Dalai Lama (Gujarati Biography) – Navin Vibhakar
દલાઇ લામા
-ડો. નવીન વિભાકર
આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને "જાગતા' કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ નવલકથામાં માણવા મળશે. એકલવીર દલાઈ લામાને જાણવા, માણવા અને અનુભવવા માટે વાચકે આ નવલકથા અચૂક વાંચવી જ જોઈએ.
‘દલાઇ લામા'ના જીવન આધારિત ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ અધિકૃત પુસ્તકઃ એક નેતા કરતા પણ એક આધ્યાત્મપુરૂષ અથવા એક ધર્મગુરૂ તરીકે વધારે ખ્યાત છેઃ ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા' કરી દેનાર માનવતાની મશાલ પ્રગટાવી છે
અવારનવાર ભારતીય મીડિયા ચીનની વધતી જતી તાકાત, ભારતને ભરડો લેવાની તેની હરકતો, ભારતના દુશ્મનોને મદદ કરી ભારત વિરૂધ્ધ સિન્ડીકેટ રચવા જેવા ન્યુઝ અને આર્ટિકલ્સના ઢોલ પીટતા રહે છે પરંતુ આપણે એવી અનંત બેહોશીમાં સરેલા છીએ કે આંખ ખુલવાનું નામ લેતી નથી. પ્રજા મોંઘવારીના મારથી મુડદાલ અને સતાધીશો રાજકારણની સાઠમારીમાં વ્યસ્ત, ભારતનું યુવાધન મોબાઇલ-કમ્પ્યુટર અને ફેશનની દુનિયામાં મસ્ત, પગ નીચે રેલો નહિ ઘોડાપુર પહોંચી ગયું છે અને આપણે તેમાં છબછબિયાનો આનંદ લૂંટવા મથી રહ્યા છીએ. પાકિસ્તાન જેવા લુખ્ખા રાષ્ટ્રને ચીન જેવું લુચ્ચું રાષ્ટ્ર કરોડો ડોલરના ખર્ચે ‘પોર્ટ' વિકસાવી આપે, પરમાણુ કેન્દ્રો બાંધી આપે, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નૌકા મથકો વિકસાવે તેનાથી નહિ તો કમસે કમ તિબેટ નામનો એક આખો દેશ ચીન ગળી ગયું તેને આજે ૬૦ વર્ષ થયાં તેના પરથી પણ આપણે કંઇ નથી શીખ્યા.
જે પ્રજા ઇતિહાસમાંથીફ કંઇ શીખવી નથી, તેનું કોઇ ભવિષ્ય હોતું નથી. તિબેટને ચીન કેવી રીતે ગળી ગયું, તિબેટિયનો પર કેવા-કેવા અત્યાચારો કર્યા તે તિબેટના આધ્યાત્મિક ગુરૂ ગણાતા ‘દલાઇ લામા' કે જેને તિબેટિયનો ‘જીવંત બુધ્ધ' ગણતાં એવા God kingના જીવન પર આધારિત પુસ્તક ‘દલાઇલામા' માનવતાની મશાલના સાધક નામે ડો. નવીન વિભાકરે લખેલા પુસ્તકમાં આલેખાયું છે. દલાઇલામા-જે હજી ભારતમાં દેશવટે છે. તિબેટની સ્વતંત્રતા માટે સાઠ વર્ષથી લડતા રહ્યાં છે અને દુનિયાની વિવિધ સત્તાઓને તિબેટની સ્વતંત્રતા માટે સાથ આપવા વિનવતા રહ્યાં છે પણ ઉત્ક્રાંતિનો નિયમ છે કે સબળુ ટકે તે નબળુ સાફ થઇ જાય. શિકારે નીકળેલા સિંહનું પેટ અહિંસાના ઉપદેશોથી ભરી શકાતું નથી. હકીકત એ છે કે ચીન આપણને શકિતશાળી એટલે લાગે છે કે આપણે નબળા છીએ. જો કે માનવતાના સર્વોચ્ચ મૂલ્ય એવા અહિંસા અને શાંતિ માટે દલાઇલામાને હમણાં 1989માં નોબેલ પીસ પ્રાઇજ આપી દુનિયાએ તેણે લાખ્ખો નિર્વાસિતોને ભારતમાં હિજરત બાદ થાળે પાડવાની જે અગાધ મથામણ કરી, ચીનના સામ્રાજયવાદને એકલે હાથે પડકારી લડવાની ઝુંબેશની કદર કરી છે ખરી પરંતુ અબ પછતાએ કયા હોત... મહાસતાઓએ પોતાના સ્વાર્થખાતર એક આખા દેશની આગવી સામાજીક-સાંસ્કૃતિક પરંપરાનો નાશ થતો જોયા કર્યું એ સમગ્ર વિશ્વ માટે શરમજનક છે.
