Ramayan Na Patro – Nanabhai Bhatt નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું રસાયણ સમજતા. આવું રસાયણ કિશોરવયે મળે તો અમૃત જેવું કામ કરે. તેવી હોંશથી તેમણે રામાયણ તથા મહાભારતનાં પાત્રોની કથામાળા લખી. આ કથામાળાએ એ કાળે ગુજરાતના કિશોરો-કિશોરીઓ પર જાદુ કર્યું હતું. એમને ઘેલું લગાડયું હતું. આ પાત્રો માત્ર સાદી કથા નથી પણ પોતપોતાની પરિસ્થિતિમાંથી ઊભાં થતાં તે તે પાત્રોનાં સચોટ મનોમંથનો છે. પછી તે સીતા હોય, ગાંધારી હોય, દ્રોણ કે સૂતપુત્ર કર્ણ કે પાંચાલી હોય. તેમના વાર્તાલાપો પણ આ મનોમંથનો જ બહાર લાવે છે અને તેથી વાંચનાર તેમની જોડે નિકટતા અનુભવે છે.