શ્રીમદ્દ ભગવદ્દગીતા ભાવાર્થ- ( અધ્યાય 7 થી 12)
ભક્તિયોગ
હીરાભાઈ ઠક્કર
મહાભારતમાં 18 પર્વ છે. તેમાના ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 (18 અધ્યાય) શ્રીમદ્દ ભગવદ્દગીતા નામેં પ્રસિદ્ધ છે. ભગવદ્દગીતાને 'અર્જુનગીતા' અથવા 'પાર્શ્વગીતા' પણ કહેવાય છે.
શ્રીમદ્દ ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે. જેમાં પહેલા છ અધ્યાયમાં (1 થી 6) મુખ્યત્વે કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે, બીજા છ અધ્યાયમાં (7 થી 12) ભક્તિયોગનું અને આખરી છ અધ્યાયમાં (13 થી 18માં) જ્ઞાનયોગનું પ્રતિપાદન કરેલું છે. અને આ ત્રણે યોગોનો સમન્વય કરેલો છે.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગને ખૂબ મહત્વ આપ્યું છે, તેમાં ભક્તિયોગ એક છે. ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે.
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી,યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેને શત્રુ, મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’
‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’
ગીતાજીની સંસ્કૃત ભાષા સરળ હોવા છતાં કદાચ આપણને ન સમજાય તો શ્રી નરસિંહ મહેતાએ આ જ વાત બહુ જ સરળ શબ્દોમાં ગુજરાતી ભાષામાં ભજન રૂપે કહી છે, તેને જીવનમાં આચરણમાં મૂકીએ તો પ્રભુની કૃપા પામી શકીએ. બધા સદગુણોનું આચરણ અઘરું લાગે તો પણ એકાદ સદગુણને આચરણમાં મૂકીએ તો ધીમે ધીમે બધા સદગુણો જીવનમાં આપોઆપ પ્રગટે અને આપણું જીવન સુધરી જાય. આ બધા સદગુણો કેટલી બધી પરમ શાંતિ આપે છે એ તો જાતે અનુભવવા જેવું છે એ જ પ્રભુકૃપા છે.
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેવી જ રીતે તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે.
પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા. કોઈ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો ન હતો. તેમ છતાં તેમનું અધ્યાત્મ જ્ઞાન બહુ ગહન હતું. કોઈ યશ મેળવવાની ગણતરી વિના, અપયશ સહન કરીને પણ, સમગ્ર નાગર જ્ઞાતિની નારાજી જાણતા હોવા છતાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ તેમણે સહજ ભાવે પાંચ સો વર્ષ અગાઉ કર્યું. તેવી જ રીતે થોડાં વર્ષ પહેલાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ કરનાર મહાત્મા ગાંધીજીને, નરસિંહ મહેતા માટે ખૂબ માન હતું. તેમનું"વૈષ્ણવ જન તો તેને કહીએ..." ભજન ગાંધીજીને ખૂબ ગમતું.
Courtsey : cybersafar.com
|