તિબેટ દુનિયાનો સૌથી ઉચ્ચ પ્રદેશે આવેલો ભારતનો પડોશી દેશ છે. દુનિયા તેને રહસ્યમય અને બૌદ્ધ સાધુઓના દેશ તરીકે ઓળખે છે. તિબેટના જંગલોમાં ચાંદી અને તાંબાના ભંડાર રહેલા જેનો કાચો માલ ચીનમાં લઈ જવા છેક પાટનગર લ્હાસા સુધી ચીને રેલ્વે લાઈન બાંધી દીધી. બૌધ્ધ મઠોને તોડી ત્યાં આધુનિક હોટલો બાંધી દીધી ‘હાન' જાતિના ચીનાઓની વિશાળ વસ્તી તિબેટમાં વસાવી દીધા. તિબેટની પરંપરાગત જીવન પદ્ધતિને છોડાવી ફરજીયાત કમ્યુનિઝમ દાખલ કરાવ્યુ. શિક્ષણનું માધ્યમ ચીની ભાષા બનાવી દીધી, તિબેટના ભાગોને ચીનના પ્રાંતોમાં ભેળવી દીધા સામે પક્ષે તિબેટીયનો વિશ્વનો જનમત એકત્ર કરવાની કોશિષો અને ‘ચીની ચોર તિબેટ છોડ'ના નારાને લગાવવા સિવાય કંઈ કરી શકયા નથી. જેને તિબેટ સાથે કંઈ લેવાદેવા નથી. એવા દેશો પણ ચીનની આ હરકતની પ્રતિક્રિયા આપવા લાગેલા ત્યારે જે તિબેટ ભારતની સલામતી અને સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ હતુ તેવા ભારતે મૌન પાળી, તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ ગણાવી ડરપોકપણાની હદ વટાવી દીધી. ડો. આંબેડકરે કહેલુ કે, ‘જો ભારતે તિબેટને માન્યતા આપી દીધી હોત, જેવી ૧૯૪૯માં ચીનને આપેલી તો આજે ભારત-ચીન સિમા વિવાદના હોત.. પરંતુ જવાહરલાલ ફરી એક વખત દેશની દીર્ઘકાલીન રાષ્ટ્રીય સુરક્ષાનું મહત્વ સમજી ન શકયા.
‘જ્યાં સુધી અનંત આકાશ છે, જ્યાં સુધી ધરતી પર માનવો જીવિત છે ત્યાં સુધી દુનિયાના દુઃખો દૂર કરવા હું પણ જીવિત રહીશ.' આ પીડાદાયક અવાજ ઉઠયો છે. દલાઈ લામાના દિલમાંથી જે માત્ર ત્રણ વર્ષની ઉંમરે ૧૪મા લ્હામા તરીકે જગજાહેર થયા. તિબેટમા અનાદિકાળથી પરંપરા હતી કે દલાઈલામાઓનો હંમેશા પુનર્મજન્મ થતો. ૧૯૩૫મા જન્મેલા આ દલાઈલામા તિબેટની ઉત્તર પૂર્વે આવેલ આમ્ડો પ્રોવિન્સના નાનકડા ગામડામાં જન્મેલા તેના પિતા ખેડૂત હતા. ત્રણ વર્ષની ઉંમરે તેઓએ ૧૩મા લામાની ચીજોને પીછાણી અને લ્હામા તરીકે જાહેર થતા ફક્ત છ વર્ષના મોટા ભાઈ સાથે મા-બાપથી દૂર મઢમાં લઈ જવાયા. થોડા સમયમાં પોતાની નવી જીવન પદ્દતિમાં ઢળવા લાગ્યા, જેમા પ્રાર્થના ઉપદેશો સરકારી મીટીંગોમાં હાજરી, અભ્યાસ, રમવાનો તાસ, વિદેશી મહેમાનો-મુલાકાતીઓને મળવુ પ્રશ્નોતરી અને છેલ્લે ટેલીસ્કોપથી આકાશ જોયે રાખવાની મનગમતી પ્રવૃતિ સાથે દિવસ પુરો થતો. પુસ્તકમાં તિબેટના પ્રાકૃતિક સૌંદર્યના વર્ણનો ડગલે-પગલે વર્ણવ્યા છે. જે અહીં બેઠા તિબેટ દર્શનનો લ્હાવો આપે છે. નાના બાળ દલાઇલામા, તેના કુટુંબ વગેરે ઉપરાંત વિવિધ મહેલો, દલાઇલામાના વિવિધ જીવન પ્રસંગોના ફોટોગ્રામ્સ પણ પુસ્તકને ખુબ રસપ્રદ બનાવે છે. તિબેટના નૈસર્ગિક સૌંદર્ય તેઓને જીવન જીવવાની કલા શીખવી તેઓનું Art of living પુસ્તક ખુબ વખણાયું છે. લ્હાસાના પોટાલા મહેલ પછી યુવાનીમાં નોર્બુલિંગકા માના મહેલના સંભારણા રસપ્રદ છે.
