ને વેરવિખેર હતી એક સમયે કોંગ્રેસમાં ‘વંદેમાતરમ્' ગીત વખતે અબદપૂર્વક ઉભા રહેતાં મહમંદઅલી ઝીણા પાછળથી પાકિસ્તાનના મામલે પોતાનો કક્કો પકડી બેસી ગયા કે તેઓને માત્ર અંગ્રેજોથી નહીં, હિન્દુઓથી પણ મુકિત જોઇએ છે ! જયારે૧૯૪૦માં કોંગ્રેસ અધ્યક્ષ બનેલા શાન્ત અને સૌમ્ય મૌલાના આઝાદ તો પાકિસ્તાનના સર્જનને માત્ર હિન્દુઓ માટે નહિ મુસ્લીમો માટે પણ નુકશાનજનક છે અને તેનાથી '
પ્રશ્નો ઉકેલાવાને બદલે ગૂંચવાશે વધુ, તેમ માનતાં હતાં. છતાં ભાગલાની કરૂણાંતિકા સર્જાઇને રહી અને જે ગાંધી એ દેશના ટુકડા કમને સ્વીકાર્યા તેને નથુરામે ત્રણ ગોળી મારી હત્યા કરી ત્યાં સુધી લંબાઇ... પરંતુ એનો અંત કયાં ?
અહિંસાના પૂજારીનો આવો હિંસક અંત લાવનાર નાથુરામ ભારત-વિભાજન અને તેને પરિણામે પેદા થયેલી પરિસ્થિતિ માટે ‘બાપુ' ને જવાબદાર માનતાં હતાં. તેણે આપેલાં નિવેદન ને પ્રકાશિત કરવા પર ઘણાં વર્ષો સુધી પ્રતિબંધ હતો પણ ૧૯૮૦ ના દાયકામાં પ્રગટ થયેલાં કેટલાંક પુસ્તકો અનુસાર... ‘ગાંધીજીની રાષ્ટ્રસેવા માટે તેમને શતશ : પ્રણામ પણ કોઇ રાષ્ટ્રસેવકનેય રાષ્ટ્ર-વિચ્છેદન અને રાષ્ટ્રશત્રુને મદદ કરવાનો અધિકાર નથી... જો પાકિસ્તાન બની ગયા પછી સરકારે પાકિસ્તાનના હિન્દુઓની રક્ષા કરી હોત તો યે મારો ક્રોધ શાંત થઇ ગયો હોત.' હિજરતીઓની દશા જોઇ તેમનું લોહી ઉકળી ઉઠેલું. વળી કાશ્મીર, ખિલાફત આર્યસમાજની બાપુ દ્વારા આલોચના. ગોળમેજી પરિષદ અને કોમી ચુકાદો, હિન્દુઓની કત્લેઆમ બાબતે બાપુનું અકળાવનારૂ મૌન વગેરેએ તેને અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દીધેલા વગેરે બાબતે લેખકે સવિસ્તાર વર્ણન કરેલું છે.
આ પુસ્તક સાંપ્રત પ્રશ્નોના ઉકેલનું માર્ગદર્શક બની શકે તેમ છે ખરૂ પરંતુ દર વરસે ડોકટર, એન્જિનીયર અને તે શકય ન બને તો જલદી કમાવી આપનાર વિવિધ કોર્ષ માટે આંધળી દોટ મૂકતાં મા-બાપો અને તેના લાડલાઓને ‘ઇતિહાસ' માટે સમય કયાં ? તો દેશના ઐકય અને સશકિતકરણની જવાબદારી જેના શિરે છે એવા રાજકારણીઓ ખુદ ‘ઐકય'ની વ્યાખ્યા જાણતા નથી અને સૌ પોતપોતાના સશકિતકરણમાં પડયાં છે તેનામાં આ અંગેની ઇચ્છાશકિત કયાં ? બાકી બચ્યાં તે ઓછું ભણેલાં અથવા સાવ નિરક્ષર ભારતીયો કે જે બિચારાં પોતાના ‘પેટ' નો ખાડો પુરવા માટે દિવસભર કાળી મજુરી કરી સૂઇ જાય છે તે તો આ બાબતોથી સાવ અજ્ઞાત જ છે. જે પ્રશ્નો સમય-સમયે ઉકેલાતાં નથી તે વિકરાળ બની જાય છે.
Courtesy:
આલેખન : પરેશ રાજગોર
http://www.akilanews.com/15102013/other-section/paresh-rajgor/
|