Saamved (Gujarati)-By: Dr.Rajbahadur Pandey
સામવેદ
સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -” વેદોમાં હું સામવેદ છું
સામવેદની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે. સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે. સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવૉ છે.તે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે. આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે. અ વેદની પત્નીનું નામ શિવા છે .
અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે, પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે, એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું. છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે, જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે, ખાસ કરીને વેદાંત દર્શન પર. ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.
ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદાત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે. એટલો જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી. તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે: રાણાયનીય, સાત્યમુપ્રય, કાલાપ, મહાકાલાપ, લાંગબિક, શાર્દૂલીય ને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે. તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે. તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ. આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે. તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે. તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે. તે પાઠ ભિન્ન ભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે. ૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે. યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે
|