ચીનના પગપેસારાની શરૂઆત તિબેટના ચામાં પ્રાંત પર ચીની સૈનિકોના હુમલા સાથે ૧૯પ૦માં થઇ ત્યારે દલાઇલામાની ઉંમર ૧પ વર્ષ હતી ચીને બહાનુ બતાવેલં કે તે તિબેટને રાજાશાહીમાંથી મુકત કરાવવા ઇચ્છે છે. તિબેટની સેનામાં ફકત સાડા આઠ હજાર સૈનિકો જ હતા. જે ચીની સૈન્ય સામે તુચ્છ ગણાય વળી સૈન્ય અણઘડ હતું.અને બૌધ્ધ ધર્મના અહિંસા અને શાંતિના સંદેશાઓમાં માનતુ તિબેટ પોતાના પર હુમલો થશે એવું માનતુ પણ નહોતું. યુનાઇટેડ નેશન્સના કાયદાને પણ ચીન ધોળીને પી ગયુ પણ તિબેટ પણ યુ.એન.નું મેમ્બર ન હોવાથી તેનો કોઇ હસ્તક્ષેપ ન થયો.
આ પરિસ્થિતિમાં દલાઇલામાનો રાજયાભિષેક ૧૭ વર્ષની ઉંમરે કરાયો જેમાં બહારના દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહેવા પરંતુ તેમના પર ચીનનો હુમલો થશે તેવો ખતરો વધવા લાગતા ખુબજ દુઃખી હૃદયે સાધારણ વેશે જાનલેવા અંધારી રાતે લ્હાસા છોડયુ લાગણીના વહેતા ધોધ વચ્ચેથી જન્મભૂમિ છોડીને કઠણ હૃદયે એક અઠવાડિયાની ઘોડા પરથી સફર દ્વારા તિબેટના સૌથી મોટા શહેર ગ્યાનસે પહોંચ્યા ત્યા તેઓ ઓળખાય જતા હજારો લોકો તેના દર્શન કરવા ઉમટયા દરમિયાન ચીનના રેડીયો પરના જુઠાણાઓના પ્રચારથી વ્યથિત થતા રહ્યા ડ્રોમોમાં નવ ત્રાસ રહ્યા બાદ ચીન સાથે થયેલા કરાર અંતર્ગત તેઓ લ્હાસા પાછા ફર્યા આખી સફરમાં પોતાની પ્રજા સાથે વાતો કરી આ સમયે માત્ર સોળ વર્ષની ઉંમરના હોવા છતાં એક શાસક તરીકે પ્રજાની રક્ષા અને સુખ શાંતિ માટે પોતાને જવાબદાર ગણવા લાગ્યા ચીને મોકલેલા જનરલ અત્યંત ક્રોધી, ઉદડ અને અસહિષ્ણુ હતા વળી, તુરંતજ ચીને મોટી લશ્કરની ટુકડી મોકલી જેનાથી ટચુકડા લ્હાસથી વસતી બમણી થઇ જતા બધાનો નભાવ મુશ્કેલ બન્યો પ્રજા બેહાલ થઇ ગઇ વળી તિબેટી લશ્કરને ચીની લશ્કર સાથે ભેળવી દેવાના મુદે તેના પ્રધાનમંત્રીઓને કમને રાજીનામાં અપાવ્યા અનેક નાના-મોટા અત્યાચારો વચ્ચેય બૌધ્ધ ધર્મના નિયમો અને શિક્ષણને પ્રતાપે મનનં સંયમમાં અને શાંત રાખતા શીખ્યા હતા નાની ઉંમરમાં સંજોગોએ તેમને પરિપકવ બનાવી દીધા.
