મહાભારતમાં 18 પર્વ છે. તેમાના ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 (18 અધ્યાય) શ્રીમદ્દ ભગવદ્દગીતા નામેં પ્રસિદ્ધ છે. ભગવદ્દગીતાને 'અર્જુનગીતા' અથવા 'પાર્શ્વગીતા' પણ કહેવાય છે.
શ્રીમદ્દ ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે. જેમાં પહેલા છ અધ્યાયમાં (1 થી 6) મુખ્યત્વે કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે, બીજા છ અધ્યાયમાં (7 થી 12) ભક્તિયોગનું અને આખરી છ અધ્યાયમાં (13 થી 18માં) જ્ઞાનયોગનું પ્રતિપાદન કરેલું છે. અને આ ત્રણે યોગોનો સમન્વય કરેલો છે.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. અધ્યાય ત્રણ, ચાર અને પાંચમાં કર્મયોગ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. ત્રણે અધ્યાયનાં નામ ‘‘કર્મયોગ’’, ‘‘કર્મબ્રહ્માર્પણયોગ’’ અને ‘‘કર્મસંન્યાસયોગ’’ છે. ત્રણે નામ બહુ સરળ અને સૂચક છે. દરેક શુભ કે અશુભ કર્મ સાથે ફળ તો જોડાયેલું છે જ. એટલે અર્જુને પૂછ્યું: ‘‘તમે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું કહો છો તો જો ફળ મેળવવાનું જ ન હોય તો પછી કર્મ જ શું કામ કરવું ?’’
ત્યારે પરમાત્માએ જવાબ આપ્યો કે કર્મ કરવું એ કુદરતી છે. માનવી ઇચ્છે કે ન ઇચ્છે તો પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે. તેનો સ્વભાવ તેને કર્મ કરવાની ફરજ પાડે. પરિણામે કર્મફળ તો ભોગવવું જ પડે. આ ‘‘કર્મયોગ’’ છે. કદાચ કોઈ સંસાર તજે તો પણ કર્મ ન તજી શકે. સંન્યાસીને પણ કર્મ તો જાણેઅજાણે કરવાં જ પડે છે. સંન્યાસ લીધા પછી પણ માનવી કર્મથી દૂર જઈ શકતો નથી. પરિણામે કર્મમાંથી ઉદ્ભવતી અશાંતિ તો સંન્યાસીને પણ પરેશાન કરે છે.
પરંતુ જો માનવી કશી જ આશા રાખ્યા વિના ફક્ત પોતાની ફરજ રૂપે કર્મ કરે અને તે કર્મ પરમાત્માને અર્પણ કરે તો તેને કર્મ બંધન કરતું નથી. ગીતાજીમાં આ જ વાત શ્રીકૃષ્ણ ભગવાને જુદા જુદા અધ્યાયમાં વારંવાર દોહરાવી છે. લાભ, ગેરલાભ, યશ, અપયશ, સફળતા, નિષ્ફળતા, જય, પરાજય, સુખ, દુઃખ એ બધાં જ કર્મફળ છે. તેની અપેક્ષા વિનાનું કર્મ એ જ શ્રેષ્ઠ કર્મ છે. જો કર્મફળ પરમાત્માને અર્પણ કરી દઈએ તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.
જો આપણે આપણું જીવન પ્રભુચરણે ધરી દઈએ તો જીવનને વળગેલાં કોઈ પણ દ્વંદ્વ આપણને અસર જ ન કરે. સાદીસીધી વાત છે. આપણું જીવન જ આપણું ન હોય તો તેની સાથે સંકળાયેલી વસ્તુઓની આપણને અસર ક્યાંથી થાય ? મૃત્યુ પહેલાં જીવનમુક્ત થઈ શકીએ. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં માનવી સ્થિર રહી શકે. આવી સ્થિર બુદ્ધિવાળા માનવીને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહ્યો છે અને આવી સ્થિર બુદ્ધિવાળા માનવીને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ જ ‘‘ર્ક્મબ્રહ્માર્પણયોગ’’ છે.
