Shreemad Bhagwat By: Ved Vyas
શ્રીમદ્ ભાગવત
શ્રીમદ્ ભાગવતમ્ (સંસ્કૃત:श्रीमद् भागवतम् અથવા ક્યારેક श्रीमद्भागवतम्) હિંદુ ધર્મનાં અઢાર પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત્ પુરાણ, ભાગવત્ મહાપુરાણ કે ફક્ત ભાગવત તરિકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભુત રીતે ભક્તિ યોગ પર ભાર મુકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન (મૂળ પુરુષ) તરિકે નિરૂપવામાં આવ્યાં છે.
ભાગવતનું આલેખન ઋષી ગણની સભામાં સુત ગોસ્વામી દ્વારા કહેવામાં આવતી કથાનાં રૂપમાં કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત શ્રોતા ગણમાંથી ઋષીઓ તેમને એક એક કરીને પ્રશ્નો પુછે છે (ખાસ કરીને કૃષ્ણ કે વિષ્ણુનાં વિવિધ અવતારો ઉપર)અને આ પ્રશ્નોનાં ઉત્તર સુત ગોસ્વામી તેમને આપે છે. સુત ગોસ્વામી આ કથા વિષે એમ કહે છે કે તેઓએ તે અન્ય ઋષી શુકદેવ મુની પાસેથી સાંભળી હતી. પુરાણની ભાષા વેદિક ભાષાને ઘણી મળતી આવે છે અને માટે જ સંશોધકો માને છે કે તે ખુબ પુરાણો ગ્રંથ છે
શ્રીમદ્ ભાગવતમ્ ૧૨ સ્કંધોનું બનેલું છે, જેમાં મોટે ભાગે એક સ્કંધમાં વિષ્ણુના એક અવતારની કથાનું વર્ણન છે. પ્રથમ સ્કંધમાં ભગવાનના બધા જ અવતારોનું ટુંકમાં વર્ણન સુત ગોસ્વામીએ કર્યું છે જેને અંતે તેઓ કૃષ્ણને સ્વયં ભગવાન (સ્વયં ભગવાનનો અર્થ છે કે તે અવતાર નથી, પણ અવતારી છે, એટલેકે અન્ય અવતારો કૃષ્ણનાં અવતારો છે, અને કૃષ્ણ પોતે મૂળ પુરુષ/પરમેશ્વર છે) તરિકે પ્રસ્થાપિત કરે છે. દશમ સ્કંધમાં કૃષ્ણનાં પ્રાકટ્યની કથા છે અને તેની સાથે સાથે તેમણે વૃંદાવનમાં કરેલી બાળ્ય લીલાઓ તથા ભક્તોને આપેલા ઉપદેશોની કથા (જેમકે ઉદ્ધવ ગીતા) દશમા અને અગીયારમાં સ્કંધમાં વહેંચાયેલી છે. દ્વાદશ સ્કંધમાં ભવિષ્ય કથન છે જેમાં કળિયુગનાં આગમનની કથા છે અને પૃથ્વિનાં વિનાશની એટલે કે પ્રલયની વાત કરીને ભાગવત પુરું થાય છે.