1954માં તેમને ચીન જવા આમંત્રણ મળ્યું. તેમને માઓત્સેતુંગને મળવાનો ઉત્સાહ થયો કારણ કે માઓત્સે તુંગે તિબેટને સ્વતંત્ર કરવાની ઘોષણા કરી હતી. 19 વર્ષની વયે અનેક જોખમો છતાં, રાજકારણના કાવાદાવાથી અજાણ હોવા છતાં ટ્રેનમાં પેકિંગ પહોંચ્યા ત્યાંના રોકાણ દરમિયાન તેઓએ ચીની ભાષા શીખવાનું શરૂ કર્યું. ચીનની સ્વતંત્રતાના સમારોહમાં તેઓ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને મળ્યાં અને ખૂબ પ્રભાવિત થયાં. ચીનથી સાથે આવેલા અધિકારીઓ જાણે દલાઇલામા નજરકેદ હોય તેવું વર્તન કરવા લાગેલાં. 1955 માં લ્હાસા પરત ફરતાં જ જાણ્યું કે દુનિયાએ તિબેટ પર ચીનનાં અધિકાર સ્વીકારી લીધો હતો. ખુદ ભારતે પણ ચીન સાથેના કરારમાં આ સ્વીકારી લીધેલું તે જાણી ખૂબ ઉદિગ્ન થયાં.
સુધારાના નામે ચીનાઓના અત્યાચાર વધવાં લાગેલા. સાધુ-સાધ્વીઓને પણ છોડયા નહોતાં. તેઓના હાથે જ તેમના ભગવાન બુધ્ધની પ્રતિમાઓ તોડાવી, જો ના પાડે તો છડેચોક મારી-મારી જાહેરમાં સંભોગ કરવાની ફરજ પાડી. સાધ્વીઓના લાંબાવાળ જાહેરમાં કાપી નાંખ્યા. તિબેટમાં રેડગાર્ડઝ (લાલ સૈનિકો)ના ટોળાઓ બેકાબૂ ફરવા લાગ્યાં. બળાત્કાર, મારધાડ, જાહેરમાં ફાંસીઓ, જેલનો અવિરત સીલસીલો શરૂ થયો. છતાં આ બધું સહન કરવા સિવાય તેમનો કોઇ આરો નહોતો.
1956માં તિબેટની સ્વાતંત્ર્ય ચળવળના સૈનિકોને ડામવા ચીનથી વધુ ચાલીસ હજાર સૈનિકોનો કાફલો આવ્યો અને ચળવળકારીઓને ક્રૂરતાપૂર્વક તેના કુટુંબ સાથે રહેંસી નાખ્યાં. દલાઇ લામાએ આ અંગે માઓને ઘણા પત્રો લખ્યા પણ તેનો કોઇ જવાબ મળ્યો નહિં. આ બધા દરમિયાન તેઓને એક ધાર્મિક કાર્યક્રમ અર્થે સિક્કિમ આવવાની મંજૂરી મળતાં તેઓ દિલ્હીમાં ફરી નહેરૂને મળ્યા અને પોતાને દેશવટે આવવાની ફરજ પડે તો ભારતનો દૃષ્ટિકોણ શો હશે તે પૂછયું. ફરી એકવાર લ્હાસા પરત ફર્યા બાદ ફરી-ફરીને સંજોગો બેકાબૂ બનતાં અંતે કઠણ હૈયે દેશ છોડી ભારતમાં આશ્રય લીધો. એંસી જેટલા નિર્વાસિતો સાથે તેઓ માર્ચ 1959માં ભારત સરહદે આવી પહોંચ્યાં જયાં ભારત સરકારે તેમને પ્રેમથી આમંત્ર્યા, તેમનો મસૂરી અને બાદમાં ધરમશાલામાં કાયમી મુકામ નકકી કરાયો. સાથે આવેલા નિરાશ્રિતોને રોજીરોટી, રહેઠાણ અને શિક્ષણની સુવિધાઓ આપવામાં આવી. પછી તો હજારો લોકો તિબેટ છોડી ભારત પહોંચ્યા. ભારત પણ હજુ પોતાની સ્વતંત્રતાની શરૂઆતના સંઘર્ષમય સમયમાંથી પસાર થતું હોવા છતાં ‘અતિથિ દેવો ભવઃ'ની ભાવના નિભાવી તે વાતે દલાઇલામા સંતુષ્ટ છે અને આશાવાદી છે તિબેટની સ્વતંત્રતા માટે.
Courtsey :
આલેખન:પરેશ રાજગોર
http://www.akilanews.com/
|