Vaman Puran (Gujarati Edition) by Maharshi Ved Vyas
મહર્ષિ વેદવ્યાસ પ્રણિત વામન પુરાણ
શુદ્ધ ગુજરાતી ભાષાંતર
ભગવાન વિષ્ણુના વામન અવતારનો મહિમા દર્શાવવા આ પુરાણ રચાયું છે.
પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.
પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.
વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.
|