Adhyatmani Shodhma (Jeevan Premio Mate Adhyatma Vigyan) By Sanjeev Shah
અધ્યાત્મની શોધમાં - સંજીવ શાહ
જીવનપ્રેમીઓ માટે અધ્યાત્મ-વિજ્ઞાન
અહંકારથી ખરડાયેલી ચેતનાને મુક્ત કરવી એ છે અધ્યાત્મ,શોષણ અને અન્યાયની બેડીઓમાંથી સમાજને મુક્ત કરવાનો છે અને ચેતનાને અહંકારની બેડીઓમાંથી મુક્ત કરવાની છે.આ બે કામો એકસાથે કરવાની ક્ષમતા કોઈ કાર્યકર્તાની જમાતમાં નથી.જીવાનસાધકોની નવી જમાત ઉભી થાય જે પોતાનું ચેતના પરિવર્તન તથા સમાજ પરિવર્તન સાથે સાધવા મથે
જેવું જોયું, જાણ્યું, જીવ્યું અધ્યાત્મ
અધ્યાત્મ વિશે કાંઈ લખવાની હિંમત કરતાં મને બે દાયકા થયા. મને યાદ છે કે શ્રી અરવિંદના એક સાધકે મારા ‘જિંદગી’ પુસ્તકના લખાણને વાંચીને તરત એવું કહ્યું હતું કે, “આમાં તો નરી આધ્યાત્મિકતા છે.” તેમના ઉદ્ગારોથી મને જબરું આશ્ચર્ય થયું હતું! હું તે વખતે અધ્યાત્મ વિશે લગભગ કશું જ જાણતો નહોતો. હા, કુતૂહલવશ ઘણું વાંચતો હતો અને તેમાં સંતો અને ભક્તોની વાતો આવી જતી હતી. તેથી પેલા આદરણીય સાધકના ઉદ્ગારથી મનની એક બારી ખૂલી કે કદાચ અધ્યાત્મને ‘જિંદગી’ જીવવા સાથે સંબંધ હોઈ શકે. તે કેવળ પાછલા જન્મનાં કર્મોની કે જન્મોજન્મનાં ચક્કરોમાંથી છૂટવાની વાત નહીં હોય. આમ પણ આ જિંદગી જ મને એટલી વહાલી છે કે તેનાં ‘ચક્કરો’માંથી છૂટવાની વાતમાં મને રસ જ નહોતો.
હવે રુચિ જાગી એટલે મેં અધ્યાત્મ વિશે આમતેમ વાંચવા માંડ્યું. બુદ્ધિની શોધ ચાલી પરંતુ છેવટે વિમલા ઠકાર પાસેથી સાચા અધ્યાત્મનું ભાથું મળ્યું. તેમણે મારા પર અને ઓએસિસ પર અપાર સ્નેહ અને વાત્સલ્ય વરસાવ્યાં. સહજ આદરભાવ ઊપજે તેવું પ્રાંજલ તેમનું વ્યક્તિત્વ હતું. તેમણે મારા પર ઢોળ્યું હશે તો ઘણું, અને મને ખબર હતી કે મને કાંઈ બધી ગડ પડતી નથી, પણ તેમના અનુગ્રહથી એ વાત તો દૃઢ થઈ ગઈ કે, જીવનને સુંદર રીતે, અર્થસભર રીતે અને જાગૃતિપૂર્વક જીવવા સાથે અધ્યાત્મનો સીધો નાતો છે જ.
બસ, આ રાહ મને અનુકૂળ આવ્યો. ભાવતું હતું ને વૈદે કહ્યું! અંદર એક વાત બેસી ગઈ કે સાચું અધ્યાત્મ જીવન-અભિમુખ (Life Oriented) હોય છે, જીવન વિમુખ (Opposed to Life) નથી હોતું. પછી આ રસ્તે જેમ જેમ આગળ વધતો ગયો, શીખતો ગયો તેનાથી જીવન ખીલતું હોવાનો અનુભવ થયો. એમ પ્રેરણા થઈ કે જેટલો પ્રકાશ મળ્યો તેટલો તો વહેંચવો જોઈએ. કદાચ એ કોઈને ઊંધી દિશામાં જતાં અટકાવી શકે, કદાચ એ લોકોને પ્રશ્નો કરતાં કરી શકે. જીવન વહેંચવા માટે, આમ તો સ્નેહ સિવાય અન્ય પ્રયોજનની ક્યાં જરૂર હોય છે!
~ સંજીવ શાહ
|