Andhkarno Ujas (Hellen Keller Biography In Gujarati)
જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે તેની શિક્ષક મિસ એન. સુલીવાન જેવી અન્ય શિક્ષક જોઈએ જ. મિસ સુલીવાન વિના હેલન કેલરની કલ્પના કરવી પણ શક્ય નથી. હેલન કેલર એટલે એક સફળ શિક્ષકનું ઉદ્દાત્ત સર્જન.' વિશ્વ વિખ્યાત એક અજુબાસમી હેલન કેલરની સફળતા વિશે એલેકઝાન્ડર ગ્રેહામ બેલ ઉપરોક્ત શબ્દો બોલેલા.
હેલન કેલર પોતાની આત્મકથા 'સ્ટોરી ઓફ માય લાઈફ' (૧૯૦૩)માં લખે છે, 'મારા ગુરુ મિસ સુલીવાન અને હું એવા તો ઓતપ્રોત છીએ કે હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી જ નથી... મારા જીવનની શ્રેષ્ઠતમ સિદ્ધિઓ એટલે તેમનું વરદાન. મારી પોતાની આવડત કેટલી છે તે વિશે મેં વિચાર સુદ્ધાં કર્યો નથી... તેઓ મારા વ્યક્તિત્વના તાણાવાણામાં અભિન્નપણે વણાઈ ચૂક્યાં છે. મારા જેવી અંધ, બધિર અને મૂક નાનકડી છોકરીના જીવનમાં તેમના પ્રવેશ સાથે મારા માટે એક નવી દિશા ખૂલી. મારા જેવી અસહાયની આંગળી પકડીને તેમણે મને પા પા પગલી ભરતાં શીખવી. મારા એ ગુરુના પદચિહ્નો જ મારા જીવનની મંઝિલ રહ્યાં છે. મારા અસ્તિત્વની સારામાં સારી વસ્તુઓ તેમણે મને આપેલું વરદાન માત્ર છે. આ જીવનની દરેકે દરેક મહેચ્છા, ઉત્સાહ અને આનંદ તેમના પ્રેમાળ સ્પર્શથી જાગ્રત થયેલ છે.' કોઈ શિષ્યની પોતાના ગુરુ પ્રત્યેની આવી હૃદયસ્પર્શી અંજલિ સાહિત્યમાં અન્ય ક્યાંય મળે તેમ નથી. પોતાની આત્મકથા સિવાય હેલને લખેલા 'ધ વર્લ્ડ આઈ લિવ ઈન' (૧૯૧૩), 'આઉટ ઓફ દ ડાર્ક' (૧૯૧૩), 'માય રિલિજિયન' (૧૯૨૭) અને 'લેટ અસ હેવ ફેથ' (૧૯૩૦) જેવા બારેક પ્રસિદ્ધ પુસ્તકોમાં પણ તેણે પોતાના ગુરુ મિસ સુલીવાનની વાત સતત કરી છે. તો વળી, ગુરુનું પોતાના શિષ્યા પ્રત્યેનું સમર્પણ પણ કાંઈ ઓછું નથી. તેમણે પણ હેલન કેલરના સફળ જીવનને પોતાના જીવનનું ધ્યેય બનાવી દેવામાં પાછું વાળીને જોયું નહોતું. ગુરુ-શિષ્યાની આ વિશ્વ વિખ્યાત જોડીને શિક્ષક દિવસે શત શત વંદન. ગ્રેહામ બેલના કહેવાથી જગવિખ્યાત પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં કેળવાયેલી એક યુવતી મિસ એન. સુલીવાન કેલર કુટુંબની નિઃસહાય નાનકડી દીકરીને શિક્ષિત કરવા એ કુટુંબમાં આવેલી. પરંતુ એ નાનકડી અંધ, મૂક અને બધિર દીકરીની માયાએ તેને આજીવન તે જ કુટુંબમાં રોકી લીધી. ભયંકર તોફાની અને બદમિજાજ એવી નાનકડી બાળકીને વિશ્વ વિક્રમ સ્થાપિત કરનાર હેલન કેલર બનાવવા મિસ સુલીવાને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. પોતાના જીવનના ૪૯ વર્ષો તેણે હેલન કેલરના ઘડતરમાં ખર્ચી નાખ્યા. તેઓ સતત હેલનના પડછાયાની જેમ જીવ્યા. એટલું જ નહીં પોતાના મૃત્યુ બાદ પોતાની વહાલી દીકરીસમી શિષ્યા હેલનના જીવનનું શું થશે તેનો ખ્યાલ કરીને તેમણે પોતાની વળતી ઉંમરે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી મિસ પોલી થોમસનને આગ્રહ કરીને હેલન કુટુંબમાં લાવીને સ્થાપિત કરી. હેલનના સતત વિરોધ ઉપરાંત તેમણે પોલીને હેલનનો ખ્યાલ રાખવા માટે બરાબર તૈયાર કરી અને ત્યારબાદ જ પોલીના હાથમાં પોતાની પરમ પ્રિય શિષ્યાનો હાથ સોંપીને તેઓ તેઓ આ દુનિયા છોડી શક્યા ! ગુરુશિ ષ્યાનો આ તે કેવો સંબંધ ! ડૉ. રંજના હરીશ