કર્મ ન કરવાં એને કર્મ સંન્યાસ કહી શકાય. જ્યારે માનવી સંસાર તજે છે, ત્યારે તેણે સંન્યાસ લીધો એમ આપણે કહીએ છીએ. આમ સંસારનાં કર્મ તજે તેને કર્મસંન્યાસ કહે છે, પરંતુ પરમાત્મા કહે છે કે કર્મસંન્યાસ નહીં પણ ‘‘કર્મફળસંન્યાસ’’ શ્રેષ્ઠ છે.
એક મિત્રે બહુ સરસ વાત કરી કે કોઈ સારા માણસને કેદની સજા થઈ હોય તો તે છૂટવાની કોશિશ કરે અને ફરીથી જેલમાં જવું ન પડે તેવી કાળજી રાખે. જીવનમરણનાં ચક્કરમાંથી છૂટવા ઇચ્છતા મહાનુભાવોને આ વાત લાગુ પડે છે. તેમને માટે ‘‘કર્મબ્રહ્માર્પણ યોગ’’ અથવા ‘‘કર્મફળ સંન્યાસ યોગ’’ બહુ ઉત્તમ છે. આ બંને નામ અલગ અલગ છે, પરંતુ અર્થ એક જ છે.
જેને આપણે રીઢા ગુનેગાર તરીકે ઓળખતા હોઈએ, એવા જે બદમાશ જ છે, જેને એક પછી એક સજા થતી જ રહે, છતાં કાંઈ અસર ન થતી હોય, તેને તો કદાચ જેલ બદલાય તેનું બહુ દુઃખ ન હોય. એક જેલમાંથી છૂટે ત્યાં બીજી જેલમાં જવાનું થાય. એને માટે સાબરમતી જેલ હોય કે તિહાર જેલ હોય કાંઈ ફરક પડતો નથી. આપણે આ કક્ષાના છીએ.તેથી જન્મમરણનાં ચક્કર ચાલ્યા જ કરે છે. આપણે સુધરવાની કોશિશ જ કરવા માગતા નથી. પછી જેલમાંથી છૂટવાની કોઈ શક્યતા જ રહેતી નથી. શરીર બદલાયા કરે છે. આત્માની મુક્તિ થતી નથી.
જીવનમુક્ત સંતનું અવસાન થાય ત્યારે લોકો કહે કે ‘‘એ તો દેવ થઈ ગયા.’’ જે પ્રભુચરણે ગયા તેનો શોક શા માટે કરવો ? સામાન્ય માનવી મરી જાય તો લોકો કહે કે‘‘એ તો પાછા થયા.’’ જેની મુક્તિની શક્યતા જ નથી, એવા વારંવાર જીવનમરણમાં અટવાયા કરતા માનવી માટે શોક કરવા જેવું ખરું. એના મૃત્યુ માટે શોક નહીં, કેમ કે એ તો અનિવાર્ય છે, પણ માનવ જીવન મળ્યા છતાં તેણે છૂટવાનો પ્રયત્ન પણ ન કર્યો, એ શોકની વાત ગણાય. કદાચ એટલે જ આત્મા શરીર બદલ્યા કરે છે અને પોતે કરેલાં શુભ અશુભ કર્મનાં ફળ ભોગવ્યા કરે છે. આવા માનવીને અશાંતિની ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યજીએ આપણને મૂઢ કહીને ટકોર કરી છે કેઃ
‘‘પુનરપિ જનનં, પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનં,
ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્, ગોવિંદમ્ ભજ મૂઢમતે !’’
ગીતાજીનો ઉપદેશ ગહન છે. કાંઈક આપણને ન સમજાય તેવું બને, પરંતુ કોઈ મહાત્મા કે ગીતાજીના ઊંડા અભ્યાસી પાસેથી તેનો અર્થ જાણવા મળે, ત્યારે ખૂબ આનંદ થાય. પૂજ્ય શ્રી રવિશંકરદાદાનાં પ્રવચનો આધારિત ‘‘ગીતા બોધવાણી’’ ગ્રંથ આ બંને દ્રષ્ટિએ ઉત્તમ છે કેમ કે દાદા સંત અને ગીતાજીના ઊંડા અભ્યાસી હતા.
