Shilp Shastra Siddhant Sangrah (Gujarati Subhavati Tika Sahit)
by Jayprakash Narayan Dwivedi
શિલ્પશાસ્ત્રસિંધ્ધાંતસંગ્રહ ( સુભાવતીટીકા સહીત )
જયપ્રકાશ નારાયણ દ્વિવેદી
શિલ્પશાસ્ત્રસિંધ્ધાંતસંગ્રહ નામક પ્રકૃત ગ્રન્થ પ્રખ્યાત સ્થપતિ આચાર્ય વિશ્વકર્મા દ્વારા અનુમોદિત વાસ્તુશાસ્ત્રીય ગ્રંથોમાં શિલ્પશાસ્ત્રના સિદ્ધાંતોનું શ્રેષ્ઠ સંકલન છે.
અથર્વવેદમાં શિલ્પશાસ્ત્ર વિષે વિસ્તારથી વિગત આપવામાં આવી છે. એટલે કે ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં શિલ્પશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર વિકસેલાં હતાં. મકાન, મહેલાત, મંદિર કે કોઈપણ ઈમારત બાંધવી હોય તો સૌ પ્રથમ તો તે જમીનની તાકાત કેટલી છે એની ચકાસણી થતી.પ્રાચીન ભારતમાં મકાનો, મહેલાતોની બાંધણી અને તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી હતી. આપણે ‘દ્વારકા, ઈન્દ્રપ્રસ્થ વગેરે જગ્યાઓની બાંધણીની વિગતોથી વિદિત છીએ. મૌર્ય અને ગુપ્તવંશ સમયના મહેલોની વિગતથી પણ વિદિત છીએ. મકાનોના પ્લાનિંગ, બાંધણી વગેરેના સંદર્ભો આપણી પાસે છે. નિવાસી મકાનો, રાજમહેલ, સેનાનાં મકાનો, તબેલા, ગજશાળા, મંદિરો વગેરે ઊંચા સ્થાપત્યશાસ્ત્ર પ્રમાણે જ થતાં. તે જગ્યા, દ્વારો વિચારીને સ્થાપત્યશાસ્ત્ર અનુરૂપ રહેતાં. આ બધાં મકાનોનું સ્થાપત્ય એવું રહેતું કે ધરતીકંપો, વાવાઝોડાં, ભારે વરસાદ તેમને પાડી ન શકતાં. મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર સદીઓથી આપણી સામે અડીખમ ઊભાં છે. ભારતમાં સ્થાપત્યકળા કેટલી બધી ઉચ્ચ કક્ષાએ વિકસી હતી એની આ બધાં સ્થાપત્યો સબિતી આપે છે.
શિલ્પશાસ્ત્ર કે મૂર્તિઓ અને સ્થાપત્ય રચનારીતિઃ તેનો અર્થ માત્ર મૂર્તિમાં જ સીમિત ન હતો. ચોસઠ કલાઓનું એ શાસ્ત્ર ગણાતું. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓના ગુણધર્મો બતાવવા દિશાઓના અધિનાયક દેવ નક્કી કરેલા છે તે માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં લેવામાં આવતા, પરંતુ નકશાઓ બનાવવામાં ગાણિતિક અને ભૌમિતિક પરિમાણો પ્રમાણે રચના થતી. ભારતમાં અન્ય સ્થાપત્ય રચનારીતિઓની અસર આવી તે પહેલાં આ પરિમાણો આખા ભારતમાં માન્ય ગણાતાં અને તેને વાસ્તુપુરુષમંડલ તરીકે ઓળખવામાં આવતાં. આ મંડલોના દેવ અને તેના મહત્ત્વ મુજબના આકાર માટે ચોરસ ચોકઠાં ગોઠવાતાં તેને પદવિન્યાસ કહેવાતું. એક ચોખંડાથી દશ ચોખંડામાં રચનામાં દરેકને પદનું નામ અપાતું. અહીં આપેલ એક ચિત્રથી એ વાત સમજાશે. હિંદુધર્મમાં સગુણ અને નિર્ગુણ ઉપાસના થતી હોય છે અને તે મુજબ સકલ એટલે પૂર્ણરૂપ અને નિર્ગુણ એટલે આકાર-રૂપ વગરનાં મૂર્તિ સ્વરૂપો મુજબ સ્થાપત્યમાં મંડલોની સંખ્યા અને સ્થાન ગણતરીમાં લેવામાં આવતાં. આ રીતે વાસ્તુ અને શિલ્પશાસ્ત્ર એકબીજાના પર્યાય શબ્દો બની રહ્યા છે. આજે આપણે તામિલનાડુના મંદિર સ્થાપત્ય, રચનારીતિઓ પર નજર કરીએ.
તામિલનાડુમાં હજારો મંદિરો છે. સદીઓથી આ રાજ્યમાં બંધાતાં આવ્યાં છે અને તે પ્રક્રિયા અત્યારે વીસમી સદી સુધી ચાલુ જ છે. સાતમી સદીમાં સ્થાપત્યોમાં પથ્થરોનો ઉપયોગ થતો. ૯મી સદીમાં પલ્લવ રાજાઓએ અનેક મંદિરોનું નિર્માણ કર્યું. આ બધાં જ મંદિરોમાં પથ્થરોનો ઉપયોગ થયો છે. ૯૦૦-૧૨૫૦માં ચૌલા રાજવીઓએ પણ સુંદર મંદિરો અને સ્થાપત્યોનું નિર્માણ કર્યું. એ પછી ૧૩૫૦ સુધી પાંડયા રાજાઓએ પોતાની રીતે વિશાળ અને ઊંચા ગોપુરમ બનાવ્યાં. આ પછી ૧૩૫૦-૧૫૬૦ સુધી વિજયનગર રીતિનાં સુંદર મંદિરોનો સમય હતો. આ સમયમાં સુંદર નકશીકામવાળા સ્તંભોની સ્થાપત્ય વિશેષતા હતી. ૧૬૦૦થી ૧૭૫૦ નાયક રીતિના દર્શનની વિશેષતા અનેક સ્તંભો વિશાળ સભાગૃહો અને મોટા પરિક્રમા- પ્રદક્ષિણા પથ દ્વારા જોવા મળે છે. આ રીતે જોવા જઈએ તો દ્રાવિડ સ્થાપત્યો અને મંદિરોની રચનારીતિ પરથી સમય અને કાળનું અનુમાન થઈ શકે તેવું છે. તે વખતના ધાર્મિક અને સામાજિક રીતરિવાજો પણ આ સ્થાપત્યોની રીત પર અસર કરતાં પરિબળો હતાં. આ ઉપરાંત ઘણી જગ્યાએ શિલાલેખોમાં એવી નોંધો મળે છે. આ બધાં મંદિરોએ સ્થાપત્ય સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સ્થપતિ અને સલાટો અને શ્રમિકોનો એક વર્ગ રચાયો. આ સ્થાપત્યોના આકારની રીતે જોવા જઈએ તો માત્ર પાંચ આકારોની આજુબાજુ જ કામ થતું. આ પાંચ આકારો તે ચોરસ, લંબચોરસ, નળાકાર, ગોળ અને અષ્ટકોણ.
|