વિષ્ણુસહસ્ત્રનામ :આંતરપ્રવેશ
મકરન્દ દવે
મહાભારતનાં મહાન મુક્તકો પૈકીના એક વિષ્ણુસહસ્રનામનું સમસ્ત સનાતન ધર્મમાં માનનારાઓમાં ઘણું મહત્ત્વ છે. સાધકોમાં તે અત્યંત લોકપ્રિય છે, કારણ કે તે વિવિધ જાતિ, વર્ગના લોકોની યથાયોગ્ય મનોકામનાઓ પૂર્ણ કરવા સમર્થ છે.
મંત્રશાસ્ત્રનો એક મત છે કે મંત્રનું મનન કરવું જોઇએ. તેનો માનસિક કે ઉપાંસુ જપ કરવો જોઇએ. માનસિક જપ એટલે કે હોઠ, જીભ, ગળું-સ્વરપેટી સ્થિર રાખી મનમાં જપ કરવા. ઉપાંસુ જપ એટલે કે હોઠ ફફડાવતાં બાજુવાળી વ્યકિત સાંભળી ન શકે તેવી રીતે જપાતો મંત્ર. મંત્રનો જપ એ ઉચ્ચાર અન્ય કોઇ સાંભળે તેવી રીતે કે ઊંચા સ્વરે ગાઇને કરી શકાય. નામસ્મરણ કે ધૂન ગાઇને કે ઊંચા શ્વરે લોકો સાંભળે તેવી રીતે જ કરી શકાય, પરંતુ સ્ત્રોત્રનો પાઠ મનમાં કે ઉપાંસુ કરી શકાય નહીં, એવું કરતાં તેનો ધાર્યો લાભ મળતો નથી. સ્ત્રોત્રનો પાઠ સસ્વર, ગાઇને યથાયોગ્ય રાગમાં જ કરવો જોઇએ.
વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો પાઠ પણ સસ્વર, રાગમાં ગાઇને જ કરવો જોઇએ. બજારમાં કેટલાક સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોએ ગાયેલા વિષ્ણુસહસ્રનામની ડીવીડી કે કેસેટ્સ સરળતાથી મળી રહે છે. તેના સહારે કે કોઇ શાસ્ત્રીય ગાયક પાસેથી વિષ્ણુસહસ્રનો પાઠ કરવાની શાસ્ત્રીય વિધિ શીખી શકાય છે. જે લોકો આમ કરવા સમર્થ ન હોય તેમણે વિષ્ણુસહસ્ર નામાવલીનો પાઠ કરવો.
દા.ત. ૐ વિશ્વસ્મૈ નમઃ, ૐ વિષ્ણવે નમઃ... નામાવલી મંત્રરૂપ ગણાતી હોવાને કારણે નામાવલીનો મંત્રની જેમ માનસિક કે ઉપાંસુ જપ કરવો. વિષ્ણુસહસ્રનામ સ્તોત્રની જેમ નામાવલીની પુસ્તિકા ધાર્મિક સાહિત્ય વેચતી દુકાનેથી સરળતાથી મળી રહે છે.
વિષ્ણુસહસ્રનામના કેટલાક સરળ અને પ્રભાવશાળી પ્રયોગો પ્રસ્તુત છે.
વિધિપૂર્વક વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો પ્રયોગ કરવા ઇચ્છનારે પ્રથમ લક્ષ્મીનારાયણના પ્રતીક ચિત્ર, મૂર્તિ કે યંત્રનું ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત, નૈવેધ વગેરે પંચોપચારથી પૂજન કરવું. ત્યાર બાદ વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર કે નામાવલીનો પાઠ કરવો. જેઓ આવું કરવા સમર્થ ન હોય તેઓ માત્ર પાઠ કરશે તો પણ તેમને લાભ થશે.
વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ શિવમંદિરમાં કે તુલસી સંમુખ કરવાથી ભગવાન વિષ્ણુ બહુ જલદી પ્રસન્ન થાય છે અને પાઠનું ફળ શીઘ્ર મળે છે.
વિષ્ણુસહસ્ત્ર નામાવલીના દરેક નામને લક્ષ્મીબીજ ‘શ્રીમ્’નો સંપુટ આપવાથી આર્થિક સમસ્યાઓ, કરજનો અંત આવે છે અને નોકરી, ધંધામાં બરકતનો અનુભવ થાય છે. સંપુટ આમ આપવો, ‘શ્રીમ્ ૐ વિશ્વસ્મૈ નમઃ શ્રીમ્’. આમ દરેક નામની આજુબાજુ ‘શ્રીમ્’ બીજનો સંપુટ કરવો.
સિદ્ધપુરના સુપ્રસિદ્ધ ગાયત્રી ઉપાસક સ્વ. દેવશંકર બાપાના મત મુજબ વિષ્ણુસહસ્ત્રનામની સાથે શ્લોક નં. ૭૭-૭૮નો સંપુટ આપવાથી કે તેના સ્વતંત્ર જપ કરવાથી ખૂબ જ આર્થિક વિકાસ થાય છે. આ દોઢ શ્લોક આ પ્રમાણે છેઃ
શ્રી વત્સવડતાઃ શ્રીવાસઃ શ્રીપતિઃ શ્રીમતાં વરઃ
શ્રી દઃ શ્રીશઃ શ્રી નિવાસઃ શ્રી નિધિઃ શ્રી વિભાવનઃ
શ્રીધરઃ શ્રીકરઃ શ્રેયઃ શ્રીમાં લોકત્રયાશ્રયઃ
આ નામોને ‘શ્રીમ્’ બીજનો સંપુટ આપીને જપ કરવાથી પણ આર્થિક વિકાસને વેગ મળે છે. સહસ્ત્રનામના દરેક શ્લોકને આ શ્લોકનો સંપુટ આપીને પાઠ કરવાથી પણ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
ઔષધ વધુ ગુણકારી થાય, આરોગ્ય સુધરે તે માટે પણ એક પ્રભાવશાળી પ્રયોગ વિષ્ણુસહસ્ત્રનામનો છે, તે આ પ્રમાણે છેઃ
ૐ અમૃતાંશૂદ્ભવો ભાનુઃ શશબિંદુઃ સુરેશ્વરઃ!
ઔષધમ્ જગતઃ સેતુ સત્યધર્મ પરાક્રમઃ!!
આ શ્લોકનો જપ કરવાથી અથવા ગાયના ઘીનો હોમ કરવાથી તૈયાર થયેલી ભસ્મ દર્દીને નિયમિત જળ સાથે આપવાથી પણ ઔષધ ગુણકારી થાય છે અને દર્દી રોગમુક્ત થાય છે. ભસ્મના પ્રયોગની સાથે જરૂરી સારવાર કરાવતા રહેવું.
આ ઉપરાંત અનેક ચમત્કારિક અને દિવ્ય રહસ્યોથી ભરપૂર છે, વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર.
|