શ્રીકૃષ્ણ ભગવાને અધ્યાય ચોથામાં કહ્યું છેઃ યજ્ઞના ચાર પ્રકાર છે અને દરેક માનવીએ ગમે તે એક યજ્ઞ કરવો જોઈએ. આ ચાર પ્રકાર એટલેઃ (૧) કર્મયજ્ઞ (૨)તપયજ્ઞ (૩) યોગયજ્ઞ (૪) જ્ઞાનયજ્ઞ. આ ચારેમાં જ્ઞાનયજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે યજ્ઞ એટલે અગ્નિમાં ઘી તથા અન્ય વસ્તુઓ હોમવી તેમ આપણે માનીએ છીએ, પરંતુ ઉપરોક્ત ચારેય યજ્ઞ કંઈક જુદા છે.
(૧) કર્મયજ્ઞ - એટલે કર્મ અગ્નિમાં ઇચ્છાઓ હોમવી. કોઈ પણ કર્મ, ઇચ્છાઓ તજીને કરવાં. કોઈનું અહિત ન થાય તે ખ્યાલ રાખીને, પોતાના કલ્યાણ માટે નહીં પણ સમાજના કલ્યાણ માટે કર્મ કરવાં. બધું પ્રભુને અર્પણ કરીને, પ્રભુને પામવાની કોશિશ કરવી.
(૨) તપયજ્ઞ - એટલે તપ અગ્નિમાં શરીરનાં કષ્ટ હોમવાં. શરીરની વધુ પડતી આળપંપાળ તજીને તપ કરવું. વહેલા ઊઠી, ઠંડા પાણીથી સ્નાન કરીં આળસ તજવી, ઉપવાસ કરીને ભૂખ તેમ જ સ્વાદ ઉપર અંકુશ મૂકવો, મૌન પાળીને વાણી ઉપર અંકુશ મૂકવો. ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરીને શરીરને સુદ્રઢ બનાવવું અને વિકારો પર વિજય મેળવવો. એ રીતે પ્રભુને પામવાની કોશિશ કરવી.
(૩) યોગયજ્ઞ - એટલે યોગ અગ્નિમાં મનને હોમવું. મનના વિચારો અને વિકારો પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. પરમાત્માના ધ્યાનમાં લીન થઈને મનને વશ કરવું. પ્રાણાયમ, યોગ વગેરે દ્વારા, શ્વાસોછ્વાસ પર કાબૂ મેળવી, મનની અતિ ચંચળતા રોકીને પ્રભુને પામવાની કોશિશ કરવી.
(૪)જ્ઞાનયજ્ઞ - એટલે જ્ઞાન અગ્નિમાં અજ્ઞાન હોમવું. પરમાત્મા બધે વ્યાપેલા છે, જે કાંઈ દેખાય છે એ બધું જ પ્રભુમય છે તેમ સમજવું. કર્મ કરવા છતાં અકર્તા બનીને એટલે કે પ્રભુને આત્મસમર્પણ કરીને અહંકાર તજવો. આ સૌથી શ્રેષ્ઠ માર્ગે ચાલીને સૌનું હિત થાય એવી રીતે જીવવું. એ રીતે પ્રભુને પામવાની કોશિશ કરવી.
આમ ચારેય યજ્ઞનું અંતિમ ધ્યેય તો પ્રભુને પામવાનું જ હોવું જોઈએ.
દહેરાદૂન - મસુરી પાસે ભારતના મહાન સંન્યાસી સ્વામી શ્રી રામતીર્થજીનો આશ્રમ છે. તેમને કોઈએ પૂછ્યું: ‘‘આપ યજ્ઞમાં માનો છો કે નહીં ?’’ તેમણે જવાબ આપ્યોઃ‘‘હું યજ્ઞમાં ચોક્કસ માનું છું, પણ મારી અને તમારી યજ્ઞની વ્યાખ્યામાં થોડોક ફેર છે. તમે અગ્નિમાં ઘી તથા અન્ય વસ્તુઓ હોમવાની ક્રિયાને યજ્ઞ માનો છો. હું, ભૂખ્યા માનવીના જઠરાગ્નિમાં ઘી હોમવાની ક્રિયાને યજ્ઞ માનું છું.’’ ભૂખ્યા માનવીને અન્ન આપવું એ સૌથી શ્રેષ્ઠ દાન છે, સાચો યજ્ઞ છે એમ તો શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે.
Courtsey: Cybersafar.com